માળીયાના ચીખલી ગામે ઢોરના અવેડાનું પાણી પીવા માટે લોકો મજબુર

ઘરે ઘરે નળના કનેક્શનો શોભાના ગાંઠિયા સમાન : નળમાંથી પાણી આવતું ન હોવાથી ગામના અવેડામાંથી પાણી પીતા ગ્રામજનોના આરોગ્ય પર ગંભીર ખતરો : ત્રણ વર્ષથી લાઇન નાખવાની માંગને ટલ્લે ચડાવતું નપાણિયું તંત્ર

મોરબી : માણસને જો ઢોર જેવો કહેવામાં આવે તો એ અપમાનજનક લાગે છે. પણ જો એ જ માણસ ઢોર જ્યાં પાણી પીતા હોય એ પાણી પીવા મજબુર બને તો ? જી.. હા .. આ ગળે ના ઉતરે એ વાત મોરબી જીલ્લાના માળિયા મિયાણા તાલુકાના છેવાડાના દરિયાઈ પટ્ટી પરના ગામ ચીખલી માટે સંપૂર્ણ સાચી છે. છેલ્લા ત્રણ વર્ષ થી આ ગામના 2 હજાર જેટલા ગ્રામજનો ઢોર માટે ભરવામાં આવતા અવેડાના પાણી પીવા મજબુર છે. નળમાં ત્રણ વર્ષ થી પાણીનું ટીપું પણ આવ્યું નથી અને આવા કાળજાળ ઉનાળાની ગરમીમાં જીવવા માટે અહીના લોકો ઢોર માટેનું પાણી પીને જીવન ગુજારી રહ્યા છે.

માળિયા મિયાણાના છેલ્લા ગામ ચીખલીમાં ઘરે ઘરે નળ કનેક્સન તો છે, પણ એ માત્ર દેખાવ માટેના જ છે. નળમાં ત્રણ વર્ષથી પાણીનું ટીપું પણ આવ્યું નથી.એટલે અહીના ગ્રામજનો અવેડાના પાણીથી પોતાની તરસ છીપાવી ને જીવન પસાર કરી રહ્યા છે.અરે પીવાનું પાણી જ દોહલું છે ત્યાં નાહવા માટેનો તો વિચાર જ શું કરવો? અહી મહિલાઓ જાહેરમાં સ્નાન કરવા મજબુર છે અહીના લોકોના ચહેરા પર ઉદાસી છે અને રાજકીય નેતાઓ સામે ઉગ્ર રોષ જોવા મળે છે. ગ્રામજનોએ પોતે ઢોરથી પણ બદતર જીવન જીવતા હોવાની હૈયા વરાળ ઠાલવી છે. અને ગરવી ગુજરાતમાં ચીખલી ગામના લોકોની આ હાલત એ ગુજરાતની છબી માટે ક્યાંક ને ક્યાંક કલંકરૂપ છે.

ઘર ઘર સુધી પાણીના દાવા તો થતા જ રહે છે. પરંતુ આજે પણ મોરબી જીલ્લામાં એક ગામ એવું છે,જે ઢોર માટેના અવેડામાંથી પીવાનું પાણી ભરે છે અને મજબૂરીથી આ પાણી પીવે પણ છે. 2 હજારની વસ્તી ધરાવતું માળિયા મિયાણા તાલુકાનું આ છેલ્લું ગામ ચીખલી છે.ચીખલી ગામ ખેતી અને પશુપાલન પર આધારિત છે.અહી લગભગ 3 હજાર જેટલા દુધાળા પશુઓ પણ છે.ત્યારે જીવનની સૌથી મોટી પ્રાથમિક જરૂરિયાત પાણી પણ અહી ના લોકોના નસીબમાં નથી. 15 વર્ષ પહેલા ગામમાં નળ કનેક્શન અપાયેલા છે અને તેમાં પાણી પણ આવતું હતું જે આ ગાના લોકો માટે સ્વર્ગની અનુભૂતિ હતી. પણ છેલ્લા ત્રણ વર્ષ થી અહીના લોકો નર્ક સમાન જીવન ગુજરી રહ્યા છે .નળમાં 3 વર્ષથી પાણીનું ટીપું પણ આવ્યું નથી. માત્ર ઢોર માટેના અવેડામાં બે ચાર દિવસે પાણી આવે છે. એ અવેડા માંથી જ ગ્રામજનો પોતાના પીવા માટેનું પાણી ભરે છે.

ગામના યુવાનોને ગામના આરોગ્યની પણ ખુબ મોટી ચિંતા છે.અવેડાનું પાણી પિતા ગ્રામજનો ગંભીર બીમારીમાં પટકાય એવો ડર તેમને સતાવી રહ્યો છે. જે નાની નાની ફૂલ જેવી બાળકીઓ હાથમાં અભ્યાસ માટેના પુસ્તકોના બદલે પાણી ભરવાના વાસણો સાથે નજરે ચડે છે અને બાળકીઓ પણ મજબુર છે. હાલમાં તો પાણી ભરવા માટે પરિવાર ને મદદરૂપ થયા વિના તેમની પાસે કોઈ વિકલ્પ પણ નથી.આ ગામના અવેડામાં આવતું પાણી પણ ખાખરેચી સંપથી આવે છે.અવાર નવાર લાઈન તૂટી જવાના પ્રશ્નો ઉભા થાય છે ગ્રામજનોની ફરિયાદ બાદ પણ તંત્ર તો જયારે તેમને સમય મળે ત્યારે જ આવે છે,ત્યાં સુધી તો અહીના લોકો અને ઢોર બંને પાણી માટે ટળવળતા જ રહે છે.ફરિયાદો કરીને થાકેલા ગ્રામજનોને હવે તો ફરિયાદ કરવી પણ લાચારી કરવા જેવી લાગે છે. ગ્રામજનોએ તંત્ર સામેનો પોતાનો આક્રોશ પણ દિલના ઊંડાણથી ઠાલવ્યો હતો.

ગામના સરતાજ કહી શકાય એવા સરપંચ પણ લાચારી વ્યક્ત કરી રહ્યા છે. તેમની વાત પણ તંત્રના બહેરા કાને પહોચતી ન હોવાની વ્યથા સરપંચ પણ ઠાલવી રહ્યા છે. ગામને પીવાનું પાણી મળી રહે એ માટે જૂની 3 ની લાઈન બદલીને મોટી લાઈન નાખી આપવાની તેમની માંગણી પણ ગણકારવામાં આવતી ના હોવાનો આક્રોશ પણ તેઓએ ઠાલવ્યો છે.ચીખલી ગામ એટલે દરિયા કાંઠો અને બાજુમાં જ કચ્છના રણ સાથે જોડતો દુર્ગમ વિસ્તાર અને મોરબી જીલ્લાનું આ છેલ્લું ગામ છે અને અહી રાજકીય આગેવાનોએ પણ જવાબદારીઓ ના છુટા ઘા કરીને અહીની જનતાને લાચારીભર્યું જીવન જીવવા છોડી મુક્યા હોય એમ માત્ર ચુંટણી વખતે મત લેવા સિવાય અહીની જનતાની તકલીફોની દરકાર કરવા કોઈ તૈયાર નથી.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne