મોરબીમાં 2.92 કરોડના ખર્ચે બનશે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરી : ખાતમુર્હુત કરાયું

- text


પર્યાવરણ મંત્રી જયદ્રથસિંહ પરમાર દ્વારા શુભેચ્છા સંદેશ પાઠવાયો

મોરબી : ગુજરાત રાજયમાં આવેલ 27 પ્રાદેશિક કચેરીઓમાં મોરબી પ્રાદેશિક કચેરીનો સમાવેશ થાય છે. જેના કાર્યક્ષેત્રમાં મોરબી, વાંકાનેર, હળવદ, માળીયા (મીયાણા) અને ટંકારા વિસ્તારની ઔધૌગિક વસાહતોનો સમાવેશ થાય છે. આ વસાહતોમાં સીરામીક, પેપરમીલ, ફાર્માસ્યુટીકલ, લેમીનેટ શીટ, પ્લાસ્ટીક અને એજીનીયરીંગ વગેરેના વિવિધ એકમોનો સમાવેશ થાય છે. મોરબી વિસ્તારમાં કુલ 2295 જેટલા ઔધોગિક એકમો ધ્વારા તેમના ઔધોગિક ગંદા પાણીને જરુરી ટ્રીટમેન્ટ કરી ટ્રીટેડ ગંદા પાણીને રી-યુઝ કરવામાં આવે છે.

મોરબી વિસ્તારના ઔધોગિક વસાહતોમાં આવેલા એકમોમાં પ્રદૂષણ નિયંત્રણની કામગીરી માટે સ્થાનિક સ્તરેથી ઝડપથી કામગીરી કરવાનું આવશ્યક જણાતાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા મોરબી ખાતે પ્રાદેશિક કચેરીની સ્થાપનાની વિચારણા કરવામાં આવી હતી. જે માર્ચ-2014થી કાર્યરત છે. રાજયકક્ષાની વાત કરીએ તો ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની હાલની 16 પ્રાદેશિક કચેરીઓ પૈકી મોરબી સહીત 7 કચેરીઓ માટે જમીનની ફાળવણી થઇ ગયેલ હોવાથી બાંધકામની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

જે નિમિત્તે આજે તા. 3ના રોજ મોરબીમાં 116 GIDC રફાળેશ્વર ખાતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરીના બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ ખાતમુહૂર્તની તક્તીનું અનાવરણ જિલ્લા અધિક કલેક્ટર કેતન જોશી દ્વારા કરવામાં આવ્યું છે. આ તકે પર્યાવરણ મંત્રી જયદ્રથસિંહ પરમારે શુભેચ્છા સંદેશ લખી મોકલ્યો છે. આ કાર્યક્રમમાં પ્રદુષણ નિયંત્રણ બોર્ડના મોરબી જિલ્લા યુનિટના વડા બી. એમ. ઠાકર ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ કચેરી રૂ. 2,92,63,500ના ખર્ચે બનનાર છે. તેમજ 3 માળની કચેરીના લેબોરેટરીનો પણ સમાવેશ કરવામાં આવશે.

- text

- text