મોરબીના શ્રમિકોની વતન વાપસી સિરામિક ઉદ્યોગ માટે મોટો પડકાર બનશે

કન્સ્ટ્રક્શન સાઇટો ચાલુ થવાથી ટાઇલ્સની ડિમાન્ડ વધશે પરંતુ શ્રમિકોના અભાવે પ્રોડક્શન કેમ થશે તે મોટો પ્રશ્ન

મોરબી : શ્રમિકોની વતન વાપસી મોરબીના સિરામિક ઉદ્યોગ માટે મોટો પડકાર બન્યો છે. કારણકે કન્સ્ટ્રક્શન સાઇટો શરૂ થવાથી સિરામિક ટાઇલ્સની ડિમાન્ડ વધવા તરફ છે અને બીજી બાજુ શ્રમિકોના અભાવે પ્રોડક્શન કરવું કેમ તે મોટો પ્રશ્ન છે. હાલ તો આ પ્રશ્નના કારણે ઉદ્યોગકારોમાં ચિંતા વ્યાપી ગઈ છે.

મોરબી જિલ્લામાં દોઢ લાખથી વધુ શ્રમિકો છે. જેમાંથી મોટાભાગના શ્રમિકો ઘર વાપસીની જીદ સાથે પોતાના વતન જવા સજ્જ બન્યા છે. ત્યારે આ વતન વાપસી સિરામિક ઉદ્યોગને નડતરરૂપ બનવાની છે. એક તરફ કન્સ્ટ્રક્શન સાઇટો ચાલુ થવાથી દેશભરમાં સિરામિક ટાઇલ્સની ડિમાન્ડ વધવાની તૈયારી છે. બીજી તરફ શ્રમિકો વગર ટાઇલ્સનું પ્રોડક્શન થઈ શકે તેમ નથી. જો કે ઉદ્યોગકારોનું માનવું છે કે શ્રમિકો જુલાઈ સુધી પોતાના વતનથી પરત આવે તેવા કોઈ અણસાર જણાતા નથી. ઘણા ઉદ્યોગકારો તો એવું માને છે કે દિવાળી સુધી શ્રમિકો અહીં પરત આવે તેવી કોઈ શકયતા નથી.

તાજેતરમાં જ સિરામિક ઉદ્યોગ શરૂ કરવાને તંત્રએ લીલીઝંડી આપી હતી. પરંતુ હવે આ ઉદ્યોગ શ્રમિકોને અભાવે શરૂ થઈ શકે તેમ નથી. ત્યારે શ્રમિકોના પ્રશ્નને લઈને ઉદ્યોગકારોની હાલત કફોડી બની છે. સિરામિક ટાઇલ્સના પ્રોડક્શનને અસર પહોંચવાથી કન્સ્ટ્રક્શન સાઇટોને પણ માઠી અસર પહોંચવાની છે. મોરબી પંથકમાં અંદાજે નાના મોટા એક હજાર જેટલા સીરામીક ઉદ્યોગો આવેલા છે. જેમાંથી 70 ઉદ્યોગો પાસે જ શ્રમિકોની વ્યવસ્થા હોવાથી તે શરૂ થયા છે. બાકીના ઉદ્યોગોમાં પ્રોડક્શન કામ હજુ શરૂ થયું નથી. જો કે ઘણા ઉદ્યોગો પાસે તૈયાર થયેલો માલ પડ્યો હોય છેલ્લા 4થી 5 દિવસમાં દેશભરમાં 5 હજાર ટ્રકથી વધુ માલની સપ્લાય કરવામાં આવી છે.