હળવદમાં ગેરકાયદે જમીન પચાવી પાડવા યુવાનનું અપહરણ કરી માર માર્યો

ચાર શખ્સોએ યુવાનનું અપહરણ કરી બળજબીરીથી વીડિયો ઉતારી કબૂલાત કરાવી હોવાની ફરિયાદ નોંધાઇ

હળવદ : હળવદના ધનશ્યામપુર ગામે ગેરકાયદે જમીનનો કબ્જો મેળવવા મામલે ચાર શખ્સોએ યુવાનનું અપહરણ કરીને માર માર્યો હતો તેમજ જમીનને પચાવી પાડવા માટે યુવાનનો વીડિયો ઉતારી બળજબીરીથી કબૂલાત કરાવી હોવાની ફરિયાદ નોંધાઇ છે. હળવદ પોલીસે યુવાનની ફરિયાદના આધારે ચાર શખ્સો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

આ બનાવની હળવદ પોલીસ સ્ટેશન ખાતેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર નારાયણભાઇ શંકરભાઇ કણજરીયા ઉ.વ.૩૭ ધંધો-ખેતી રહે. ઘનશ્યામપુર તા.હળવદ વાળાએ અજમલભાઇ કરમણભાઇ રબારી તથા તેનો ભાઇ ભવાની રબારી તેમજ ધવલ અને એક અજાણ્યો ઇસમ સામે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા- ૧૪ ના રોજ ફરીયાદીને આરોપીએ હળવદ રઘુનંદન સોસાયટી પાસે રસ્તામા રોકી ફરીયાદીની જમીન (વાડી) ખાલી કરી નાખવાનુ કહી ચારેય આરોપીઓએ ફરિયાદીને મુંઢ માર મારીને રઘુનંદન સોસાયટી પાસેથી બાઇક વચ્ચે બળજબળી પુર્વક બેસાડી ઇરાદે અપહરણ કરી બળદેવભાઇ રબારીના નામથી ઓળખાતી વાડીમા લઇ ગયા હતા. જ્યાં ફરિયાદીને ગેરકાયદેસર અટકાયતમા રાખી ચારેય આરોપીઓએ લાકડીઓ વડે માર માર્યો હતો તેમજ ફરીયાદીની જમીનનો ગેરકાયદે કબ્જો મેળવવા માટે આરોપીઓએ બળજબરી પુર્વક મોબાઇલમા વીડીઓ ઉતારી ફરિયાદી પાસે કબુલાત કરાવી ચારેય આરોપીઓએ લાકડીઓ વતી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં યુવાને આ બનાવની ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસ ઇન્સપેક્ટર એસ. જી. ખાંભલા આગળની તપાસ ચલાવી રહ્યા છે.