યુકેની નામાંકિત સ્કૂલના પ્રતિનિધિ મંડળે મોરબીની ગ્રીનવેલી ઇન્ટરનેશનલ સ્કૂલની મુલાકાત લીધી

- text


UKના ડરહામ શહેરની ફેરી હીલ બિઝનેસ સ્કૂલના સ્ટુડન્ટસ-ટીચર્સ મોરબીની શાળાથી પ્રભાવિત 

મોરબી : યુ.કે. (ઇંગ્લેન્ડ)ના ડરહામ સ્થિત ફેરી હીલ બિઝનેસ સ્કૂલના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો મોરબી સ્થિત ગ્રીનવેલી ઇન્ટરનેશનલ સ્કૂલની ખાસ મુલાકાતે આવ્યા હતા. અહીંની સ્કૂલ જોઈ તેઓ ખાસા પ્રભાવિત થયા હતા.

તાજેતરમાં યુ.કે (ઇંગ્લેન્ડ)ના ડરહામ શહેરની પ્રખ્યાત ફેરી હીલ બિઝનેસ સ્કૂલનું એક ડેલીગેટ્સ મોરબીની ખ્યાતનામ ગ્રીનવેલી ઇન્ટરનેશનલ સ્કૂલની મુલાકાતે આવ્યું હતું. આ ડેલીગેટ્સમાં 9 વિદ્યાર્થીઓ બે પ્રાધ્યાપકો સહિત બ્રિટિશ કાઉન્સિલના પ્રતિનિધિ અને નોર્થ ઇસ્ટ ઇંગ્લેન્ડના ડેપ્યુટી લેફ્ટનન્ટ શ્રીમતી વીણા સોની સામેલ હતા. મોરબીના સ્કૂલ કેમ્પસ જોઈ યુ.કે.નું ડેલીગેટ્સ ખાસુ પ્રભાવિત થયું હતું. શ્રીમતી વીણા સોનીએ કેમ્પસની સમગ્રતઃ વિઝીટ દરમ્યાન કહ્યું હતું કે યુ.કે.ની સ્વનિર્ભર સંસ્થાઓ સમક્ષ આ સ્કૂલ કેમ્પસની સુવિધાઓ છે. ડેલીગેટ્સે ગ્રીનવેલી ઇન્ટરનેશનલ સ્કૂલના રોબોટિક સ્ટુડિયો, રાઇફલ શૂટિંગ રેન્જ, હોર્સ રાઈડિંગ ગ્રાઉન્ડ, બાસ્કેટબોલ, લોન ટેનિસ, વોલીબોલ કોર્ટની મુલાકાતની સાથોસાથ ઇન્ડોર ગેમ સ્ટેડિયમ, સ્વિમિંગ પુલ, થિયેટર, તેમજ ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી લેબની મુલાકાત લઈ બાદમાં જણાવ્યું હતું કે મોરબી જેવા નગરના વિદ્યાર્થીઓને અહીં ખરા અર્થમાં ઇન્ટરનેશનલ સ્કૂલ જેવી ફેસિલિટી મળતી જોઈ હું સાનંદ આશ્ચર્ય અનુભવું છું. શ્રીમતી વીણા સોનીએ મોરબીના સ્ટુડન્ટસ સાથેની વાતચીત દરમ્યાન સ્ટુડન્ટસના IQ, EQ અને SQના દિલથી વખાણ કર્યા હતા.યુ.કે.થી આવેલા ડેલીગેટ્સે અહીંની શાળાના વિદ્યાર્થીઓ સાથે પરિસંવાદ કરી ભારતીય સંસ્કૃતિ અને સામાજિક સભ્યતાની જાણકારી મેળવી હતી. ખાસ કરીને ભારતીય પરંપરા પ્રમાણે કંકુ ચોખાથી સ્વાગત સત્કાર અને ગરબા રાસને ડેલીગેટ્સે ઉત્સાહભેર માણ્યો હતો.

- text

ઉલ્લેખનીય છે કે મોરબીની ગ્રીનવેલી ઇન્ટરનેશનલ સ્કૂલ એક માત્ર અને પ્રથમ એવી સ્કૂલ છે જે આ સત્રથી ઇંગ્લેન્ડની સ્કૂલ સાથે પાર્ટનર સ્કૂલ થવા જઈ રહી છે.

- text