કપાયેલા હોઠ-તાળવાની ખામી સાથે જન્મેલા બાળકને સરકારી યોજના દ્વારા નવજીવન

- text


માળીયા (મી.) : છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચતી હોવાનું રાજ્ય સરકારનું સુત્ર સાર્થક કરતી એક ઘટના તાજેતરમાં પ્રકાશમાં આવી છે.

જ્યારે કોઇ ઘરે બાળકનો જન્મ થાય કે ઘરમાં ઉત્સવ જેવા વાતાવરણનું નિર્માણ થઇ જાય છે. પરંતુ મોરબી જિલ્લાના માળીયા તાલુકાના ખાખરેચી ગામે સંગીતા બેન અને વિકાસભાઇ ભોજવીયાના ઘરે બાળકનો જન્મ થયો ત્યારે ઘરના વાતાવરણમાં ગમગીની છવાઇ ગઇ. કારણ હતું બાળકની જન્મજાત ખામી. જન્મ સમયે બાળકનો ઉપરનો હોઠ અને મોંઢાનું તાળવું કપાયેલ સ્થિતિમાં હતું જેને ડૉક્ટરી ભાષામાં ક્લેફ્ટ લીપ અને ક્લેફ્ટ પેલેટ કહે છે.
જ્યારે આ વાત માળીયા તાલુકાના મેડીકલ ઓફિસર ડૉ. હાર્દિક મહેતાના ધ્યાને આવી ત્યારે તેઓએ બાળકના માતા-પિતાને મળીને રાજ્ય સરકાર દ્વારા “રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય” કાર્યક્રમ અંતર્ગત ઓપરેશન કરવા માટે સલાહ આપી હતી. પહેલા તો બાળકના માતા-પિતાએ બાળક પર ઓપરેશન કરવાની મનાઇ કરી દીધી હતી, પરંતુ પરિવારજનોએ ડૉક્ટોરની સમજાવટ અને ખાતરી બાદ ઓપરેશન માટે મંજૂરી આપી હતી.

મેડીકલ ઓફિસર ડૉ. હાર્દિક મહેતા આ અંગે વધુમાં જણાવતા કહે છે કે કાર્તિકની પરિસ્થિતિને ધ્યાને લઇ “રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય” કાર્યક્રમ અંતર્ગત રાજકોટની ખાનગી ધ્રુવ હોસ્પિટલમાં પ્રથમ ક્લેફ્ટ લીપનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ક્લેફ્ટ પેલેટનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ ઓપરેશનનો ખર્ચ અંદાજે સવા લાખ રૂપિયા થાય છે જે રાજ્ય સરકારે નિઃશુલ્ક કરાવી આપ્યું હતું. બાળકની માતા સંગીતાબહેને જણાવ્યું હતું કે બાળકના જન્મવેંત તેમની આ પરિસ્થિતિ જોઇને ઉમ્મીદ પણ છોડી દીધી હતી. પરંતુ રાજ્ય સરકારની આ યોજના અને ડૉક્ટરોની સમજાવટ બાદ બાળકના ઓપરેશન માટે હા પાડી અને આજે મારુ બાળક અન્ય બીજા બાળકોની જેમ જીવન જીવી રહ્યું છે જે રાજ્ય સરકારને આભારી છે.

- text

ક્લેફ્ટ લીપ અને ક્લેફ્ટ પેલેટ એટલે શું?

ક્લેફ્ટને આરોગ્યની ભાષામાં બાળકનો ઉપરનો હોઠ કપાયેલ હોય કે તાળવામાં કાંણુ હોય એ ખામીને ક્લેફ્ટ કહે છે. ક્લેફ્ટ લીપ અને ક્લેફ્ટ પેલેટના વિવિધ પ્રકારો હોય છે. ક્લેફ્ટ લીપનું ઓપરેશન બાળકની ૬ મહિનાની ઉંમરે અને ક્લેફ્ટ પેલેટનું ઓપરેશન ૧૮થી ૨૪ મહિનામાં ઓપરેશન કરવું આવશ્યક છે. ઉપરોક્ત યોજના હેઠળ ઘણા પ્રકારના ઓપરેશની સુવિધા ઉપલબદ્ધ છે એવી માહિતી મોરબી સહાયક માહિતી નિયામક ઘનશ્યામભાઈ પેડવાએ આપી હતી.

- text