વાંકાનેર રેલ્વે સ્ટેશન પર ટ્રેનના જીવલેણ અકસ્માતની મોકડ્રિલ યોજાઈ

- text


ગાંધીધામ-બાંદરા ટ્રેનનો એક ડબ્બો ખડી પડતા ત્રણના મોત સાત ઘાયલ થયાનું જાહેર થતા તમામ તંત્રની દોડાદોડીના અંતે બનાવ મોકડ્રિલ જાહેર થતા સહુએ રાહતનો શ્વાસ લીધો

વાંકાનેર : વાંકાનેર રેલવે સ્ટેશન પર સવારે 07:30 વાગ્યે ગાંધીધામ-બાંદ્રા ટ્રેન નંબર 22872નો એક ડબ્બો ટ્રેક પરથી ખડી પડ્યો છે અને તેમાં 3 પેસેન્જરના મોત નિપજ્યા તેમજ 7 પેસેન્જર ઘાયલ થયાના સમાચાર મળતા રેલવેના તમામ વિભાગોના સત્તાધીશો, કર્મચારીઓ અને રેલવે પોલીસ સહિતનો સ્ટાફ રેલવે સ્ટેશને ઘસી ગયો હતો. આ ઉપરાંત એમ્બ્યુલન્સ, વાંકાનેર સિટી પોલીસ, આર.પી.એફ અને જી.આર.પી.સ્ટાફે તમામ વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. જોકે બાદમાં આ સમગ્ર ઘટના મોકડ્રિલ હોવાનું જાહેર થતા સહુએ રાહતનો શ્વાસ લીધા હતા.

આ મોકડ્રિલ દરમિયાન કર્મચારીઓના ધાડા વાંકાનેર રેલ્વે સ્ટેશને આવી જતા અફળતફડીનો માહોલ સર્જાયો હતો. સ્ટેશન મેનેજર નવાબસિંહ, ધર્મેન્દ્રસિંહ, ટ્રાફીક ઈન્સ્પેકટર એલ.પી. યાદવ અને રેલ્વેની મેડીકલ સ્ટાફ સાથેની ટીમોએ તંબુ નાખી ઘાયલોને ઈમરજન્સી સારવાર આપવાનું શરૂ કર્યું હતું. તો રેલ્વેનો ટ્રાફીક, ઈલેકટ્રીક, સિગ્નલ એનડીઆરએફની ટીમ ખડેપગે હતી.

- text

જોકે આ બનાવ મોકડ્રિલ હોવાનું જાહેર થતા સર્વેના શ્વાસ હેઠા બેઠા હતા. આ મોકડ્રિલ માટે એક ડબ્બાના વ્હીલને કાયદેસર રીતે જ પાટા પરથી ઉતારી દેવામાં આવેલ અને સ્ટ્રેચરમાં ત્રણ ઘાયલ વ્યકિતને સુવડાવી એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવેલ. ક્રેઈન સાથેની ઈમરજન્સી ટ્રેન તમામ સ્ટાફ સાથે રાજકોટથી બોલાવતા બનાવ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને પોતાની ડયુટી બજાવવા લાગી હતી. વાંકાનેરમાં ગાંધીધામ-બાંદરા ટ્રેન ખડી પડયાના સમાચાર પ્રસરતા લોકો રેલવે સ્ટેશને આવવા લાગ્યા હતા. થોડા સમયમાં કાયદેસર દુર્ઘટના બની હોય તેવો માહોલ ઉભો થઈ ગયો હતો પણ જ્યારે બધા ઘટના સ્થળે આવતા ખબર પડી કે આ તો મોકડ્રીલ છે તો બધાના શ્વાસ હેઠા બેઠા હતા. રેલ્વે તંત્ર તેમજ અન્ય તંત્ર આવો બનાવ જો ખરેખર બને તો તંત્ર કેટલુ જાગૃત છે તેની ખરાઈ કરવા સિનીયર ડીએસઓ રાજકોટ ડિવીઝને આ મોકડ્રીલ કરવા આદેશ આપ્યો હતો.

- text