યુવા જ્ઞાનોત્સવના ત્રીજા દિવસે ફૂડ કોમ્પિટિશનમાં એકથીએક ચઢિયાતી વાનગીઓ રજૂ કરતી બહેનો

- text


140 યુવતીઓ લિજ્જતદાર વાનગીઓ રજૂ કરી નિર્ણાયકોના મન મોહી લીધા: ભારે રસાકસી વચ્ચે નિર્ણાયકોએ ત્રણના બદલે પાંચ વિજેતાઓ જાહેર કર્યા :બહેનોએ એક કલાક સુધી ગરબાની મોજ માણી

મોરબી : મોરબી સ્થિત શનાળા રોડ પર સ્થિત પટેલ વાડીમાં આયોજિત ત્રીદિવસીય યુવા જ્ઞાનોત્સવના આજે અંતિમ દિવસે 09:30 કલાકે હેલ્ધી ફૂડ કોમ્પિટિશનનું આયોજન થયું હતું. યુવા જ્ઞાનોત્સવ અંતર્ગત યંગ ઇન્ડિયા લેડીઝ વિંગ દ્વારા હેલ્ધી ફૂડ કોમ્પિટિશનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કોમ્પિટિશનમાં 140 જેટલી મહિલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં મહિલાઓ દ્વારા વિવિધ વાનગીઓનો રસથાળ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. અલગ અલગ પ્રકારની સેંકડો રેસીપીઓ શણગાર સાથે રજૂ કરાઈ હતી. અમદાવાદથી આવેલા મુખ્ય નિર્ણાયક ડૉ. હર્ષ ચાવડા સહિત જયશ્રીબેન ચૌહાણ, જ્યોત્શનાબેન પરાશર અને અલ્પાબેન મજમુદાર પણ રેસીપીઓની વિશાળ રેન્જ જોઈ-જાણી અચંબિત થયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ડૉ. હર્ષ ચાવડાનો માસ્ટર સેફના ટોપ 40માં સમાવેશ થયો છે. જેઓ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર એક ફૂડ બ્લોગ પણ ચલાવે છે જે ખાસો પ્રચલિત છે.ઉલ્લેખનીય છેકે બહેનોએ ફૂડ કોમ્પિટિશન વેળાએ એક કલાક સુદી ગરબાની પણ મોજ માણી હતી.

આ હેલ્ધી ફૂડ કોમ્પિટિશન માટે વહેલી સવારે આઠ વાગ્યાથી જ સ્પર્ધક મહિલાઓ આયોજનના સ્થળે પહોંચી ચુકી હતી. જે મોરબીની હેલ્થ પ્રત્યે જાગૃત મહિલાઓના ઉત્સાહના અભિવ્યક્ત કરનાર હતી. નિર્ણાયકોએ વાનગીઓની ન્યુટ્રીશન વેલ્યુ રેસીપીની સરળતા , રેસીપીમાં ઉપયોગમાં લેવાયેલ કાચી સામગ્રીઓ તેમજ તૈયાર ડિશના મનલુભાવન શણગારને ધ્યાને લઈને પોતાનો નિર્ણય જાહેર કર્યો હતો. જો કે, નિર્ણયના અંતિમ તબક્કે પહોંચવા માટે નિર્ણાયકોને પણ ખાસ્સું મનોમંથન કરવું પડ્યું હતું. ત્યારબાદ અંતિમ વિજેતાઓ જાહેર થયા હતા. જેમાં પ્રથમ વિજેતા મનીષાબેન શીરવી (સ્પર્ધક ક્રમ નંબર 100- ભથવાની ભાજી વિથ કેરેટ), બીજા નંબરે નીતાબેન બાવરવા (સ્પર્ધક ક્રમ નંબર 46- મલ્ટી ગ્રેઈન લઝાનીયા) અને તૃતીય નંબરમાં ટાઈ થતા ત્રણ વિજેતાઓ જાહેર થયા હતા. જેમાં ચેતનાબેન પારેખ (સ્પર્ધક ક્રમ નંબર 107- ઘઉંનો ચેવડો ) અને જાગૃતિબેન વામજા (સ્પર્ધક ક્રમ નંબર 62- રાગી કુલેર), પીનલબેન સાણંદીયા ( સ્પર્ધક નંબર 79 -એલો યોગર્ટ )વિજેતા રહ્યા હતા.

- text

આ સમગ્ર આયોજનને સફળ બનાવવા યંગ ઇન્ડિયા લેડીઝ વિંગ ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. સ્વાસ્થ્ય પ્રતિ જાગૃક અને ઉત્સાહી મોરબીની મહિલાઓએ પોતાના બાળકો સાથે આવીને મન ભરીને આ આયોજનને સફળ બનાવ્યું હતું અને
દિલભરીને માણ્યું હતું.

- text