હળવદ વેગડવાવ રોડ પર આવેલ રેલવે ફાટક પર બ્રિજ બનાવવા માંગ

- text


૨૨ ગામના લોકોને પડતી હાલાકીને વહેલી તકે દૂર કરવામાં આવે તેવી માંગ
પ્રશ્ન હલ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારતા ટીકર ગામના સરપંચ

હળવદ : હળવદ શહેરમાં આવેલ બાપાસીતારામ મઢુલી પાસેનું રેલવે ફાટક અવાર-નવાર બંધ રહેતું હોવાને કારણે અહીંથી આવન-જાવન કરતા ૨૨ ગામના લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે રેલવે ફાટક મોટું બનાવવામાં આવે અથવા તો બ્રિજ બનાવવામાં આવે તેવી ટીકર ગામના મહિલા સરપંચ દ્વારા રેલ્વે મેનેજરને લેખિતમાં રજૂઆત કરી માંગ કરવામાં આવી છે. સાથે ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે કે આ પ્રશ્ન જો હલ નહીં થાય તો ૨૨ ગામના લોકોને સાથે રાખી ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.

શહેરના બાપાસીતારામ મઢુલી પાસે આવેલ રેલવે ફાટક થી જતો રોડ ૨૨ ગામ ને જોડ તો હોય જેના કારણે રેલવે ફાટક મોટા ભાગના સમય માં બંધ રહેતું હોવાને કારણે લોકોમાં ભારે રોષ ફેલાયો છે.

- text

તાલુકાના ટીકર, માનગઢ, મિયાણી, વેગડવાવ, રણમલપુર, ઘણાદ, બુટવડા, ઘનશ્યામ ગઢ સહી ૨૨ ગામના લોકોનો માત્ર આ એક જ રસ્તો હોય. જેના કારણે હળવદ આવવા માટે અથવા તો હળવદથી પોતાના ગામ જવા માટે રેલ્વે ફાટક ક્રોસ કરવી પડતી હોય છે પરંતુ મોટાભાગે અહીંની રેલવે ફાટક બંધ રહેતી હોવાને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો સાથે સાથે આ તમામ ગામના લોકો મોટાભાગે હળવદ ધંધાર્થે આવતા હોય છે તેમજ સવાર બપોર સાંજ વિદ્યાર્થીઓને પણ અવર-જવર રહેતી હોય છે. જેથી ફટક બંધ હોવાને કારણે મોટી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

સાથે સાથે અહીંનો રોડ પણ નાનો હોય જેના કારણે રેલવે ફાટક બંધ હોવાને કારણે ટ્રાફિકની પણ મોટી સમસ્યા સર્જાતી હોય છે ત્યારે આ તમામ સમસ્યાઓથી તંગ આવી જઈ ટીકર ગામના મહિલા સરપંચને સામાજિક કાર્યકર વિજયભાઈ પટેલ દ્વારા ડિવિઝનલ રેલવે મેનેજરને લેખિતમાં રજૂઆત કરી જણાવ્યું છે કે રેલવે ફાટક અવારનવાર લાંબો સમય સુધી બંધ રહેતા અહીંથી પસાર થતાં લોકોને તેમજ ટીકર રણ વિસ્તારમાં મીઠા ઉદ્યોગ હોવાને કારણે ઔદ્યોગિક વાહનોને પણ ભારે પરેશાની ભોગવવી પડી રહી છે. સાથે સાથે વિદ્યાર્થીઓને પણ ખાસ તો કરીને પરીક્ષાના સમયે ફાટક બંધ હોવાના કારણે વધારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સમજ કોઈ ઈમરજન્સી સમયે પણ ફાટક બંધ હોવાના કારણે ઘણી વખત એમ્બ્યુલન્સને પણ રાહ જોવી પડતી હોય છે. જેથી વહેલી તકે રેલવે ફાટક મોટું બનાવવામાં આવે અથવા તો રેલવે બ્રિજ બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સાથે ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે કે આ સમસ્યાનું વહેલી તકે નિવારણ નહીં આવે તો ૨૨ ગામના લોકોને સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે. જેની સંપૂર્ણ જવાબદારી આપશ્રીની રહેશે તેમ જણાવ્યું છે.

- text