મોરબી : આરોગ્ય કર્મચારીઓની આજથી અચોક્કસ મુદ્દત માટે હડતાલ

મોરબી : ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ – ગાંધીનગર દ્વારા આપવામાં આવેલ આદેશ મુજબ ગત તા. 27 નવેમ્બરથી કર્મચારીઓ પોતાના વર્ષો જુના પડતર પ્રશ્નોને લઈને છેલ્લા ૨૦ દિવસથી ‘કામગીરી ચાલુ, રિપોર્ટિંગ બંધ’ના આંદોલન પર હતા. છતાં સરકાર દ્વારા આજ દિન સુધી કોઈપણ પ્રતિભાવ મળ્યો ના હતો. તેમજ આરોગ્ય કમિશનર – ગાંધીનગર સાથે થયેલ બેઠક પછી પણ કોઇ અનુકૂળ હકારાત્મક પ્રતિભાવ મળ્યો ન હતો. તેથી, સફળ પરિણામ મળશે તેવી પ્રતીતિ ન થવાથી ‘અભી નહીં તો કભી નહીં’ના સંકલ્પ અનુસાર આજે તા. 17 ડિસેમ્બરથી રાજ્યના આશરે ૪૦,૦૦૦ કર્મચારીઓ જલદ આંદોલન સ્વરૂપે અચોક્કસ મુદ્દત ની હડતાળ પર ઉતરવાના છે. તેમજ મોરબી જિલ્લાના પંચાયત વિભાગના આશરે ૪૦૦ જેટલા આરોગ્ય કર્મચારીઓ પણ આજથી અચોક્કસ મુદ્દતની હડતાળને સમર્થન આપવા હડતાળ પર ઉતરવાના છે.