ફિલ્મ રિવ્યુ : ગલ્લી બૉય (હિન્દી) : એક સર્જકની સફળતા સુધીની દોટ

- text


કંઈક કરી છૂટવાનું ઝુનુન દરેકમાં હોય છે. સ્વપ્નો આસપાસની સ્થિતિને જોઈને ન આવે, એ તો અંદરની ઈચ્છાઓને ઉવેખીને પણ આવે જ. હકિકત અને નસીબ પર હાથ મૂકી બેસી રહેવાને બદલે, જે સ્વપ્નો જુએ છે, એ જ પૂરાં કરી શકે છે. તમારી આસપાસની જિંદગી તમારી અંદર રહેલાં સર્જકને કેવો કેળવે છે એ આખી વાતને રજૂ કરતી ફિલ્મ ‘ગલ્લી બૉય’, ઇન્ડિયન હિપ હોપ મ્યુઝિક પર બનેલી સૌપ્રથમ ફિલ્મ છે.

ફિલ્મ મુંબઇયા સ્ટાઇલમાં છે, ઝોયા અખ્તરે આ વખતે ગ્લેમરસ મુંબઈને બદલે ધારાવી, મુંબઇ-૧૭નું પોતાની ફિલ્મમાં મલ્ટીકલર ચિત્ર રજૂ કર્યું છે. ફિલ્મમાં એક આર્ટિસ્ટનું આર્ટિસ્ટીકરણ(!) કેવી રીતે થયું એની વાત છે. ધારાવીના એક અતિસામાન્ય કુટુંબમાં રહેતા, ગ્રેજ્યુએશનના છેલ્લા વર્ષમાં ભણતા છોકરાને પોતાની લાગણીઓ-ઊર્મિઓને શબ્દમાં ઢાળવાની ટેવ છે. તે કવિતાઓ-ગીતો લખે છે, આ ગીતોને ‘RAP મ્યુઝિક’નો લય મળે છે, ભીડમાં ખોવાઈ જવાને બદલે એ છોકરો ‘મુરાદ’ પોતાની ઝંખનાઓને પૂરી કરવા કૈંક બનવા મથે છે, અને કૈંક બને પણ છે. બૉલીવુડમાં ઘણાં મૂવીમાં આ પ્રકારની ડ્રીમલાઈફ મેળવવા માટેની જર્ની આવી ચુકી છે, પણ આ ફિલ્મ મ્યુઝિકલ છે, એટલું જ નહીં રિયાલિટી બેઝ્ડ પણ છે. ઇન્ડિયન રૅપ સ્ટાર્સ ડીવાઇન અને નેઇઝીના જીવન પર થોડી આધારિત છે, બાકી રિમા કાગતી અને ઝોયા અખ્તરે પોતાની કલમથી વધુ તીવ્ર બનાવી છે.

ફિલ્મમાં રણવીર સિંગ હોય, એટલે એનર્જી લેવલતો હાઈ જ હોય, ને એમાંય આ તો રૅપ મ્યુઝિક એટલે ભાઇ અપના જચ રેલા હૈ! કેરેક્ટરમાં ઘૂસી જવું તો કોઈ એની પાસેથી શીખે. બીજી પત્નિ લાવતો પિતા, પોતાની મા ને મારતો પિતા, ગરીબીમાં સ્વપ્નો જોવાની પણ મનાઈ કરતો પિતા આ બધા દુઃખો વચ્ચે રણવીર આંખોથી ઘણું કહે છે. એના શબ્દોમાં બધું ઢળે છે, ઘૂંટડે ઘૂંટડે પીવાતી જિંદગી રણવીરને લાગણીઓથી તરબત્તર બનાવે છે. જિંદગી એક પછી એક ઝાટકા આપ્યે રાખે છે અને રણવીર દરેકની સામે ત્રાડ પાડે છે, ખૂબ જ બેલેન્સડ રોલ છે. એક સીનમાં જ્યારે તે ધારાવી પાછો ફરે છે, ત્યારે પોતે સ્વપ્ન જોતો હોય એમ આપણને લાગે છે. એકથી વધુ સીનમાં રણવીર કાંઈ ન બોલીને ઘણું બધું બોલે છે.

