મોરબીમાં શિક્ષકદિને જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું

મોરબી : મોરબીમાં જીલ્લા શિક્ષણાધિકારીની કચેરી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્રારા શિક્ષક દિનની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મહાનુભાવોના હસ્તે જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનુ ઉદ્ઘાટન ‘ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ”ના અધ્યક્ષ નરેન્દ્રભાઇ સોલંકીએ કર્યુ હતું. મોરબી જિલ્લા કક્ષાના શિક્ષક દિન સમારોહ પ્રસંગે આયોજિત શ્રેષ્ઠ શિક્ષકોને એવોર્ડ અર્પણ સમારોહમાં ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમના અધ્યક્ષ નરેન્દ્રભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે રાષ્ટ્ર નિર્માણમાં શિક્ષકોનું યોગદાન અનન્ય છે. સમાજને શિક્ષિત અને દિક્ષિત બનાવવાની મહત્વની જવાબદારી શિક્ષકોને શીરે છે. ભવિષ્યની પેઢી તૈયાર કરનાર શિક્ષકોને કોઇપણ પ્રકારના સિમાડા નથી હોતા. શિક્ષક માટે વિદ્યાર્થી જ મહત્વનો હોય છે અને સરકાર પણ શિક્ષણ અને શિક્ષકો માટે સતત ચિંતિત છે. રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સંસ્કાર અને જ્ઞાન બાબતે સતત ચિંતન કરી શિક્ષણક્ષેત્રે જરૂરી સુધારા કરી રહ્યા હોવાનું પણ ભારપૂર્વક જણાવ્યું હતું. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વોપલ્લી રાધાકૃષ્ણન્ ના જન્મદિને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. શિક્ષક દિન અંતર્ગત મોરબી ટાઉનહોલ મધ્યે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા જિલ્લા અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોને પણ સન્માનીત કરાયા હતા. જિલ્લા કક્ષાએ પ્રવિણકુમાર શંકરભાઇ પટેલ, દર્શનાબેન જીતેન્દ્રભાઇ જાની, રમેશભાઇ વલ્લભભાઇ કાલરીયા અને તાલુકા કક્ષાએ કલ્પેશભાઇ હરજીભાઇ પટેલ, રાકેશભાઇ ડાહ્યાભાઇ પટેલ, હરમીતકુમાર જશવંતભાઇ પટેલને શ્રેષ્ઠ શિક્ષક તરીકે પારિતોષિક એનાયત કરાયા હતા. શ્રેષ્ઠ પારિતોષિક મેળવનાર જિલ્લા કક્ષાના શિક્ષકોને ૧૫ હજાર રૂપિયા અને તાલુકા કક્ષાના શિક્ષકોને ૫ હજાર રૂપિયા, પ્રમાણપત્ર, સર્વોપલ્લી રાધાકૃષ્ણન્ ની છબી, સાલ અને પુષ્પગુચ્છથી સન્માનીત કરાયા હતા.કાર્યક્રમના આરંભે જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ. સોલંકીએ ઉપસ્થિત તમામ મહેમાનોને શાબ્દીક આવકાર આપી શ્રેષ્ઠ શિક્ષક તરીકે પારિતોષિક મેળવનાર તમામ શિક્ષકોને અભિનંદન પાઠવી જિલ્લાને તમામ શિક્ષકોને શિક્ષક દિનના અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે મોરબી જિલ્લાના પૂર્ણપગારમાં સમાવિષ્ટ થતાં વિદ્યા સહાયકોને આદેશોનું પણ વિતરણ કરાયું હતું. રાજ્ય સરકાર દ્વારા કરાયેલા સર્વેમાં મોરબી જિલ્લાનો ૧૧મો નંબર આવતા જિલ્લાના તમામ શિક્ષકોને પણ અભિનંદન પાઠવાયા હતા.

શિક્ષક દિનની ઉજવણી પ્રંસગે ઉપસ્થિત રહેલા હળવદ મતવિસ્તારના ધારાસભ્ય પરષોત્તમભાઇ સાબરીયા, મોરબીના ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજા, પડધરી ટંકારાના ધારાસભ્ય લલિતભાઇ કગથરા, પૂર્વ ધારાસભ્ય કાંતીલાલ અમૃતિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોરભાઇ ચીખલીયાએ તેઓના પ્રાસંગિક પ્રવચનમાં વ્યક્તિગત જીવનમાં શિક્ષકોના યોગદાન અંગેનો ઉલ્લેખ કરી દેશને શ્રેષ્ઠ નાગરિકો બનાવવાનું શિક્ષકો સામર્થ્ય ધરાવતા હોવાનો ગૌરવપૂર્ણ ઉલ્લેખ કર્યો હતો. કાર્યક્રમના અંતે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર પારેખ દ્વારા આભારવિધિ કરાઇ હતી આ તકે સમગ્ર મોરબી જિલ્લા માથી શિક્ષકો-શિક્ષણવિદ્, અધિકારીઓ, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.