મોરબી : સાવસર પ્લોટમાં ઉભરાતી ગટરોને કારણે ગંદકીનું સામ્રાજ્ય

એક મહિનામાં સમસ્યાનું કાયમી નિરાકરણ નહિ આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી

મોરબી : મોરબી શહેરમાં આવેલા સાવસર પ્લોટ વિસ્તારમાં પ્રભાત હોસ્પિટલ પાસેની ગટરની સફાઈ અને મરામત થતી ન હોવાથી ઉભરાતી ગટરોને કારણે આખા વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય છવાયું છે. જે બાબતે તાકીદે કાર્યવાહી કરવામાં નહિ આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામા આવી છે. મોરબી શહેરમાં જુના બસ સ્ટેન્ડ પાસે સાવસર પ્લોટ વિસ્તારમાં મોટા ભાગની મોરબીની હોસ્પિટલો આવેલી છે. અહીં બીમાર લોકોની તેમજ દર્દીઓના પરિજનોની મોટી અવર જવર રહેતી હોય છે. આ વિસ્તારમાં પ્રભાત હોસ્પિટલ વાળા ચાર રસ્તા પાસેની ગટર અવાર નવાર ઉભરાઈ જાય છે. અનેક ફરિયાદો કરવા છતાં આનો કોઈ કાયમી ઉકેલ આવતો નથી. આ સમસ્યાથી રોગચાળાનો ગંભીર ખતરો મંડરાય રહ્યો છે. અહીં આવેલી દરેક હોસ્પિટલમાં પાણીના નળમાં દુષિત પાણી જ આવે છે. તંત્રને અનેક વખત રૂબરૂ, લેખિત તેમજ મૌખિક ફરિયાદ કરવામાં આવી હોવા છતાં છેલ્લા બે વર્ષ થયા આ પ્રશ્નનો નિકાલ આવતો નથી. આ બાબતે તંત્રને યોગ્ય આદેશો આપી આ વિસ્તારના લોકોને તેમજ બહારથી આવતા દર્દીઓને આ મુશ્કેલી માંથી મુક્ત કરાવવાની માંગણી પ્રબળ બની રહી છે.

મોરબીવાસીઓમાં થતી ચર્ચા મુજબ ભૂગર્ભ ગટરના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલ છે. આ બાબતે તપાસ કરાવી તથ્ય બહાર લાવવાની માંગણી સ્થાનિકો દ્વારા વ્યક્ત થઈ રહી છે. મોરબી નગરપાલિકામાં પણ બહુ જ મોટી ગ્રાન્ટ ભૂગર્ભ ગટર મેન્ટેનન્સ તેમજ સફાઈ માટેની આવતી હોય કામની બાબતે કોઈ સંતોષજનક કામ થતું હોય તેવું દેખાતું નથી. આની પણ તપાસ કરાવી જો કોઇ ભ્રષ્ટાચાર થયો હોય કે થતો હોય તો જે તે જવાબદારો સામે યોગ્ય પગલા ભરવા કે.ડી.બાવરવાએ પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા મંત્રી કુંવરજી બાવળિયા, વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણી, વિજિલન્સ કમિશનર ગુજરાત, મોરબી જિલ્લા કલેકટર, ચીફ ઓફિસર મોરબી નગરપાલિકા અને કાર્યપાલક ઈજનેર, ભૂગર્ભ ગટર વિભાગ મોરબીને લેખિતમાં જાણ કરી છે. જો આ કાર્ય એક મહિનામાં કરવામાં નહિ આવે તો આ વિસ્તારના લોકોને સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે ચાલવું પડશે એમ કે.ડી. બાવરવાએ પોતાની રજૂઆતના અંતે ચીમકી ઉચ્ચારી છે.