સરદાર પટેલ જન્મજયંતિ : સરદાર પટેલનો નાતો મોરબી સાથે પણ જોડાયેલો છે

મોરબીમાં આજે સરદાર પટેલ જન્મજ્યંતિ નિમિતે કેબિનેટ મંત્રી બાવળિયાની હાજરીમાં વહીવટી તંત્ર દ્વારા એકતા દોડ યોજાઈ

મોરબી : મોરબીમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે 31 ઓક્ટોબરે લોંખડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજ્યંતી નિમિતે એકતા દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેબિનેટ મંત્રી બાવળિયાની હાજરીમાં વહીવટી તંત્ર દ્વારા એકતા દોડ યોજાઈ હતી. જેમાં યંગ ઇન્ડિયા ગ્રુપ સહિતની સંસ્થાઓ પણ જોડાઈને યોગ્ય સાથ સહકાર આપ્યો હતો. ત્યારે ઉલ્લેખનીય છેકે સરદાર પટેલના મહત્વના સંસ્મરણો મોરબી સાથે જોડાયેલા છે.

સરદાર પટેલનો નાતો મોરબી સાથે પણ જોડાયેલો છે. જેમાં વર્ષ 1921માં અંગ્રેજો સામે બગાવતનો બુગીયો વાગી ચુક્યો હતો. એ વખતે પ્રજા રાજાશાહી અને અંગ્રેજ શાસન એવા બેવડા શાસનની અસર હેઠળ હતી. આ સત્તા સામે અવાજ ઉઠાવવા કાઠિયાવાડ રાજકીય પરિષદ નામની સંસ્થા બનાવવામાં આવી હતી. વર્ષ 1929માં કાઠિયાવાડ રાજકીય પરિષદના પ્રમુખ તરીકે સરદાર વલ્લભભાઈ પટેલની મોરબી ખાતે વરણી થઈ હતી. જેનું પાંચમું અધિવેશન ગાંધીજીની હાજરીમાં મોરબી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળ્યું હતું અને સરદાર પટેલ તે વખતે મોરબીમાં તા.30 અને તા.31 માર્ચ તથા તા.1 એપ્રિલના રોજ એમ ત્રણ દિવસ સુધી રોકાયા હતા .આવી રીતે સરદાર વલ્લભભાઈ પટેલનો મોરબી સાથે જુનો નાતો રહ્યો છે. જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલના દેશપ્રેમ અને આદર્શવાદ તેમજ કરકસર યુક્ત જીવનશૈલી સહિતના ઘણા સદગુણોને તેમના જીવનમાંથી સમગ્ર દેશવાસીઓ આત્મસાત કરવા જેવા છે.

આજે સમગ્ર દેશમાં જ્યારે રાષ્ટ્રીય એકતા દિનની ઉજવણી કરવામાં આવી ત્યારે મોરબીમાં પણ લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવાના ભાગરૂપે એકતા માટેની દોડ રન ફોર યુનિટીનું જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના પાણી પૂરવઠા વિભાગના કેબીનેટ મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાની વિશેષ ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો.

મોરબી નગરપાલિકા પટાંગણમાં રન ફોર યુનિટીને ફ્લેગ-ઓફ કરાવતા પહેલા પાણી પૂરવઠા વિભાગના કેબીનેટ મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ રાષ્ટ્ર કાજે સરદાર વલ્લભભાઇ પટેલના યોગદાનને યાદ કરી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિતભાઇ શાહની વડપળ હેઠળ કાશ્મીરમાંથી ૩૭૦ કલમ દૂર કરી અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલના સ્વપ્નને પૂર્ણ કર્યું હોવાનું પણ ગૌરવભેર જણાવ્યું હતું. ત્યાર બાદ સર્વશ્રીઓ દ્વારા દેશની રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને જાળવી રાખવા માટે શપથ ગ્રહણ કર્યા હતા અને રન ફોર યુનિટી-એકતા દોડને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું.

સરદાર પટેલની ૧૪૪મી જન્મજયંતીના ભાગરૂપે યોજાયેલ રન ફોર યુનિટી નગરપાલિકા પરિસરથી શરૂ થઇને નવા બસ સ્ટેશન સામે આવેલ સરદાર પટેલની પ્રતિમા પાસે પૂર્ણ કરવામાં આવી હતી. જ્યાં ઉપસ્થિત આગેવાનોએ સરદાર પટેલની પ્રતિમાને સુતરની આંટી પહેરાવીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.આ રન ફોર યુનીટી કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયા, દુર્લભજીભાઇ દેથરીયા, લાખાભાઇ ઝારીયા, જિલ્લા પોલીસવડા ડૉ. કરણરાજ વાઘેલા, નિવાસી અધિક કલેક્ટર કેતન પી. જોષી, મોરબી પ્રાંત અધિકારી શ્રી ખાચર, જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ. સોલંકી, તથા જિલ્લા વહિવટી તંત્રના કર્મચારીઓ, અધિકારીઓ પણ જોડાયા હતા. આ ઉપરાંત રન ફોર યુનિટીની દોડમાં મોરબી શહેરની સ્વૈચ્છિક સંસ્થાઓ ઉપરાંત શહેર, અને ગ્રામ્ય પોલીસના જવાનો, હોમગાર્ડસના જવાનો, એન.સી.સીના કેડેટ્સ, એન.એસ.એસના વિદ્યાર્થીઓ, જિલ્લા પંચાયત, કલેક્ટર કચેરીના અધિકારીઓ, કર્મચારીઓ વિશાળ સંખ્યામાં લોકો પણ જોડાયા હતા.

આ એકતા દોડમાં તંત્રની અપીલના પગલે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ સહિતની સંસ્થાઓ પણ જોડાઈ હતી.એકતા દોડમાં જોડાવવા અંગે યંગ ઇન્ડિયા ગ્રુપના સંસ્થાપક દેવેનભાઈ રબારીએ જણાવ્યુ હતુ કે, જિલ્લા વહીવટી તંત્રની અપીલને પગલે એકતા દોડમાં યંગ ઇન્ડિયા ગ્રુપ જોડાયું હતું અને એકતા દોડમાં ભાગ લીધો હતો. તેમણે સરદાર પટેલના મોરબી સાથેના સંસ્મરણોની માહિતી આપી સરદાર વલ્લભભાઈ પટેલના દેશપ્રેમ અને આદર્શવાદ તેમજ કરકસર યુક્ત જીવનશૈલી સહિતના ઘણા સદગુણોને તેમના જીવનમાંથી સમગ્ર દેશવાસીઓ આત્મસાત કરવા જેવા હોવાનું જણાવ્યું હતું.