હળવદના સોની દંપતીએ કોરોનાને મ્હાત આપી : સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા અપાઈ

- text


અત્યાર સુધીમાં કુલ ત્રણ પોઝિટિવ દર્દીઓ સ્વસ્થ થઇ ઘરે પરત ફર્યા : હળવદના ચરાડવાનો એકમાત્ર કેસ એક્ટિવ

હળવદ : હળવદના કોરોના પોઝિટિવના વધુ બે દર્દીઓએ કોરોનાને મહાત આપી અમદાવાદની હોસ્પિટલમાંથી સંપૂર્ણ સ્વસ્થ થઇ પરત પોતાને ઘરે ફર્યા છે. હળવદમાં અત્યાર સુધીમાં કુલ ૩ પોઝિટિવ કેસ સંપૂર્ણ તંદુરસ્ત થયા છે. હવે એકમાત્ર ચરાડવા ગામના વૃદ્ધ સારવાર હેઠળ છે. જેઓ પણ સ્વસ્થ થઈ ઘરે પરત ફરે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

કોરોના વાયરસને પરાસ્ત કરી પરત ફરેલ હળવદના સોનીવાડ વિસ્તારના અને હાલ અમદાવાદ ખાતે રહેતા લલિતભાઈ સોની અને તેમના ધર્મ પત્ની નિતાબેન સોની એ આઇસોલેશન વોર્ડમાં થયેલા અનુભવોનું વર્ણન કરતા જણાવ્યું છે કે તબીબોની ટીમ અને ત્યાંના પેરામેડિકલ સ્ટાફનો ખૂબ સહકાર રહ્યો હતો. તેમની ખડેપગે સારવાર કરી હતી. સાથે જ તેઓને આનંદ છે કે કોરોના જેવી વૈશ્વિક મહામારીના સંક્રમણમાંથી તેઓ બહાર આવી ગયા છે. વધુ જણાવ્યું હતું કે “અમે કોરોના પોઝિટિવના અન્ય દર્દીઓને પણ એ સંદેશ પાઠવવા માંગીએ છીએ કે કોરોનાને પરાસ્ત કરવો હશે, તો આરોગ્ય તંત્ર, આઇસોલેશન વોર્ડની ટીમ, તબીબો, પોલીસને સહકાર આપી વૈશ્વિક આરોગ્ય સંસ્થાની ગાઇડ લાઇનને અનુસરવું જરૂરી છે.”

- text

કોરોના વાયરસ સામે લડી ઝઝુમી પરત આવેલ દંપતિ જ્યારે ઘરે પરત ફર્યા ત્યારે પરિવારજનો સહિત આજુબાજુમાં રહેતા લોકોએ તાળીઓ પાડી સ્વાગત કર્યું હતું. જો કે હાલ લલીતભાઈ અને તેમના ધર્મપત્ની તેમના એક અમદાવાદ ખાતેના નિવાસસ્થાને રહે છે. વધુમાં, તેઓનો ૩૦ થી વધુ લોકોનો પરિવાર છે. તેઓ હળવદ અને અમદાવાદ એમ બંને જગ્યા ઉપર રહેતા હોય, તેને કારણે હળવદના સોનીવાડ વિસ્તારના પણ અમુક મકાનોનો કન્ટેન્મેન્ટ ઝોનમાં સમાવેશ કરાયો હતો. જોકે પરિવારજનોએ જ્યારે લલિતભાઈ અને તેમના ધર્મપત્નીનો રિપોર્ટ પોઝિટિવ આવતા જ સરકારની ગાઈડલાઈન મુજબ હોમ કોરોન્ટાઈન થઇ ગયા હતા. સાથે જ પરિવારજનોએ પણ આ સમયે સાથ સહકાર આપનાર તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

- text