ફિલ્મમાં રણવીર સિંગ હોવા છતાં, પોતાની પ્રથમ જ ફિલ્મમાં ‘MC શેર’ રેપરના રોલમાં સિદ્ધાર્થ ચતુર્વેદીએ હિપ હૉપ રોલ કર્યો છે. તે રિઅલ RAP આર્ટિસ્ટ જ લાગે છે. તેનો CALM & COMPOSED ચહેરો જોવો ગમે છે. મિત્રની વિશેષતાને તે નવું ફલક અપાવે છે, ખરેખર પ્રેરણાદાયી રોલ છે. દરેક કલાકારના જીવનમાં આવું કોઈક તો હોય છે જ, જે વ્યક્તિની અંદરની કલાને ઓળખીને તેને આગળ વધારે છે. આ રોલ મુરાદના મેન્ટર તરીકેનો છે. તો દિવસેને દિવસે આલિયા ‘ધ આલિયા ભટ્ટ’ બની રહી છે. ફિલ્મમાં તેણી એક એવી મુગ્ધા છે, જેના પોતાના સ્વપ્નો છે, તેણી મેડિકલ સ્ટુડન્ટ છે, તેણે કિચનના કુકિંગમાં પોતાની જિંદગી વેડફવી નથી, મુક્ત રીતે જીવવું છે. તેણી એક રૂઢીચુસ્ત મુસ્લિમ પરિવારમાંથી આવે છે. અહીં તેના પર મુકવામાં આવેલા બંધનો તેણીના સ્વભાવ પર હાવી છે. તેના બોયફ્રેન્ડ બાબતે પઝેસિવ છે. તે કઇ ક્ષણે શું કરશે એ તમે કહી ન શકો. આલીયાનો આ અવતાર પાવરપૅક છે.

- text

ફિલ્મ ડાયરેકટર ઝોયા અખ્તરે ફિલ્મને નવી ઊંચાઈ આપી છે. તેણે અને રીમાં કાગતીએ સાથે મળીને ફિલ્મ લખી પણ છે. ફિલ્મ ખાસ્સી પ્રેડીકટેબલ હોવા છતાં છેલ્લે સુધી જોવી ગમે છે. ઝોયા અખ્તરનું ડિરેક્શન ક્રિએટીવ છે. બસમાં રણવીર અને આલીયાનો ફર્સ્ટ સીન બંને વચ્ચેના અન્ડરસ્ટેન્ડિંગ જેવો છે. તો મીડલકલાસ ફેમિલીના સૂક્ષ્મ અવલોકનો કરીને અનેક સીન્સમાં કરેલું ડિટેલિંગ કાબિલે દાદ છે. ગીતો અને મ્યુઝિકનું નવું લેવલ એના કેમેરાવર્ક અને એડિટિંગને લીધે આવતું તમે જોઈ શકો. મેરી ગલ્લીમેં ગીતની વચ્ચે આવતા ધારાવીના ‘સ્ટીલ કેમેરા પોઝ’ તો અદ્ભૂત! ફિલ્મમાં સબપ્લોટના અનેક લેયર્સ ખુલે છે, એ દરેકનું ચોક્કસ રિઝન છે. (તમે સમજી શકો તો!) ફિલ્મમાં લવસ્ટોરી છે, ઝીંદગી સાથે સંતાકુકડી છે, તરછોડાયેલું બાળપણ છે, મિત્રો સાથે થતી નિર્દોષ તું તું મૈં મૈં છે, અભાવો વચ્ચે જીવાતા જીવનની ઘુંટન છે, ભીંત ફાડીને ઉભી થતી સર્જનાત્મકતા છે. બધું જ છે પણ કેન્દ્રમાં સર્જક છે, તેનું સફળ થવાનું પેશન બધાથી ઉપર છે. આમ, ઝોયા અખ્તરે દિલ રેડ્યું છે.

