મોરબી : રવાપર ચોકડી અને ઉમિયા સર્કલ ઉપર ઓવરબ્રિજ બનાવવાની માંગ

- text


ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા ઓવરબ્રિજ બનાવવા માટે જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઇ ગડારાએ મુખ્યમંત્રીને રજુઆત કરી

મોરબી : મોરબીની રવાપર ચોકડીએ અને ઉમિયા સર્કલ ઉપર ભારે ટ્રાફિક સમસ્યા સર્જાય છે. અને ટ્રાફિકજામની કાયમી સમસ્યા સર્જાતા અનેક વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. આથી, મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઇ ગડારા દ્વારા મોરબી રવાપર ચોકડી ઉપર તથા ઉમિયા સર્કલ ઉપર ઓવર બ્રિજ બનાવવા માટે સરકારમાં રજૂઆત કરવામાં આવી છે.

મોરબી સિરામિકનું હબ હોવાથી મોરબીમાં વસ્તી વધતી જતી હોય સાથે સાથે ટ્રાફિકની સમસ્યા પણ ખુબ જ બહોળા પ્રમાણમાં વધી રહી છે. ખાસ કરીને મોરબીની રવાપર ચોકડીથી ઉમિયા સર્કલને જોડતા રોડ ઉપર ખુબ જ ટ્રાફિક રહે છે. દરરોજ ગાડીઓની લાંબી કતારો હોય છે. તેમજ કલાકો સુધીનો ટ્રાફિક જામ પણ રહે છે. અને ચોકડી ઉપર અકસ્માતનો ભય પણ રહે છે. આવા અત્યંત ટ્રાફિકના કારણે લોકો સમયસર પોતાના કામ ધંધા ઉપર અથવા અન્ય સામાજીક, વ્યાવહારીક કામ ઉપર પહોંચી શકતા ન હોય તેમજ ઘણી વાર અકસ્માતના બનાવ પણ બનતા હોય છે. તેવામાં ઇમર્જન્સી એમ્બ્યુલન્સ પણ ટ્રાફિક જામના કારણે તેમાં ફસાય જતી હોય છે. તેવી અનેક રજૂઆતો લોકો દ્વારા કરવામાં આવી છે.

- text

જેથી, રવાપર ચોકડી ઉપર ઓવર બ્રિજ બનાવવો અત્યંત આવશ્યક છે. તેમજ રાજકોટથી મોરબી શહેરમાં પ્રવેશ માટે ઉમિયા સર્કલ ચોકડી મુખ્ય પ્રવેશદ્વાર હોય આ ચોકડી ઉપર પણ આવી જ ટ્રાફિકની સમસ્યા રહેતી હોય ઉમિયા સર્કલ ઉપર પણ ઓવર બ્રિજ બનાવવો અત્યંત આવશ્યક છે. મોરબીમાં વિકાસની ગતિ જાળવી રાખવા માટે ટ્રાફિકની સમસ્યાનું નિવારણ લાવવું ખુબ જ જરૂરી હોય, ઉપરોક્ત દર્શાવેલ ચોકડીઓ ઉપર ઓવર બ્રિજ બનવાથી આ સમસ્યા હળવી બનશે. તેમજ ટ્રાફિકના કારણે વધતાં જતાં અકસ્માતો પણ અટકાય તે માટે ઉપરોક્ત દર્શાવેલ ચોકડીઓ ઉપર વહેલી તકે ઓવર બ્રિજ બનાવવા માટે મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઇ ગડારા દ્વારા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ તેમજ મોરબી જીલ્લા પ્રભારી મંત્રી સૌરભભાઈ પટેલને રજૂઆત કરવામાં આવી છે.

- text