મોરબી તાલુકા સેવાસદનની જર્જરિત હાલત

- text


સેવાસદનના બિલ્ડીંગનું યોગ્ય સમારકામ કરવાની સામાજિક કાર્યક્રરોએ માર્ગ અને મકાન વિભાગને રજુઆત કરી

મોરબી : મોરબી તાલુકા સેવાસદનના બિલ્ડીંગની છેલ્લા કેટલાક સમયથી જર્જરિત હાલત થઈ ગઈ છે. તાલુકા સેવાસદનના બિલ્ડીંગમાં ઘણી જગ્યાએ સળિયા દેખાઈ છે અને છતમાંથી વરસાદના સમયે પાણી ટપકે છે.આથી કર્મચારીઓ અને અધિકારીઓ તેમજ લોકો અકસ્માતનું જોખમ હોવાથી આવી કોઈ અઘટિત ઘટના બને તે પહેલાં તેની યોગ્ય મરમત કરવાની તથા તાલુકા સેવાસદનમાં ઘટતી સુવિધાઓ ઉપલબ્ધ કરવાની માંગ સાથે સામાજિક કાર્યકરોએ માર્ગ અને મકાન વિભાગને રજુઆત કરી છે.

- text

મોરબીના સામાજિક કાર્યકરો રાજુભાઇ દવે,જગદીશભાઈ બાંભણીયા અને જીજ્ઞેશભાઈ પંડયાએ માર્ગ અને મકાન વિભાગને રજુઆત કરી હતી કે, મોરબીના સામાકાંઠે લાલબાગ સરકારી વસાહત પાસે આવેલ મોરબી તાલુકા સેવાસદન વર્ષ 2005માં કાર્યરત થયું હતું.પણ સમયાંતરે સેવાસદનની યોગ્ય માવજત ન કરતા આ તાલુકા સેવાસદનનું બિલ્ડીંગ જર્જરિત થઈ ગયું છે જેમાં ચારેબાજુ સળિયા દેખાય છે અને તિરાડો પડી ગઈ છે.દર ચોમાસે વરસાદમાં છતમાંથી પાણી ટપકે છે.જોકે આ તાલુકા સેવાસદન છેલ્લા 16 વર્ષથી ધમધમી છે દરરોજ કોઈને કોઈ સરકારી કામો માટે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાંથી આશરે 2 હજાર લોકોની અવરજવર રહે છે અને સરકારી કર્મચારી અને અધિકારો પણ મોટા પ્રમાણમાં હોય છે.તેથી તાલુકા સેવા સદનની જર્જરિત હાલતને લીધે કોઈ અઘટિત ઘટના બને તેવી ભીતિ સેવાઈ રહી છે.

તાલુકા સેવાસદનની આ હાલત કેમ ઉદભવી ? સરકાર તરફથી આવતી કરોડો રૂપિયાની ગ્રાન્ટ ક્યાં ગઈ? જેની પાસે બાંધકામ કરાવવામાં આવ્યું હતું એ કોન્ટ્રકટર પાસે કેટલા સમયની બાંહેધરી લીધી હતી ? તેવા સવાલો ઉઠાવીને આ બાબતે યોગ્ય કાર્યવાહી ન કરાઇ તો ઉચ્ચકક્ષાએ રજુઆત કરવાનું જણાવ્યું હતું.તેમજ સેવાસદનમાં રહેલી પ્રાથમિક સુવિધાઓની પણ બુરી દશા છે. પાણીની વ્યવસ્થાનો અભાવ અને ગંદકી શોચાલયમાં બારી બારણાં તૂટી ગયા હોવા છતાં અહીં બેસતા અધિકારીઓને દેખાતા નથી.આ બાબતે પણ યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે.

- text