મોરબી યુવા જ્ઞાનોત્સવમાં પ્રથમ સેશનને 8 હજારથી વધુ લોકોએ માણ્યું

- text


લોકોએ વક્તવ્યની સાથોસાથ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ નિહાળ્યા : કાર્યક્રમ સ્થળે ઉભા કરાયેલા વિવિધ સ્ટોલ બન્યા આકર્ષણનું કેન્દ્ર

કાલે શનિવારે બીજા સેશનમાં સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ ઉત્સવ પરમાર અને રિઝવાન આડતીયાનું વક્તવ્ય યોજાશે. જ્યારે ત્રીજા સેશનમાં સાંસ્કૃતિક કાર્યક્રમો અને જેડી મજેઠીયા, જયસુખભાઈ પટેલ તથા સવજીભાઈ ધોળકીયાનું વક્તવ્ય યોજાશે

મોરબી : મોરબી યુવા જ્ઞાનોત્સવનો રંગારંગ પ્રારંભ થયો છે. જેમાં પ્રથમ સેશનમાં સંજય રાવલ અને કાજલ ઓઝા વૈધનું વક્તવ્ય માણવા 8 હજારથી વધુની જનમેદની ઉમટી પડી હતી. ઠંડી ભૂલીને સૌ કોઈએ પ્રથમ સેશનને મન ભરીને માણ્યું હતું. આ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ નિહાળ્યા હતા. આ કાર્યક્રમ સ્થળે ઉભા કરાયેલા વિવિધ સ્ટોલો પણ નગરજનોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

મોરબી યુવા જ્ઞાનોત્સવના પ્રથમ સેશનનું ઉદ્દઘાટન ફાયર બ્રિગેડના વિનય ભટ્ટ ટિમ અને તેની ટિમ, 108ના હનીફભાઈ દલવાણી અને તેની ટિમ તેમજ આપદા મિત્રોના જયદીપ તથા ફાલ્ગુનીબેન અને તેની ટીમના હસ્તે થયું હતું. બાદમાં એરા ગ્લોબલ સ્કૂલના છાત્રો, નવયુગ બી.એડ.કોલેજની વિદ્યાર્થીનીઓ અને આદર્શ માતા કસોટીની તમામ પ્રતિભાશાળી માતાઓ અને તેમની દીકરીઓએ પોતાની કૃતિઓ રજૂ કરી હતી. આ સાથે કાર્યક્રમના દાતાઓનું મોટીવેશનલ સ્પીકર સંજય રાવલના હસ્તે મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું.

મોટીવેશનલ સ્પીકર સંજય રાવલએ ડર કે આગે જીત હે વિષય ઉપર વક્તવ્ય આપ્યું હતું. જેમાં તેઓએ રમુજી ભાષામાં જણાવ્યું હતુ કે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વિકાસની એવી ખેંચતાણ થઈ છે કે આવનાર 10 વર્ષ સુધી હવે કોઈ માતા પિતા પોતાના બાળકનું નામ વિકાસ નહિ રાખે. વધુમાં તેઓએ કહ્યું કે આ દુનિયામાં સૌથી વધુ શીખામણ અપાઈ છે. અને સૌથી ઓછી શિખામણ લેવાઈ છે. આ દુનિયામાં ગળું દબાવવાની શરૂઆત પગ દાબવાથી થાય છે. અને શત્રુની શરૂઆત મિત્રથી થાય છે. એપલનો માલિક સ્ટીવ જોબ્સ આપણા દેશમાં આવીને રહી ગયો અને કહ્યું કે આ દેશમાં કઈક તો છે. સંજય રાવલે એજ્યુકેશન સિસ્ટમ વિશે કહ્યું કે આપણી બોગસ એજ્યુકેશન સિસ્ટમ ડર પેદા કરી રહી છે. અહીં સ્કૂલો પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાને આવેલા વિદ્યાર્થીઓના નામના પોસ્ટરો લાગે છે. પરંતુ છેલ્લા સ્થાને આવેલા વિદ્યાર્થીઓનું શુ? ખરેખર તો સૌથી મોટી નોટ કહી શકાય તેવા વિદ્યાર્થીઓ છેલ્લા સ્થાને જ હોય છે. મા બાપે પણ ધ્યાને લેવું જોઈએ કે તેઓ બાળકના ટ્રસ્ટી છે. ઓનર નથી.

