મોરબી : સ્કૂલોમાં પુસ્તકોનું વેચાણ બંધ કરવાની માંગ વેપારીઓએ આવેદન અપાયું

સૌરાષ્ટ્ર બુક સેલર્સ એન્ડ સ્ટેશનર્સ એસોસિયેશને મોરબી જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપ્યું

મોરબી : સ્કૂલોમાં જ પુસ્તકોના વેચાણ કરવાના સરકારના નિર્ણયથી વેપારીઓને અન્યાય થયાના સુર સાથે સૌરાષ્ટ્ર બુક સેલર્સ એન્ડ સ્ટેશનર્સ એસોસિયેશનના નેજા હેઠળ વેપારીઓએ જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપીને વેપારીઓની રોજી રોટી ન છીનવાઈ તે માટે સ્કૂલોમાં પુસ્તકનું વેચાણ બંધ કરવાની માંગ કરી છે.

સૌરાષ્ટ્ર બુક સેલર્સ એન્ડ સ્ટેશનર્સ એસોસિયેશનના નેજા હેઠળ સ્ટેશનરીના વેપારીઓએ જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપીને જણાવ્યું હતું કે ,સરકાર જ્યારે નવા નવા કાયદાઓ લાવી રહી છે ત્યારે વધુ એક શિક્ષણને લાગતો કાયદો બનાવ્યો છે કે સ્કૂલમાં તમે પુસ્તકો ખરીદીને વેચી શકશો. આવો કાયદો આવતાની સાથે જ સૌરાષ્ટ્ર બુક સેલર્સ એન્ડ સ્ટેશનર્સ એસોસિયેશન દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.આ કાયદો વર્ષોથી વેપાર કરતા વેપારીઓને સંપૂર્ણ અન્યાય થાય તેવી બાબત છે. જો શાળાઓ પોતેજ પુસ્તકો ખરીદીને વેચશે તો આ ધંધા સાથે જોડાયેલ સમગ્ર રાજ્યના આશરે 50,000 જેટલા વેપારીની રોજી-રોટી છીનવાઈ જશે અને બેરોજગારી વધશે. આ વૈશ્વીક મંદીમાં સરકારે લીધેલો નિર્ણય તદ્દન અયોગ્ય છે.

ગુજરાત રાજ્યના 50,000 નાના-નાના વેપારી સીઝનમાં થોડું-થોડું કમાઈ અને કુટુંબની આખા વર્ષની રોજી-રોટી પુરી પાડતી હોય છે. ત્યારે સરકારે શાળાઓને પુસ્તકો વેચવાની છૂટ આપીને સ્વીકારી ન શકાય તેવો નિર્ણય લીધો છે.એક તરફ સરકાર નાના વેપારી ની ચિંતા કરે છે અને બીજી તરફ નાના વેપારીને બેકારી તરફ લઈ જવાના ખોટા નિર્ણય લે છે.નાના વેપારીની રોજગારીની ધ્યાનમાં રાખી સરકાર દ્વારા આ બાબતે વેપારીઓના હિતમાં યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી સૌરાષ્ટ્ર બુક સેલર્સ એન્ડ સ્ટેશનર્સ એસોસિયેશને માંગ કરી છે.