નાનાભેલા ગામે શીકારી ટોળકીએ ઉભા ખેતરો પર વાહનો ફેરવી પાકનો સોથ વાળ્યો

- text


માળીયા મિયાણા તાલુકાના ખેતરોમા શિકારીઓનો આતંક

માળીયા (મી.) : માળિયા મીયાણાના ગ્રામ્ય વિસ્તારમા શીકારી ટોળકીઓ સક્રિય બનતા ખેડુતોના ઉભા મોલ વચ્ચે વાહનો ચલાવીને ઉભા પાકનો સોથ વાળી દેવાનો ઘટનાક્રમ રોજીંદો બનતા ખેડૂતોમા રોષ વ્યાપી ગયો છે.

માળીયા મી. તાલુકાના કેટલાક ગામોમા પાછલા ઘણા દિવસોથી જંગલી પશુઓનો શિકાર કરવા માટે ટોળીઓ સક્રિય બની છે. આના કારણે કુદરતી થપાટનો માર સહન કર્યા બાદ થોડી આશા વચ્ચે ખેડૂતોએ વાવેલો મોલ પાકી જવાની સીઝન નજીક છે ત્યારે આવી શીકારી ટોળકીઓ સક્રિય બનતા અને ઉભા મોલ વચ્ચે મોટરસાયકલ અને જીપ જેવા વાહનો દોડાવતા પાકનો સોથ વળી જવાના બનાવો વધી ગયા છે. જાણે કોઈ કાયદા કે પ્રશાસનનો ડર ન હોય તેમ હરણ, કારીયાટ, નિલગાય, સસલા, તેતર જેવા પ્રાણીઓના ગેરકાયદે શીકાર કરવા માટે રાત્રે જીપ અને બાઇક જેવા વાહનો અને બંદુકો લઈ ખેડૂતના ઉભા પાકમાં રીતસરનો આતંક મચાવવામાં આવી રહ્યો છે. આનાથી ખેડૂતને પારવાર નુકસાનીનો ભોગ બનવાનો વારો આવ્યો છે.

માળિયા તાલુકાના નાનાભેલા ગામે એવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નાનાભેલા ગામના ખેડૂત કાસમભાઇ હાજીભાઇ સુમરાના ખેતરમાં આવી શીકારી ટોળકીએ રીતસરનો આંતક ફેલાવી ખેડૂતના મોલ પર આવેલ પાકને ભારે નુકશાન કર્યુ છે.કાસમભાઇ નામના ખેડુતે વાત કરતા જણાવ્યુ હતુ કે, ચોમાસામાં વધુ વરસાદ પડતા મારા પંદર વિધાના ખેતરમા કપાસનો પાક પહેલા વાવેતરમાં સંપૂર્ણ નિષ્ફળ ગયો હતો. જેમા જમીન ધોવાણ થતા પાક અને જમીન બનેની લાખોની નુકશાની ભોગવી પણ હિમત ન હારીને ફરીથી શીયાળુ પાકમાં ચણાનુ વાવેતર કરી નુકશાનીની સરભર થઈ જશે તેવી આશા રાખી ચણાનુ વાવેતર કર્યુ હતુ. હાલ અઠવાડિયામાં પાક લેવાય તેવો હતો, પણ ગત રાત્રીએ કોઈ શિકારી ટોળકીએ જીપ અને બાઇક સાથે આવી ઉભા પાકમાં વાહનો ચલાવી મારા પરિવારની આશાઓ પર પાણી ફેરવી દીધું છે. હાલ તો આ ખેડૂતને લાખોની નુકશાની ભોગવવાનો વારો આવ્યો છે.

- text

હાલ તો આ બનાવ સંદર્ભે ગામના સરપંચને બોલાવી પોલીસ ફરિયાદ નોધાવાની તજવીજ ચાલી રહી છે તેવુ જાણવા મળી રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે ગેરકાયદે વન્ય જીવોનો શિકાર કરતા આવા તત્વોને ફોરેસ્ટ ખાતાનો કોઈ ડર ન હોય તેવુ જણાઈ રહ્યું છે. વન્યજીવોની સુરક્ષાની જેની જવાબદારી છે એવા ફોરેસ્ટ ખાતાના અધિકારીઓ આવા શિકારીઓ વિરુદ્ધ કોઈ સખ્ત કાર્યવાહી કરે એવી લોક લાગણી પ્રબળ બની રહી છે.

- text