Happy Diwali : “સ્મિતથી સ્મિતનું સર્જન કરીને દુનિયાને રોશન કરીએ” 

- text


(જાગૃતિ તન્ના “જાનકી”) ભારતમાં ઉજવાતો સૌથી મોટો તહેવાર એટલે દિવાળી. હવે એમ થાય કે આ દિવાળી શબ્દ આવ્યો ક્યાંથી, તો દીવડાઓની હારમાળા જેને સંસ્કૃતમાં દીવડો = દીપ અને હારમાળા = આવલી. એમ દીપ + આવલી એટલે દીપાવલી. જેને આપણે ટૂંકા નામથી દિવાળી તરીકે ઓળખીએ છીએ. આમ, જોવા જઈએ તો દિવાળીનો તહેવાર એ વિવિધતામાં એકતાના પ્રતિક સમાન છે, કેમ કે દિવાળી ઉજવવા પાછળના ત્રણ કારણો છે :

1) જ્યારે 14 વર્ષના વનવાસ પછી ભગવાન શ્રી રામ, રાવણનો વધ કરીને પત્ની સીતાજી અને ભાઈ લક્ષ્મણ સાથે અયોધ્યા પરત ફર્યા તેની ખુશીમાં દિવાળી ઉજવવામાં આવે છે. પુરાણોમાં ઉલ્લેખ મુજબ અમાસના અંધકારભર્યા માર્ગ પર પ્રકાશ પાથરવા માટે અયોધ્યાના લોકોએ ઘીના દીવા કર્યા હતા. આમ, જ્ઞાનના પ્રકાશ સમા ભગવાનનું સ્વાગત પણ દીવાના પ્રકાશ દ્વારા કરવામાં આવ્યું હતું.

2) જ્યારે જૈન ધર્મમાં દિવાળીનો સંદર્ભ દિપાલીકાયા શબ્દ સાથે સંકળાયેલો છે. દિપાલીકાયા એટલે “શરીર છોડીને જતો પ્રકાશ” મહાવીર સ્વામીએ અમાસની વહેલી સવારે નિર્વાણ મેળવ્યું હતું .
કલ્પસૂત્ર અનુસાર  જ્ઞાનનો પ્રકાશ જતો રહ્યો હોવાથી તેમના ગુરુના જ્ઞાનની જ્યોતને જીવંત રાખવાના પ્રતિક તરીકે કાશી અને કોસલના 16 ગણ – રાજા, 9 મલ્લ અને 9 લિચ્છવીઓએ તેમના દરવાજા પ્રકાશિત કર્યા હતા.

3) જ્યારે શીખ ધર્મમાં દિવાળીની ઉજવણી પાછળનું કારણ એ છે કે છઠ્ઠા શીખ ગુરુ હર ગોબિંદસિંહજી ને બાદશાહ જહાંગીરે અન્ય 52 રાજાઓ સાથે ગ્વાલિયરના કિલ્લામાં બંદી બનાવ્યા હતા અને તેઓ જ્યારે મુક્ત થઈને પરત ફર્યા ત્યારે લોકોએ સુવર્ણ મંદિરમાં રોશની કરીને શીખ ગુરુ હર ગોબિંદસિંહજીના પુનરાગમનને આવકાર્યું હતું.

આમ, દિવાળીનો પર્વ ઉજવવા પાછળના કારણો ભલે વિવિધ હોય છતાં, દિવાળીનો પર્વ એટલે ‘પ્રકાશનો પર્વ’ એ એકતા પણ જળવાઈ રહે છે.

- text

આ ઉપરાંત દિવાળી એક એવો તહેવાર છે, જેમાં દરેક બાબતોનો  સમાવેશ થાય છે. તેમાં ધાર્મિક મહત્વ તો રહેલું જ છે. લોકો ભક્તિભાવથી ઈશ્વરનું પૂજન કરે છે. ચોપડા પૂજન પણ કરવામાં આવે છે. તેની સાથે રંગોળીનું પણ અનેરું મહત્વ છે. પુરાણોમાં ઉલ્લેખ મુજબ રંગોળી કરવાથી સારી ઊર્જા ઘર તરફ આકર્ષાય છે. તો સાથે મીઠાઈઓનું પણ મહત્વ રહેલું છે.
એકબીજા ને મીઠાઈ આપવા પાછળ કે મીઠું મોઢું કરાવવા પાછળ નો આશય સંબંધોમાં મીઠાશ લાવવાનો હોય છે. ફટાકડા પણ ફોડવામાં આવે છે. સાથે નવા વર્ષની શરૂઆત પણ થાય છે. આમ, દિવાળી નો પર્વ એ બાળકો, યુવાનો, વૃદ્ધો સૌને કંઈક ગમતું લાવે છે. તો આ રીતે પણ દિવાળી વિવિધતામાં એકતા રૂપ થઈ ગણાય.

દિવાળી એટલે વર્ષનો છેલ્લો દિવસ અને બીજા દિવસથી નૂતન વર્ષ પ્રારંભ થાય છે. દિવાળીની સાંજે દીવડાઓ પ્રગટાવવામાં આવે છે. લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે અને ત્યારબાદ ફટાકડા ફોડવામાં આવે છે અને ફટાકડાઓની આ આતશબાજી આખી રાત ચાલે છે. જેના દ્વારા નૂતન વર્ષનું સ્વાગત કરવામાં આવે છે. એ જાણતા હોવા છતા કે ફટાકડા આપણા સ્વાસ્થ્ય માટે અને પર્યાવરણ માટે હાનિકારક છે, તેમ છતાં આખી રાત આતશબાજી કરવામાં આવે છે. તહેવાર વર્ષમાં એકવાર આવે છે એટલે ફટાકડા ભલે ફોડીએ પણ એટલા બધા પણ નહીં કે જેથી નવા વર્ષનું સ્વાગત પર્યાવરણને નુકસાન પહોંચાડીને અને આપણા માટે શ્વસનતંત્રની બીમારીઓને નોતરીને કરીએ. લોકો એકબાજુ લક્ષ્મીજીની પૂજા કરીને ઊભા થાય અને બીજી બાજુ મોટા પ્રમાણમાં ફટાકડા ફોડીને એ જ લક્ષ્મી સ્વરૂપ પૈસાનું પાણી કરતા જોવા મળે છે. ફટાકડાઓથી જે રોશની થાય એ ખૂબ ગમે તેવી હોય છે પણ વધારાના ફટાકડા ખરીદવાને બદલે પૈસા કોઈ જરૂરિયાતમંદ ને આપીને તેમના ચહેરા પરની જે ખુશીની ચમક જોવા મળશે એ ફટાકડાની રોશની પાસે તો ઝાંખી જ લાગશે. અને આ ફટાકડાની રોશની તો ક્ષણિક જ હોય છે જ્યારે ખુશીની ચમક તો કાયમી હોય છે. તો ચાલો આ દિવાળી ક્ષણિક નહીં પણ કાયમી રોશનીથી દિવાળી ઉજવીએ. આ દિવાળી દીપથી દીપ પ્રગટાવીને અજવાળું કરવાની સાથે સ્મિતથી સ્મિતનું સર્જન કરીને આ દુનિયાને રોશન કરીએ.

મોરબી અપડેટના બધા વાચકમિત્રોને દિવાળીની હાર્દિક શુભકામનાઓ…
– જાગૃતિ તન્ના “જાનકી”

- text