મોરબીના લાતીપ્લોટમાં ગટરની ગંદકીથી કંટાળીને ઉધોગકારો ઉચાળા ભરવા મજબુર

- text


નીંભર તંત્ર હજુ કુંભકર્ણની નિંદ્રામાં

મોરબી : મોરબીમાં પાલિકા તંત્રની ઘોર ઉપેક્ષાના કારણે શહેરની આર્થિક કરોડરજ્જુ સમાન લાતીપ્લોટની ભારે ખરાબ હાલત છે, ત્યારે લાતી પ્લોટ શેરી નંબર 5માં વરસાદી પાણી અને ગટરના દુર્ગંધયુક્ત ગંદા પાણી સતત ભરાયેલા રહેતા હોવાથી ઉધોગકારો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આ ગંભીર સમસ્યા ઉકેલવા માટે તંત્ર દ્વારા ભારે બેદરકારી દાખવતા ઉધોગકારો અહીંથી સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે. ત્યારે તંત્ર આ બાબતે યોગ્ય પગલાં ભરે તેવી માંગ ઉઠી રહી છે.

- text

મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં તંત્રના પાપે પહેલેથી જ બદતર હાલત છે. લાતી પ્લોટમાં પ્રાથમિક સુવિધાનું નામોનિશાન ન હોવાથી સ્થાનિક ઉધોગકારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે મોરબીના લાતીપ્લોટ શેરી નંબર 5માં હાલ વગર વરસાદે ગટરના ગંદા પાણી ઉભરાવવાથી બદતર હાલત છે. જેમાં વરસાદના પાણી આ વિસ્તારમાં હજુ ભરાયેલા છે અને ગટર પણ ઉભરાતી હોવાથી બેવડી મુશ્કેલી સર્જાઈ છે. સતત બેથી ત્રણ મહિના સુધી લાતીપ્લોટ શેરી નંબર 5માં વરસાદી અને ગટરના પાણી ભરાયેલા છે.જેથી સ્થાનિક ઉધોગકારો, મજૂરો સહિતના લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આ ગંભીર સમસ્યાઓ મામલે અનેક વખત પાલિકામાં રજુઆત કરી હોવા છતાં હજુ સુધી આ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી. આથી પાલિકા તંત્રના પાપે સ્થાનિક લોકો કંટાળીને ત્યાંથી અન્યત્ર જવા માટે તૈયારી કરી લીધી છે. વરસાદી પાણી અને ગટરના પાણી ભરાવવાથી અહીંના નાના મોટા ઉધોગ વેપાર ધંધા ઠપ્પ થઈ ગયા છે. ત્રણ મહિનાથી આ ગંભીર સ્થિતિ હોવા છતાં તંત્રના પેટનું પાણી ન હલતા સ્થાનિકોમાં ઉગ્ર આક્રોશ વ્યાપી ગયો છે.

- text