ફિલ્મમાં સપોર્ટિંગ કાસ્ટ પણ એકથી એક ચડે એવા કલાકારોથી ભરેલી છે. મુરાદના પિતા તરીકે વિજય રાઝતો નેચરલ જ હોય. તેની માતાના રોલમાં નેશનલ ડ્રામા સ્કૂલના અમૃતા સુભાષ પર્ફેક્ટ કાસ્ટિંગ છે. વિજય વર્મા મોઇન તરીકે ખૂબ જોવા ગમે છે. જેલના સળિયા પાછળનો સીન તો ક્યા કહેને! ફિલ્મમાં એક સીનમાં રણવીર ડ્રાઇવર તરીકે એક કારમાં બેઠો હોય છે, ઉપરથી રોશનીની ઝાકમઝોળ તેની આખી કારને જગમગાવી દે છે, પણ પોતે કેદ છે અંદર, આ રોશનીમાં ઝળહળી શકતો નથી, મનમાં ઘૂંટાય છે અને લખે છે, અપના ટાઈમ આયેગા! જે આ ફિલ્મનું સિગ્નેચર સોન્ગ છે. આવા કુલ 18 RAP ટ્રેક છે, જેમાં અનેક આર્ટિસ્ટએ સહયોગ કર્યો છે. દરેક ગીતના શબ્દો જાદુઈ અસર છોડે છે. જાવેદ અખ્તરના કેટલાક ગીતો રીતસર સ્ટોરીને નવો પ્રાણ આપે છે. ફિલ્મમાં આવતું આટલું મ્યુઝિક જરાય આપણને કંટાળો નથી આપતું એ તેની વિશેષતા છે.

ફિલ્મ એક અર્થમાં જોઈએ તો, મનુષ્યની અંદરનો અવાજ છે. જે કરવામાં મજા આવે એ જ કરવું જોઈએ. ટૂંકું વિચારીને એક માઇલસ્ટોન પર અટકી રહેવું એના કરતાં આગળ વધ્યે રાખવું જ સફળતાનો પર્યાય છે. ફિલ્મમાં એક કલાકારને અનેક વાર ટૂંકા પ્રલોભનો મળે છે, પણ તે ચલિત થતો નથી. એક ડાયલોગમાં આવે છે, ‘ઝીંદગીમેં સબ કુછ સહી રહેતા તો યે ‘રેપ’ લીખતા કૌન?!’ એક સર્જકના જીવનમાં આવતા અંતરાયો પગથિયાં જેવા હોય છે, એને ઓળંગી કાલને નવો આકાર આપે એ જ કલાકાર.

જોવાઇ કે નહીં?
ફિલ્મ U/A સર્ટિફિકેટ ધરાવે છે. એક બે સીનમાં પ્રણયદૃશ્યો ફિલ્મની જરૂરીયાત અનુસારના છે. તમને મ્યુઝિક ગમતું હોય, તો આ ફિલ્મ ગમશે જ. એક સર્જકની આંતરિક અને બાહ્ય સફર જોવા જેવી જ હોય! ઝોયા અખ્તરનું ડિરેક્શન પણ જોવાનું સબળ કારણ છે.

ફિલ્મમાં એક ડાયલોગમાં આવે છે, નૌકર કા બેટા નૌકર હી બનતા હૈ! આખી ફિલ્મ આ વાક્યને ખોટું પાડતી રહે છે. ઝોયા અખ્તર માટે એટલું કહીશ કે, કલાકાર કી ઔલાદ કલાકાર હી હોતી હૈ!

રેટિંગ : 8.50/10

આલેખન : મનન બુધ્ધદેવ
વ્હોટએપ : 9879873873
FB : Master Manan

- text