મોરબી ખત્રીવાડમાં આધેડને હાર્ટ એટેક આવ્યા બાદ મચ્છર અગરબતીએ પગ બાળ્યા : મોત

એકલવાયું જીવન જીવતા આધેડને એટેક આવી ગયા બાદ સેટી નજીક પડેલી અગરબતીથી આગ લાગી

મોરબી : મોરબીના ખત્રીવાડ વિસ્તારમા આજે વહેલી સવારે ઘટેલી એક વિચિત્ર ઘટનામાં એકલવાયું જીવન જીવતા આધેડને એટેક આવ્યા બાદ મચ્છર અગરબતીથી સેટી ગાદલું સળગી જતા મોત નીપજ્યું હતું.

પોલીસ દફ્તરેથી જાણવા મળતી વિગતો મુજબ આજે સવારે વિચિત્ર ઘટનામાં મોરબીના ખત્રીવાડ વિસ્તારમાં રહેતા શૈલેષ ચંદુભાઈ વોરા ઉ.૪૯ ના ઘરમાં આગ લાગતા અવસાન થતાં પોલીસે તપાસ શરૂ કરી હતી જો કે તેઓને હાર્ટએટેક આવતા મોત નિપજ્યાનું પીએમ રિપોર્ટમાં સ્પષ્ટ બન્યું હતું.

વધુમાં જાણવા મળ્યા મુજબ એકલવાયું જીવન જીવતા શૈલેષભાઇ ચંદુભાઈ વોરા ગ્રીનચોકમાં આવેલ હોટલમાં કામ કરી જીવનનિર્વાહ ચલાવતા હતા જેમાં આજે તેઓ રાબેતા મુજબ હોટલમાં કામે ન આવતા હોટલ સંચાલકોએ તેમના ઘરે તપાસ કરતા ઘરમાંથી ધુમાડા નીકળતા હોય પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી.

પોલીસ તપાસમાં ખૂલેલી વિગતો મુજબ શૈલેષભાઇના ઘરમાં સલગાવાયેલ મચ્છર અગરબતી ગાદલાને અડી જતા આગ લાગી હતી અને તેમના પગ પણ બળી ગયા હતા, જો કે, મૃતદેહનું પીએમ કરાવવામાં આવતા હાર્ટ એટેક આવતા મોત નિપજ્યાનું સ્પષ્ટ બન્યું હતું. આમ, મચ્છર અગરબતી અને હાર્ટ એટક એકલવાયું જીવન જીવતા શૈલેષભાઈના મૃત્યુનું કારણ બન્યુ છે, હાલમાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.