વિશ્વ મહિલા દિવસે નારીશક્તિને સલામ : 450 મહિલાઓનું ગ્રુપ જરૂરિયાતમંદ બહેનોને બનાવે છે સ્વનિર્ભર

- text


જાગૃત મહિલા ગ્રૂપ જરૂરીયાતમંદ બહેનોને ઘરનું ગુજરાન ચાલવાવા માટે એક્ઝિબિશનના માધ્યમથી મદદરૂપ થવાની સાથે સઘન સફાઈ ઝુંબેશ પણ ચલાવે છે

મોરબી : માનવ જીવનનું એક શાશ્વત સત્ય એ છે કે આપણે કોઈનું ભલું કરીશું તો આપણું ભલું આપોઆપ બની જશે. ત્યારે આ બાબતને મોરબીના મહિલા જાગૃત ગ્રુપે જીવનમાં વણી લઈને જે જરૂરિયાતમંદ બહેનો ઘરનું ગુજરાન ચલાવવા માટે ખરા અર્થમાં કમર કસી રહી છે. તેમને સ્વનિર્ભર બનાવવા માટે આ જાગૃત મહિલા ગ્રુપ ભારે સક્રિય રહે છે. ખાસ કરીને મહિલા પોતાના અધિકારો અને હક્કો માટે જાગૃત થઈને સ્વનિર્ભર બનાવવાની કોશિશ કરે તો એમાં આ ગ્રુપ સહાયભૂત થાય છે અને બહેનોનું સ્વમાન જળવાઈ રહે એ રીતે મદદરૂપ થઈને એમને સ્વનિર્ભર બનાવે છે. સાથોસાથ આ મહિલા ગ્રુપ સફાઈ ઝુંબેશ પણ ચલાવે છે.

મહિલાઓ આજે દરેક ક્ષેત્રે પુરુષને હંફાવી રહી છે. ત્યારે ખાસ નોંધનીય એ છે કે ભણીગણીને ઘરસંસારમાં ઠરીઠામાં થયેલી સારા ઘરની મહિલાઓ કીટી પાર્ટીમાં રસ દાખવવાને બદલે પોતાના જ્ઞાન અને કોઠાસૂઝને અન્ય જરૂરિયાતમંદ મહિલાઓને સર્વનિર્ભર બનાવવામાં કામે લગાડ્યું છે. મોરબીમાં આવું એક જાગૃત મહિલા ગ્રુપ 3 વર્ષથી મહિલા સશક્તિકરણ માટે પોતાનું ઉમદા ઉત્તરદાયિત્વ નિભાવી રહ્યું છે. જેમાં મોરબીમાં ત્રણ વર્ષ પહેલાં ધુળેટીએ અવારા તત્વોનો ત્રાસ દૂર કરવા માત્ર 100 મહિલાઓથી શરૂ થયેલા મહિલા જાગૃત ગ્રુપમાં આજે 450 થી વધુ બહેનો કામ કરે છે.

આ ગ્રુપના વિભાબેન સબાપરા, શ્વેતાબેન પેથાપરા, પારુલબેન કાવઠીયા અને પૂજાબેન પરમારે જણાવ્યું હતું કે તેમનું આ ગ્રુપ ત્રણ વર્ષથી ચાલે છે. ખાસ કરીને મહિલાઓના હક્કો અને અધિકારો બાબતે ખરા અર્થમાં જાગૃત થઈને સ્વનિર્ભર બને એ માટે સક્રિય પ્રયાસો કરે છે. આ ગ્રુપ બનાવવાનો આશય એ હતો કે ખાસ કરીને રવાપર રોડ ઉપર ધુળેટીના દિવસે રંગોની ભારે ભરમાર ઉડે છે. ખાસ કરીને આવારા તત્વો બાઇક પર ધૂમ મચાવી બળજબરીથી રંગો ઉડાડતા હોય અને એમના ત્રાસને કારણે મહિલાઓ ભારે મુશ્કેલીમાં મુકાઈ જતી હતી. આ આવારા તત્વો મનફાવે તેમ રંગ ઉડાડતા હોવાથી એક મહિના સુધી તો રંગ નીકળતો પણ ન હતો.આવારા તત્વોના ત્રાસને કારણે મહિલાઓ ધૂળેટીને દિવસે ઘરની બહાર નીકળી શકતી ન હતી. તેથી, જાગૃત મહિલા ગ્રુપની રજુઆતને પગલે આ ગંભીર પ્રશ્ને રાહત થઈ છે. અને આ વખતે હોળી અગાઉ જ જાહેરમાં કલર ઉડાવવા પર પ્રતિબંધ આવી ગયો છે.

- text

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે જરૂરિયાતમંત બહેનોના ઉતકર્ષ માટે સક્રિય પ્રયાસો કરાઈ છે. જેમાં જરૂરિયાતવાળી બહેન હોય અને ઘરનું ગુજરાન ચલાવતી હોય પણ આવકનું યોગ્ય સાધન ન હોય તેવી મહિલાઓને સ્વનિર્ભર બનાવવામાં મદદરૂપ થાય છે અને આ અંગે એક્ઝિબિશન કરીને આવી બહેનોને મદદરૂપ થવા આ ગ્રુપ જગ્યા ફાળવે છે. જેમાં જાતે વસ્તુઓ બનાવીને વેચતી મહિલાઓને એક્ઝિબિશનમાં મદદરૂપ થાય છે. આવી રીતે પ્રથમ વર્ષે 35 અને બીજા વર્ષે 50 મહિલાઓને એક્સજીબિશન દ્વારા મદદ કરી હતી. એમાં જે આવક થાય તે જે તે મહિલાઓની જ હોય છે. આ ઉપરાંત, દર શનિવારે સ્વચ્છતા અભિયાન ચલાવે છે. આ ગ્રુપની તમામ મહિલાઓ ભેગી થઈને અગાઉથી નક્કી કરેલા વિસ્તારમાં સફાઈ કરીને લોકોમાં સફાઈ પ્રત્યે જાગૃતિ લાવે છે. જેથી, દિવાળીના તહેવારોમાં પણ જાહેરમાં ફટાકડા ફોડવા અને ધુમાડો તથા કચરા મામલે પણ જાગૃતિ આવી છે. સંવેદનશીલ બાબતે કોઈ પીડિત મહિલાઓ હોય તો એને ન્યાય આપવામાં શક્ય હોય એટલી મદદ કરે છે. જેમાં 15 જેટલી મહિલાઓને મદદ કરી છે છે. તેમજ ઘરે ભરત ગુથણ, ગૃહ સજાવટ, અથાણા અને સ્વાદિષ્ટ રસોઈ બનાવતી મહિલાઓને મદદરૂપ થાય છે. ખરેખર સારા ઘરની મહિલાઓ વૈભવી મોહમાયામાં રંગવાને બદલે આ કાર્ય અન્ય મહિલાઓ માટે અનુકરણીય બન્યું છે.

જાતે જ વસ્તુઓ બનાવતી મહિલાઓને પ્રથમ પ્રાધાન્ય આપે છે

આ મહિલા ગ્રુપ ગૃહ સજાવટ કે અન્ય વસ્તુઓ જાતે જ બનાવતી હોય તેવી મહિલાઓને પ્રથમ પ્રાધાન્ય આપે છે અને જાતે જ વસ્તુઓ બનાવતી મહિલાઓ પાસેથી વસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખે છે. જેથી, એ મહિલાઓની હસ્તકલા નિખરવાની સાથે તેઓ સ્વનિર્ભર પણ બની શકે છે.

- text