ટંકારા જામનગર વચ્ચે ખાખરા પાસે આજી નદી પરનો પુલ બન્યો જોખમી

ટંકારા : ટંકારાથી જામનગરને જોડતા આજી ડેમના વહેણ વચ્ચેનો ખાખરા પાસેનો પુલ જોખમી બની ગયો છે. અત્યંત બિસ્માર હાલત હોવા છતાં જવાબદાર તંત્ર કોઈ મોટા અકસ્માતની પ્રતિક્ષા કરતુ હોય તેવુ સ્થાનિકોને લાગી રહ્યું છે.

ચાલુ વર્ષે પડેલા ભારે વરસાદને પગલે પુલ પરથી પાચેક ફુટ પાણી વહી રહ્યું હતુ અને જામનગર તરફ જતો આ રોડ બંધ કરી દેવો પડ્યો હતો. એ સમયે આ પુલને ભારે નુકસાન થયું હતું જે હજુ સુધી રીપેર કરવામાં આવ્યું નથી. જવાબદાર તંત્ર આ અંગે સતર્ક ન હોય કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોણ સ્વીકારશે એ મોટો સવાલ છે. આ જોખમી પુલ પરથી રાહદારીઓ પણ ભયના ઓથાર હેઠળ મજબુરી વશ પસાર થઈ રહ્યા છે ત્યારે માર્ગ-મકાન વિભાગ આ અંગે સત્વરે કામગીરી કરે એવી પ્રબળ માંગ થઇ રહી છે.