મોરબી જિલ્લાની 2790 ગંગા સ્વરૂપ બહેનોને સહાયની રકમ પોસ્ટમેન તેમના ઘરે પહોંચાડશે

- text


મોરબી : હાલના સમયમાં કોરોનાને પગલે લોકડાઉનની સ્થિતી છે. ત્યારે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની રાજ્ય સરકાર દ્વારા એક નવતર પહેલ રૂપે રાજ્યમાં વિધવા મહિલાઓને આર્થિક સહાય રૂપે ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજનાથી વિધવા બહેનોને દર મહીને સીધા જ પોસ્ટ ખાતામાં રૂપિયા ૧૨૫૦ જમા કરાવવાની ડી.બી.ટી કાર્યપદ્ધતિનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે.

રાજ્ય સરકાર દ્વારા લાભાર્થી ગંગાસ્વરૂપ બહેનોના ખાતામાં ડીબીટી મારફત જમા થયેલ રૂપિયા ૧૨૫૦ સહાયની રકમ ઉપાડવા પોસ્ટ ઓફિસ જવું ન પડે અને ઘર બેઠા મળી રહે તે માટે મોરબી જિલ્લા કલેકટર જે.બી. પટેલ અને નિવાસી અધિક કલેકટર કેતન પી. જોષીના માર્ગદર્શન હેઠળ મહિલા અને બાળ અધિકારીની કચેરીના શૈલેષભાઇ અંબાલીયા દ્વારા પોસ્ટ વિભાગ સાથે સંકલન સાધીને દરેક લાભાર્થીને પોસ્ટમેન દ્વારા ઘરે નાણા ચુકવવાનું સુચારૂ આયોજન કરવામાં આવ્યું છે.

આ આયોજનના ભાગરૂપે ગંગા સ્વરૂપા બહેનોને આર્થિક સહાય પહોંચાડવા માટે મોરબી જિલ્લાની પોસ્ટ ઓફીસ દ્વારા ૪૦ જેટલા પોસ્ટમેન કર્મચારીઓ આ સેવાના કાર્યમાં જોડાયેલા છે. આ યોજના દ્વારા અત્યાર સુધી જિલ્લાની કુલ ૨૭૯૦ વિધવા બહેનોને પોસ્ટમેન મારફત ઘર બેઠા સહાયની રકમ ચુકવાઈ છે.

મોરબી પોસ્ટ ઓફિસના મુખ્ય પોસ્ટ માસ્ટર એચ.એચ. ખોરજીયાએ જણાવ્યું કે પોસ્ટ વિભાગની કામગીરી પોસ્ટકવર પહોચતા કરવાની છે. પરંતુ હાલમાં ”કોરોના વાયરસને કારણે તા. ૧૪-૦૪-૨૦૨૦ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે લોકો લોકડાઉનના નિયમનું પાલન કરે અને ગંગા સ્વરૂપ બહેનોને ઘર બેઠા સહાય પ્રાપ્ત કરે તે માટે પોસ્ટમેન મારફત સહાયની રકમ તેમના ઘરે પહોંચાડવામાં આવી રહી છે. લાભાર્થીને નિયત સમય મર્યાદામાં સહાયની રકમ પહોંચાડીએ છીએ જેથી તેઓને આ કપરા સમયમાં રૂપિયા કામ લાગે. પોસ્ટ ઓફિસના અધિકારી અને કર્મચારીઓ દ્વારા દ્વારા લાભાર્થીએ સવારના ૯-૦૦ વાગ્યા થી સાજના ૪-૦૦ વાગ્યા સુધીમાં સહાય રકમ અચુકપણે પહોચી જાય તેવા પ્રયાસો સાથે કામ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત જે લાભાર્થીએ અરજીમાં પોતાનું સરનામું દર્શાવ્યું હોય પરંતુ હાલમાં અન્ય સ્થળે વસવાટ કરતા હોય તો તેઓ તેમની નજીકની પોસ્ટ ઓફિસમાંથી સહાયની રકમ મેળવી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે.”

- text

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સરકાર અને લાભાર્થી વચ્ચે સેતુરૂપ બનીને સહાયની રકમ ઘરે પહોંચાડનાર પોસ્ટમેન મનસુખભાઇ બાબુભાઇ સાટોલાએ લાભાર્થી બહેનોની લોકડાઉનની મનોવ્યથા સાથેના રાજીપાને પોતાના શબ્દોમાં વર્ણવતા કહ્યું હતું કે, “ જ્યારે હું એક ખુબ મોટી ઉમરના લક્ષ્મીબેન સવાભાઇ પરમારને સહાયની રકમ તેમના હાથમાં આપવા ગયો ત્યારે તેઓ ખુબ જ ભાવુક થઈ ગયા અને ગદગદિત સ્વરે કહ્યું કે બેટા, હું ચાલી નથી શકતી, સારુ થયુ તુ મને અહિં રૂપીયા આપવા આવ્યો અને તેમને મને ભગવાન અને માતાજીના આશીષ આપ્યા હતા આવુ મારી જોડે પહેલી વાર થયેલ છે.”

આ અંગે મોરબીના મહિલા અને બાળ અધિકારી શૈલેષભાઇ અંબાલીયા જણાવ્યું હતુ કે, દરેક ગંગા સ્વરૂપ બહેનોને સહાયની રકમ જલ્દીથી મળી રહે તેવા પ્રયાસો સાથે મહિલા અને બાળ વિભાગ કચેરી તેમજ મોરબી પોસ્ટ ઓફિસ કામ રહી છે, હાલમાં ગંગા સ્વરૂપ વિધવા બહેનોને બે માસના રૂપિયા એક સાથે જમા કરવામાં આવ્યા છે. ત્યારે કોઇ લાભાર્થી બહેનો આ સહાયથી વંચીત રહી જાય તો પોસ્ટમેન બીજા દિવસે તેમના ઘરે જઇને સહાયની રકમ આપે છે. સમગ્ર વહીવટી તંત્ર વતી માત્ર એટલી જ અપીલ કરુ છું કે, તેઓ તેમના આ કામ માટે પોસ્ટ ઓફિસ ન જતાં તેમના ઘરે જ રહે, અને સોશ્યિલ ડિસ્ટન્સીંગના નિયમનું પાલન કરી કોરોનાને ફેલાતો અટકાવવામાં તંત્રને પૂરતો સાથ સહકાર આપે. તમારા માટે સરકારી કર્મચારીઓ/અધિકારીઓ પોતાના પરિવારની ચિંતા કર્યા વિના તેમની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી રહયાં છે, તેવા સમયે આપણે પણ ઘરમાં જ રહીને તેમને સાથ સહકાર આપવો જોઈએ.

- text