મોરબીના શનાળા રોડ ઉપર બે આખલાઓનું દંગલ : ટ્રાફિકજામ

- text


તંત્રની ઘોર બેદરકારીના કારણે વારંવાર જાહેર માર્ગો પર સર્જાતા આખલા યુદ્ધ : તંત્ર વહેલી તકે રઝળતા ઢોરને ડબ્બે પૂરે તેવી માંગ

મોરબી : મોરબીના શનાળા રોડ જેવા ભરચકક વિસ્તારમાં આજે બે અખલાઓ વચ્ચે બરોબરની લડાઈ જામી હતી. આખલાઓ વચ્ચેની લડાઈને કારણે વાહન ચાલકો ભયભીત બન્યા હતા. જોકે તંત્રની ઘોર બેદરકારીના કારણે વારંવાર જાહેર માર્ગો પર આખલા યુદ્ધ સર્જાયુ છે. તેથી, તંત્ર વહેલી તકે રઝળતા ઢોરને ડબ્બે પૂરે તેવી માંગ ઉઠી છે.

મોરબીના સતત ટ્રાફિકથી ધમધમતા શનાળા રોડ ઉપર આજે બપોરના સમયે બે આખલાઓ અચાનક ભૂરાટા થયા હતા અને બન્ને આખલાઓ એકબીજા સાથે શીંગડા ભરાવીને દંગલ મચાવ્યું હતું. આખલાઓ વચ્ચે ખાસ્સો સમય સુધી લડાઈ જામી હતી. જેથી, શનાળા રોડ ઉપર વાહન વ્યવહાર પર અસર પડી હતી.વાહન વ્યવહાર એકદમ ધીમો પડી ગયો હતો. અમુક વાહન ચાલકો આલખા યુદ્ધથી બચીને માંડ માંડ સલામત રીતે નીકળી શક્યા હતા. જોકે ટ્રાફિક પોલીસ અને સ્થાનિકોએ પાણીનો મારો ચલાવીને આખલાઓને છુટા પડવાના પ્રયાસો કર્યા હતા. પણ આખલાઓ છુટા ન પડતા અડધી કલાક સુધી ટ્રાફિકજમ સર્જાયો હતો અને વાહન ચાલકો ખાસ્સો સમય સુધી ટ્રાફિકમાં અટવાયા હતા.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી શહેરમાં લાંબા સમયથી રઝળતા ઢોરનો ગંભીર પ્રશ્ન છે. જાહેર માર્ગો પર અડીગો જમાવતા રઝળતા ઢોર ક્યારે આપસમાં લડી ઝઘડી પડે તે નક્કી જ નથી હોતું, વારંવાર આખલા યુદ્ધ થાય છે. આખલા યુદ્ધથી લોકો ઉપર જાનનું જોખમ રહે છે. જોકે હાલ ચોમાસામાં રઝળતા ઢોરની સમસ્યા વધુ વકરે એવી સ્થિતિ છે. તેથી, તંત્ર આ મામલે કોઇ ઠોસ કદમ ઉઠાવે તેવી લોકમાંગ પ્રબળ બની છે.

- text