કરોડો રૂપિયાના સિંચાઈ કૌભાંડમાં હળવદ તાલુકા પંચાયતના મહિલા સભ્યના પતિની ધરપકડ

- text


હજુ પણ આ ગુનામાં અન્ય રાજકીય આગેવાનોની ધરપકડ કરવામાં આવે તેવા સંકેત

મોરબી : મોરબી જિલ્લાના ચકચારી નાની સિંચાઈ કૌભાંડમાં એક પછી એક રાજકીય આગેવાનોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી રહી છે. આ દરમિયાન મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા હળવદ તાલુકા પંચાયતનાં મહિલા સભ્યના પતિની નાની સિંચાઇના કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. આ કૌભાંડમાં હજુ પણ કેટલાક રાજકીય આગેવાનો અને હોદ્દેદારોની આગામી દિવસોમાં ધરપકડ કરવામાં આવે તેવા સંકેતો પોલીસ તરફથી મળી રહ્યા છે.

મોરબી જિલ્લાના સ્થાનિક જળાશયોમાં પાણીની સંગ્રહ શક્તિ વધે તેના માટે સરકાર દ્વારા વર્ષો પહેલા 20 કરોડ રૂપિયા નાની સિંચાઇ યોજનાના કામો કરવા માટે મંજૂર કરવામાં આવ્યા હતા. જો કે આ કામો માત્રને માત્ર સરકારી ચોપડા ઉપર કરીને જ અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સહિતનાઓ દ્વારા કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. જેની વિગતો બહાર આવતા જે તે સમયે નિવૃત્ત ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર, કોંગી ધારાસભ્ય સહિતના શખ્સોની એ.ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ તપાસને આગળ વધારતાં છેલ્લે થોડા દિવસો પહેલાં મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી ઘનશ્યામભાઈ ગોહીલની ધરપકડ કરવામાં આવી હતી અને તેના રીમાન્ડ પણ લેવામાં આવ્યા હતા. રિમાન્ડ પુરા થતાં હાલમાં જિલ્લા ભાજપ મહામંત્રીને જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે, ત્યારે વધુ એક રાજકીય આગેવાનની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન દ્વારા નાની સિંચાઇના કૌભાંડમાં ધરપકડ કરવામાં આવેલ છે.

પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે હાલમાં એ ડીવીઝન પોલીસ સ્ટેશન દ્વારા હળવદ તાલુકાના સુસવાવ ગામના અરવિંદ કરસનભાઈ સાપરાની નાની સિંચાઇ યોજનાના કૌભાંડમાં ધરપકડ કરવામાં આવેલ છે. વધુમાં મળતી વિગત પ્રમાણે હાલમાં ધરપકડ કરવામાં આવેલ અરવિંદભાઈ સાપરાના પત્ની હળવદ તાલુકા પંચાયતની જુના દેવડીયા બેઠક પરથી કોંગ્રેસના સિમ્બોલ સાથે ગત તાલુકા પંચાયતની ચૂંટણીમાં ચૂંટાયેલા છે અને હાલમાં તેઓ હળવદ તાલુકા પંચાયતના સભ્ય છે. જો કે થોડા સમય પહેલા જ્યારે હળવદ તાલુકા પંચાયતમાં રાજકીય ઉથલ પાથલ કરવામાં આવી હતી ત્યારે કોંગ્રેસમાંથી કેટલાક સભ્યો ભાજપની સાથે જોડાયા હતા જેથી કરીને કોંગ્રેસ શાસિત હળવદ તાલુકા પંચાયત કોંગ્રેસને ગુમાવી પડી હતી ત્યારે કોંગ્રેસના સભ્યો પૈકીના અરવિંદભાઈ સાપરાના પત્ની અલ્પાબેન પણ ભાજપમાં જોડાઈ ગયા હતા.

- text

હાલમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે નાની સિંચાઇના આ કૌભાંડમાં કુલ મળીને ૩૩૦થી વધુ કામો મોરબી જિલ્લામાં જે તે મંડળીઓ દ્વારા કરવામાં આવ્યા હતા. જોકે મોટા ભાગના કામો સ્થળ ઉપર કરવાના બદલે માત્રને માત્ર સરકારી ચોપડા ઉપર જ દર્શાવીને ખોટા બિલો બનાવીને સરકારી તિજોરીમાંથી નાણા ઉપાડી લેવામાં આવ્યા હતા. આ કૌભાંડમાં અધિકારી તેમજ પદાધિકારીઓની સંડોવણી સામે આવી રહી છે. આગામી દિવસોમાં પોલીસ દ્વારા હજુ પણ રાજકીય આગેવાનોની આ કૌભાંડ સંદર્ભે ધરપકડ કરવામાં આવે તેવા સંકેતો મળી રહ્યા છે. કેમ કે જે તે સમયે મોરબી જિલ્લા પંચાયતના સિંચાઇ વિભાગના અધિકારી, જુદી જુદી મંડળીઓના હોદ્દેદારો તેમજ કાર્યકરોએ મળીને જે કૌભાંડ આચર્યું હતું તેને ઉજાગર ન કરવા માટે ઘણા બધા રાજકીય આગેવાનોએ આ કૌભાંડમાંથી મલાઈ તારવી હતી. મોરબી પોલીસ આગામી દિવસોમાં કેટલા રાજકીય આગેવાનોની આ ચકચારી કૌભાંડમાં ધરપકડ કરે છે તે તો આગામી સમય જ બતાવશે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text