હાલમાં સીરામીક સહિતના યુનિટો શરૂ કરવા પડકારરૂપ : કલેકટર સાથે મળેલી બેઠકમાં ઉદ્યોગકારોનું મંતવ્ય

મોરબીમાં 20મી બાદ ઉદ્યોગો શરૂ કરવા બાબતે જિલ્લા કલેકટરે વિવિધ ઉદ્યોગોના એસોસિએશનો સાથે બેઠક કરી : સ્ટાફની અવર જવરનો મુખ્ય પ્રશ્ન ચિંતાનો વિષય

લોકોને કલેકટર કચેરીએ ન આવવું પડે તે ઉદ્યોગોની મંજૂરીની પ્રક્રિયા ઓનલાઇન કરવાની વિચારણા

મોરબી : મોરબી સહિતના અનેક જિલ્લાઓ જે રેડ ઝોનમાં નથી ત્યાં આગામી તા. 20 પછી ઉદ્યોગોને સરકારની ગાઈડલાઈન મુજબ શરૂ કરવા દેવામાં આવનાર છે. જો કે કયા કયા ઉદ્યોગો શરૂ કરવા દેવા તે અંગે જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને નિમાયેલી કમિટી નિર્ણય લેવાની છે. આ મુદ્દે આજે મોરબીમાં જિલ્લા કલેકટર દ્વારા ઉદ્યોગકારો સાથે બેઠક યોજવામાં આવી હતી. જે બેઠકમાં મોટાભાગના ઉદ્યોગકારોએ લોકડાઉનના પગલે સીરામીક સહિતના ઉદ્યોગોને શરૂ કરવા પડકારરૂપ ગણાવ્યા હતા.

આ બેઠકમાં સીરામીક, ક્લોક, મીઠા, પેપરમિલ સહિતના એસોસિએશનોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં તમામ ઉદ્યોગકારો પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા હતા. જેમાં સીરામીક એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ ઉધરેજાએ જણાવ્યું કે સિરામિક ઉદ્યોગ હાલની પરિસ્થિતિમાં ચાલુ કરવો પડકારજનક છે. કારણકે સીરામીકના 800 જેટલા યુનિટ છે. એક યુનિટમાં ફેકટરીમાં રહેતા મજૂરો ઉપરાંત 30થી 40નો કલેરિકલ સ્ટાફની પણ જરૂર
પડે. સીરામીક ઉધોગએ 24 કલાક ચાલતો ઉદ્યોગ છે. જેમાં હજારોની સંખ્યામાં મજૂરો અને લોકોની જરૂર પડશે. અને સીરામીક યુનિટ તરત જ ચાલુ કે બંધ કરી શકાતું નથી. હાલની સ્થિતમાં તમામ સ્ટાફની મુવમેન્ટ પડકારજનક છે. અને તેમના વગર ઉદ્યોગ શરૂ કરવો કઠિન પણ છે. આ ઉપરાંત આ ઉદ્યોગ શરૂ કરાયા બાદ તાત્કાલિક બંધ પણ થઈ શકતો નથી. આમ સીરામીક ઉદ્યોગ શરૂ કરવો પડકારરૂપ છે. તેમ છતાં સરકારના નિયમોને અનુસાર સીરામીક ઉદ્યોગ શરૂ કરવાના પ્રયત્નો કરીશું અને હાલ તેમાં તૈયાર માલનું લોડિંગ અને મેન્ટેનન્સ જેવી કામગીરી શરૂ કરી શકાય છે.

વધુમાં આ બેઠકમાં ઉપસ્થિત રહેલા મોરબી કલોક એસોસિએશનના પ્રમુખ શશાંકભાઈ દંગીએ જણાવ્યું કે ક્લોક એસોસિએશન વતી તેઓએ એવો પ્રશ્ન રજૂ કર્યો હતો કે ક્લોક ઉદ્યોગમા મોટાભાગના મહિલા કર્મચારી છે. અને ઉદ્યોગો પાસે 10 ટકા જ બસ છે. બાકીના મહિલા કર્મચારીઓ રીક્ષા કે અન્ય વાહનોમાં આવતા હતા. હવે તેઓને અહીં કઈ રીતે લાવવા અને કઇ રીતે મુકવા જવા તે પ્રશ્ન છે. વધુમાં તેઓએ એવું જણાવ્યું હતું કે ક્લોક ઉદ્યોગને એક્સપોર્ટ કરવું છે. માટે લોડિંગ અને અનલોડીંગની મંજૂરી આપવામાં આવે. આ સુચનના પ્રત્યુત્તરમાં કલેકટરનો હકારાત્મક અભિગમ જોવા મળ્યો હતો.

મીટીંગમાં પેપર મિલ એસોસિએશનના પ્રમુખ કિરીટભાઈ પટેલે ખૂબ સકારાત્મક વાત મૂકી હતી. જેમાં તેઓએ કહ્યું હતું કે પેપરમિલના 50 ટકા યુનિટો ચાલુ થઈ શકશે. માટે જે ઉદ્યોગો પેપર મિલની પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. તેઓને કોઈ તકલીફ નહિ પડે.

જ્યારે મીઠા ઉદ્યોગના અગ્રણી દિલુભા જાડેજાએ મિટિંગમાં જણાવ્યું હતું મીઠા ઉધોગમાં હાલ લોકડાઉનના કારણે મજૂરોનો પ્રોબ્લેમ છે. પરંતુ મીઠાના યુનિટો સરકારની ગાઈડલાઈન મુજબ શરૂ કરવામાં આવશે.

મિટિંગ અંગે અધિક કલેકટર કેતન જોશીએ જણાવ્યું હતું કે મિટિંગમાં ઉદ્યોગકારોના યુનિટો ચાલુ કરવાના સુચનો અને ચર્ચા કરાઈ છે. તંત્ર સરકારની ગાઈડલાઈન અને નિયમો મુજબ ઇન્ડસ્ટ્રીઝ યુનિટોને શરતોને આધીન મંજૂરી આપશે. તેમજ મોરબીમાં ઇન્ડસ્ટ્રીઝની સંખ્યા વધુ હોવાથી સાથે યુનિટોના પ્રતિનિધિઓને મંજૂરી માટે કલેકટર કચેરી ખાતે આવવું ન પડે અને સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે ઉદ્યોગોને મંજૂરી આપવાની પ્રક્રિયા ઓનલાઇન કરવાની પણ વિચારણા ચાલી રહી છે. ક્યાં ઉદ્યોગોને અને કેવી રીતે પરમિશન આપવી તે અંગે ચર્ચા વિચારણા બાદ 20 એપ્રિલ સુધીમાં નિર્ણયો લેવામાં આવશે.