નસીબ વિશે સંજય રાવલે કહ્યું કે નસીબ હોતું નથી તેને બનાવવું પડે છે. ભારતભૂમિમાં જન્મ મળવો અને તેમાં પણ જો તમારા બધા અંગ કામ કરતા હોય એટલે તમને લોટરી લાગી ગઈ એમ જ માની લ્યો. ભગવાનને કોઈ ફરિયાદ ન કરો દુનિયા ખૂબ મસ્ત છે તેને માણો. જે દેશમાં શિક્ષકોનું સ્થાન સૌથી ઉપર હોય છે. તે દેશ જર્મની અને જાપાન બને છે. બાકી શિક્ષકો પાસે વસ્તી ગણતરી કરાવીએ તો દેશ આગળ ન વધે.અહીં પટ્ટાવાળા બનવા માટે 12 પાસ જોઈએ છે. જ્યારે નેતા બનવા માટે કોઈ લાયકાત નથી. સંજય રાવલે મોરબી શહેર વિશે કટાક્ષ કરતા કહ્યું કે જે શહેરમાંથી દરરોજ 5 હજાર ટ્રક માલ બહાર જાતો હોય. દરરોજ 150 કરોડ લઈ આવતું હોય અને ત્યાં ખાડા- ખબળા વાળા રોડ અને જ્યા જુઓ ત્યાં ગંદકી છે. છતાં કોઈ કઈ કરતું નથી અને બોલતું નથી. અંતમાં સંજય રાવલે ડર હટાવવા માટે પાંચ ધર્મનું પાલન કરવાનું કહ્યું હતું. જેમાં પહેલો ધર્મ ભગવાન પાસે કઈ માંગવું નહિ. બીજો ધર્મ રોજ મા બાપને પગે લાગવું. ત્રીજો ધર્મ સારા શિક્ષકોને પગે લાગવું. ચોથો ધર્મ દરરોજ કસરત કરો. પાંચમો ધર્મ જે તમારું દિલ કહે તે જ કરજો.

જાણીતા લેખક અને સ્પીકર કાજલ ઓઝા વૈધે સમાજિક સુરક્ષા, જવાબદાર કોણ? તે વિષય ઉપર વક્તવ્ય આપ્યું હતું. જેમાં તેઓએ કહ્યું હતું કે આપણે બીજાને વોટ્સએપ સ્ટેટ્સથી મોટાઈ બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ. દીકરીઓ સ્ટેટ્સ ભલે મૂકે પણ પોતાના મા બાપને તે ક્યાં છે અને શું કરે છે તેનું સતત અપડેટ આપતી રહે. બીજું કે મા બાપ દીકરીને દીકરાની જેમ મોટા કરે કે ન કરે પણ દીકરાને અવશ્યપણે દીકરીની જેમ મોટા કરે અને સંસ્કાર આપે તે જરૂરી છે.

વધુમાં કાજલ ઓઝા વૈધે ટિકટોક વિશે કહ્યું કે ટિકટોકમાં લોકો બકવાસ ભર્યે જ જાય છે. પણ એવી ખોટી પબ્લિસિટીનો ફાયદો શુ? પોપ્યુલર થઈને કયા પહોંચવુ છે ? આજના સમયમાં સ્ત્રીઓ તો ઠીક હવે પુરુષો પણ સુરક્ષિત રહ્યા નથી. પશ્ચિમી સંસ્કૃતિમાંથી આપણે જે લેવાનું હતું તે ન લીધું. આપણને તેમાંથી ઈમાનદારી અને ચોખ્ખાઈ લેવાની હતી. પરંતુ આપણે તો તેમાંથી ગંદકી જ લીધી. જે પુરુષ એક સ્ત્રીને જગ્યા આપવા માટે ઉભો થઇ જાય છે તે મર્દ છે કારણકે તેનામાં સ્ત્રીનું સન્માન કરવાની શક્તિ છે. કાજલ ઓઝા વૈધે અંતમાં કહ્યું કે જે સુરક્ષા અને સન્માન તમે ઝંખતા હોવ છો તે જ સુરક્ષા તમારે બીજાને પણ આપવી જોઈએ.સ્ત્રી ઉપર કે નબળા ઉપર હાથ ઉપડવો તેનાથી મોટી નબળાઈ બીજી કોઈ નથી.

- text

યુવા જ્ઞાનોત્સવના પ્રથમ સેશનમાં બન્ને દિગ્ગજ વક્તાઓના વક્તવ્ય દરમિયાન ઉપસ્થિત 8 હજારથી વધુ દર્શકોએ તાળીઓના ગડગડાટથી વાતાવરણ ગુંજવી દીધું હતું. આ ઉપરાંત વક્તવ્ય પૂર્ણ થયા બાદ સ્ટોલ ઉપર લોકોની ભારે ભીડ પણ જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે હવે આવતીકાલે તા. 11 જાન્યુઆરીના સાંજેના ત્રીજા સેશનમાં 6.15 થી 6.30 વાગ્યા દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમ અને સાંજે 6.30 થી 7.15 વાગ્યા દરમિયાન ખીચડી ફેઈમ, જાણીતા એક્ટર, ડિરેક્ટર અને પ્રોડ્યુસર જે. ડી. મજેઠીયાનું ‘રુક જાના નહિ, તુમ કહીં હાર કે…’ એ વિષય પર વક્તવ્ય તથા સાંજે 7.15 થી 7.30 વાગ્યા દરમિયાન એમ. ડી., ઓરેવા ગ્રુપ અને જાણીતા ઉદ્યોગપતિ જયસુખભાઇ પટેલનું રણ સરોવર પ્રોજેકટનું મહત્વ’ વિશે વક્તવ્ય અને સાંજે 7.30 થી 7.45 વાગ્યા દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમ, દાતાઓનું સન્માન ઉપરાંત સાંજે 7.45 થી 9.00 વાગ્યા દરમિયાન જાણીતા ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકિયાનું સાચી સફળતાના સૂત્રો એ વિશે વક્તવ્ય યોજાશે.

- text