મોરબી એલસીબીનું સફળ ઓપરેશન : હળવદ નજીક રૂ. 21.78 લાખનો વિદેશી દારૂ ભરેલો ટ્રક પકડ્યો

ટ્રકનો ડ્રાઇવર ફરાર : રૂ. 21.78 લાખનો મુદ્દામાલ કબ્જે

મોરબી : મોરબી એલસીબીને વિદેશી દારૂનો જથ્થો પકડવામાં આજે મોટી સફળતા મળી છે. જેમાં એલસીબીની ટીમે હળવદ પાસેથી રૂ. 21.78 લાખનો વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપી પાડ્યો છે. જો કે આ ટ્રકનો ડ્રાઇવર નાસી છૂટવામાં સફળ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.

મોરબી એલસીબીએ બાતમીના આધારે હળવદ- ધ્રાંગધ્રા તરફથી આવતા દારૂ ભરેલો ટ્રક પકડી પાડવા વોચ ગોઠવી હતી. ત્યારે હળવદના કવાડિયા ગામ પાસે કોયબા- ઢવાણા માર્ગે ડીએલ 01 જીસી 3442 નંબરનો ટ્રક પકડાયો હતો. જો કે આ ટ્રકનો ડ્રાઇવર નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. ટ્રકમાં પશુના આહારમાં વપરાતા ભૂંસાની થેલીઓની આડમાં છુપાવેલો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.

એલસીબીની ટીમનાં જણાવ્યા પ્રમાણે આ ટ્રકમાંથી રૂ. 21.78 લાખની 8700 વિદેશી દારૂની બોટલ મળી આવી છે. જેને ગણતા એલસીબીને કલાકોનો સમય લાગ્યો હતો. હાલ પોલીસ દ્વારા દારૂ અને ટ્રક મળી રૂ. 31.83 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અને આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને ક્યાં લઈ જવામાં આવી રહ્યો હતો તે અંગે તપાસ ચલાવી છે. આ કામગીરીમાં એલસીબી પીઆઇ વી.બી. જાડેજા તેમજ દિલીપભાઈ પરમાર સહિતની ટિમ રોકાઈ હતી.