મોરબીમાં રૂપિયાની ઉઘરાણી મામલે કારમાં તોડફોડ : ૩ સામે ફરિયાદ

મોરબી : મોરબીમાં બાકી રૂપિયાની ઉઘરાણી મામલે યુવાનની કારમાં ત્રણ શખ્સોએ તોડફોડ કર્યાની ફરિયાદ નોંધાઇ છે. એ ડિવિઝન પોલીસે યુવાનની ફરિયાદ પરથી ત્રણ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીની અવની ચોકડી પાસે આવેલ ઉમાપાર્ક ઉમાપેલેસ બ્લોક નં.૩૦૨ માં રહેતા મુળ સજનપર તા.ટંકારાના વતની અને પ્રાઇવેટ નોકરી કરતા ચુનીલાલ ટપુભાઇ રાણીયા ઉ.વ.૩૩ નામના યુવાને માલદે આહિર તથા જાવીદ પાયક અને પ્રકાશ નરભેરામભાઇ ભૂત સામે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧૫ ના રોજ મોરબીની અવની ચોકડી ઉમાપેલેસ પાસે બનેલા આ બનાવમાં ફરિયાદીને એક આરોપી સાથે રૂપિયાની લેતીદેતી હોય જેથી ફરિયાદીએ આરોપી પાસે રૂપિયાની ઉઘરાણી કરતા આરોપીઓએ ફરિયાદીને રૂપિયા આપવાની ના પાડી સામે રૂપિયા આપવાના થતા હોય તેમ કહી ગાળો દઇ જાનથી મારી નાખવાની ધમકી આપી લાકડાના ધોકા વડે ફરિયાદીની સ્વીફટ કાર નં.GJ-03-FD-3326 વાળીના કાચ તોડી નુકશાન કર્યું હતું. એ ડિવિઝન પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.