મોરબીના કરોડો રૂપિયાના GST કૌભાંડમાં હવે ક્રોસ વેરિફિકેશન શરૂ થયું

- text


મોરબી : થોડા સમય પહેલા મોરબીમાંથી કરોડો રૂપિયાની જીએસટી ચોરી સામે આવી હતી અને ફરિયાદ નોંધાયા બાદ સીએ, વકીલ સહીત કુલ મળીને ૧૫ થી વધુ આરોપીઓની ધરપકડો કરવામાં આવી હતી. આરોપીઓ દ્વારા ૩૮૫૨ ઈ-વે બીલ જનરેટ કરીને જુદાજુદા રાજ્યોની અંદર સિરામિક ટાઈલ્સનું વેચાણ કરવામાં આવ્યું હતું જો કે, કરોડો રૂપિયાની ટેક્ષ ચોરીના આ કૌભાંડના મૂળ સુધી પહોચવા માટે હાલમાં જીએસટી વિભાગ અને પોલીસ દ્વારા તમામ ઈ-વે બીલની ક્રોસ ઇન્ક્વાયરી શરૂ કરવામાં આવી છે.

સરકાર કોઇ પણ રીતે ટેક્ષ લેવાનું નક્કી કરે તો પણ મોરબીના ભેજાબાજ ગઠિયાઓ તેમાંથી ટેક્ષ ચોરી કરવા માટેનો રસ્તો કાઢી લેતા હોય છે તે હકીકત છે. મોરબીમાં બોગસ સિરામિક પેઢીઓ બનાવીને તેના આધારે જીએસટી નંબર મેળવીને ૧૭.૭૬ કરોડની ટેક્ષ ચોરીનો પર્દાફાશ થયો હતો. આ ચકચારી કૌભાંડમાં જે તે સમયે પોલીસ દ્વારા સીએ, વકીલ, સહિતના કુલ મળીને ૧૫થી વધુ શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. જેમાંથી હાલ કેટલાક આરોપીઓ જમીન મુક્ત થયા છે. ત્યાં અધિકારી સુત્રો તરફથી કૌભાંડીઓ માટે આંચકાજનક કહી શકાય તેવા સમાચાર મળી રહ્યા છે કે આ મામલે હવે ક્રોસ વેરિફિકેશનની કામગીરી હાથ ધરાઈ છે.

- text

અત્રે ઉલેખનીય છે કે, થોડા સમય પહેલા મોરબી પંથકમાં આવેલા સિરામિક કારખાનાઓમાંથી ૯૮.૯૩ કરોડની ટાઈલ્સ લઈને ખોટા ઈમેલ આઈડી બનાવી, ખોટી વેપારી પેઢીઓ ઉભી કરી, જીએસટી નંબર મેળવી, તેનું વેચાણ કરી ૧૭.૭૬ કરોડની ટેક્ષ ચોરી કરવામાં આવી હતી. જેથી આરોપીની ધરપકડ કરીને પોલીસ દ્વારા જુદીજુદી દિશાઓમાં તપાસ શરુ કરવામાં આવી હતી. કેમકે અગાઉ પણ સરકારને ટેક્ષમાં ધુમ્બા મારવાના કેસ મોરબી પંથકમાં સામે આવ્યા હતા. તેમાં જે તે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. મોરબીની ૧૬ સિરામિક પેઢીઓના માલિકો સામે ટેક્ષ ચોરીનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જેમાં રાજન સિરામિક, લેરીક્સ સિરામિક, ઓમકાર સિરામિક, વિનસેટ સિરામિક, હેસ્ટન સિરામિક, ડેલફાઈન સિરામિક, લેવોર્ડ સિરામિક, વિલિયમ સિરામિક, વોલ્ગાસ સિરામિક, કલાસીસ સિરામિક, કુમકુમ સિરામિક, સેલોની સિરામિક, સેમ્સ સિરામિક, ક્રિષ્ના સિરામિક, કેરોન સિરામિક અને મોસ્કો સિરામિક પેઢીનો સમાવેશ થતો હતો. ગરીબ માણસોના આધાર પુરાવાનો ઉપયોગ કરીને બોગસ પેઢીઓ ઉભી કરવામાં આવી હતી. જેના આધારે જીએસટી વિભાગમાંથી બોગસ જીએસટી નંબર મેળવવામાં આવ્યા હતા.

આ કૌભાંડમાં આરોપીઓ દ્વારા ૩૮૫૨ ઈ-વે બીલ જનરેટ કરીને જુદાજુદા રાજ્યોમાં ૯૮,૯૩ કરોડ રૂપિયાની સિરામિક ટાઈલ્સનું વેચાણ કરવામાં આવ્યું હતું. સરકારને કુલ મળીને ૧૭.૭૬ કરોડ રૂપિયા જીએસટી ભરવાનો થતો હતો તે ભરવામાં આવ્યો ન હતો. જેથી આ ટેક્ષ ચોરીના કૌભાંડની તપાસનો રેલો જુદાજુદા કારખાના સુધી પહોચે તેવી શક્યતા હતી.

હાલમાં પોલીસ અને જીએસટી વિભાગ દ્વારા ઉલટ તપાસ શરૂ કરવામાં આવી છે. ૩૮૫૨ ઈ-વે બીલ જનરેટ કરીને જુદાજુદા રાજ્યોમાં ટાઈલ્સ મોકલાવવામાં આવી છે. તેમાં જે વેપારીઓના નામ છે તેને શોધીને તેના નિવેદનો લેવામાં આવી રહ્યા છે. જેથી કરીને ઈ-વે બીલની ક્રોસ ઇન્ક્વાયરી દરમ્યાન આગામી દિવસોમાં વધુ કેટલીક ચોંકાવનારી હકીકતો સામે આવવાની શક્યતાઓ જાણકારો વ્યક્ત કરી રહ્યા છે.

 

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text