મોરબીમાં નવરાત્રી મહોત્સવને લઈને યુવાહૈયામાં અનેરો થનગનાટ

- text


દોઢ બે માસથી ચાલતી નવરાત્રીની તૈયારીઓ : નૃત્ય અને દાંડિયા રાસના અવનવા સ્ટેપ્સની તાલીમ મેળવતા યુવાનો : અર્વાચીનની સાથે પ્રાચીન ગરબીઓનો દબદબો જળવાઈ રહેશે

મોરબી : મોરબીમાં નવરાત્રી મહોત્સવની તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ખાસ કરીને નવેનવ દિવસ રઢિયાળી રાત્રીએ ગરબે ધૂમવા માટે ખેલૈયાઓ અત્યારથી સજ્જ થઈ ગયા છે અને નવરાત્રી મહોત્સવને લઈને યુવાહૈયાઓમાં ભારે રોમાંચ જોવા મળી રહ્યો છે. છેલ્લા દોઢેક માસથી નવરાત્રીની તૈયારીઓ ચાલી રહી છે. યુવાનો વિવિધ દાંડિયા ક્લાસિસમાં જઈને પ્રાચીન અને અર્વાચીન રાસના વિવિધ સ્ટેપ્સની સઘન તાલીમ મેળવી રહ્યા છે. મા જગદંબાની આરાધનાના મહાપર્વ નવરાત્રી મહોત્સવનો આગામી તા.29 સપ્ટેબરથી પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે મોરબીમાં છેલ્લા દોઢ બે માસથી નવરાત્રીની તૈયારીઓ થઈ રહી છે. ખાસ કરીને નવેનવ રઢિયાળી રાત્રીએ રાસ ગરબે ધૂમવાનો યુવાનોને સવિશેષ આનંદ હોય છે. આથી યુવાનોનો નવરાત્રી મહોત્સવ માનીતો તહેવાર મનાઈ છે. નવરાત્રીને ઉમળકાભેર આવકારવા માટે યુવાનો રીતસરના અધીરા બન્યા છે.નવરાત્રી માટેના રાસની પ્રેક્ટિસ પુરજોશમાં થઈ રહી છે. દર વખતની જેમ આ વર્ષે પણ અર્વાચીન ગરબીઓની સાથે પ્રાચીન ગરબીઓ જમાવટ કરશે.

- text

શહેરના દરેકમાં યોજાતી પ્રાચીન ગરબીઓમાં રાસ ગરબાની રંગત જામશે. ખાસ કરીને શક્તિ ચોક ગરબી અને મંગલ ભુવન ગરબી ભારે જમાવટ કરશે. તેમજ પોલીસ લાઈનની ગરબી સહિતના તમામ વિસ્તારોમાં સાદાઈથી પ્રાચીન પરંપરા અનુસાર યોજાતી ગરબીઓ માતાજીની આરાધના સાથે ભારે આકર્ષણનું કેન્દ્ર બનશે. તે ઉપરાંત અર્વાચીન ગરબીઓનું આયોજન કરવામાં આવ્યું છે અને આ માટેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. નવરાત્રી મહોત્સવને લઈને યુવાનો દાંડિયા ક્લાસિસમાં નૃત્યની તાલીમ મેળવી રહ્યા છે અને અવનવા રસના સ્ટેપ્સ શીખી રહ્યા છે. આ વર્ષે અર્વાચીનમાં રંગોલી, મણિયારો,વંદે માતરમ,પનઘટ, જીકજેક,રંગત સહિતના સ્ટેપ્સ હોટ ફેવરિટ છે.તેમજ આ વખતે રંગોલી, વંદે માતરમ,શ્રુતિ દોઢિયા સ્ટેપ્સ ભારે ધૂમ મચાવી રહ્યા છે. જ્યારે પ્રાચીન ગરબામાં તલવાર, બંદીશ, દીવડા, અઘોર નગારા, લાઈટીંગ ચણીયા રાસ, ટીપણી રાસ, અભિનય રાસ સહિતના 42 જેટલા રાસ પ્રેક્ટિસ થઈ રહી છે. જ્યારે બંદીશ અને અઘોર નગારા સૌથી વધુ પ્રખ્યાત રાસ છે.

- text