ટીંબડી નજીક વીજ શોક લાગતા વૃદ્ધનું મોત એક યુવક સારવાર હેઠળ

મોરબી : મોરબી નજીકના ટીંબડી ગામના પાટિયા પાસે આવેલ વેલ્ડીંગની દુકાનમાં કામ કરતા બે વ્યક્તિઓને વીજ શોક લાગતા એક વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે એક યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે.

ટીંબડી ગામ નજીક આવેલા પાટીદાર ટાઉનશીપ સામે ક્રિષ્ના વેલ્ડીંગ નામની દુકાનમાં વેલ્ડીંગની કામગીરી દરમિયાન બે વ્યક્તિને વીજ શોક લાગ્યો હતો જે પૈકીના વૃદ્ધનું સારવાર મળે તે પહેલાં ઘટના સ્થળે જ મૃત્યુ નીપજયું હતું અને યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી માળીયા હાઈવે ઉપર ટીંબડી ગામના પાટિયા પાસે આવેલ મારુતિ ચેમ્બરમાં ક્રિષ્ના વેલ્ડીંગ નામની દુકાનમાં ગઈકાલે બે વ્યક્તિઓને વીજ શોક લાગ્યો હતો. બે પૈકીના એક પરમાનંદભાઈ રીખાય કુશ્વાહ (ઉ ૬૦)નું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું જ્યારે ભોલે બુનેલી કુશ્વાહ (ઉં૨૮)ને વિજશોકમાં ગંભીર ઇજાઓ થઇ હોવાથી સારવારમાં ખસેડવામાં આવેલ છે. હાલમાં આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ દ્વારા નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.