લજાઇની યુવતીને લગ્ન કરવા માટે દબાણ કરતા યુવક સામે ફરિયાદ

- text


ટંકારા : ટંકારાના લજાઈ ગામમાં રહેતી યુવતીને ધરાર પ્રેમી દ્વારા પોતાની સાથે લગ્ન કરવા માટે અવાર-નવાર દબાણ કરવામાં આવતું હતું. યુવતી દ્વારા હકારમાં જવાબ નહિ મળતાં યુવકે ઉશ્કેરાઈને યુવતીને માર માર્યો હતો. તેમજ યુવતીનો વિડીયો વાઇરલ કરવાની તથા યુવતીના પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપતા ટંકારા પોલીસ સ્ટેશનમાં યુવક સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર ટંકારા તાલુકાના લજાઇ ગામમાં આવેલ વણકરવાસમાં રહેતા હીરાભાઈ તેજાભાઈ ચાવડાની દીકરી જીજ્ઞાબેન (ઉં.વ. ૨૩)ને તે જ ગામમાં રહેતા મુકુંદ નટવરલાલ મકવાણા નામના યુવક દ્વારા છેલ્લા ઘણા સમયથી પોતાની સાથે લગ્ન કરવા માટે થઈને દબાણ કરવામાં આવતું હતું. તેમજ આરોપી મુકુંદ અવાર-નવાર યુવતીની મરજી વિરુદ્ધ તેને ફોન કરીને તેની સાથે વાતચીત કરવા માટે સંપર્ક કરતો હતો અને યુવતીનો પીછો પણ કરતો હતો.

- text

આ ઉપરાંત, યુવતીએ લગ્ન કરવા માટે હકારમાં પ્રત્યુત્તર ન આપતા આરોપી દ્વારા યુવતી સાથે મારપીટ કરવામાં આવી હતી તથા યુવતીના ફોટો અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી. તેમજ યુવતીના પિતા તેમજ ભાઈને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આથી, આ બનાવની ફરિયાદ ટંકારા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે. ટંકારા પોલીસ દ્વારા આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

- text