મોરબીમાં સસ્તા અનાજના ઘઉં, ચોખા બારોબાર વેંચી મારવાનું જબરૂ કૌભાંડ

- text


એલસીબીએ હળવદ નજીકથી આખેઆખો ખટારો ઝડપી લીધો! 10 દિવસ વિતવા છતાં પુરવઠા તંત્રનું ભેદી મૌન

મોરબી : મોરબી જિલ્લામાં સસ્તા અનાજના ઘઉં, ચોખા, કેરોસીન અને ખાંડ સહીતની જણસીઓ બીન્દાસ્ત પણે ખુલ્લા બજારમાં વેંચી મારવાનું જબરૂ કૌભાંડ ચાલી રહ્યું છે. આમ છતાં પુરવઠા તંત્ર મૌન ધારણ કરીને હાથ પર હાથ ધરીને બેઠુ છે ત્યારે 10 દિવસ પુર્વે મોરબી એલસીબી દ્વારા હળવદ રોડ પરથી રૂા. સવા બે લાખથી વધુ કિંમતના ગરીબોના ભાગના ઘઉં અને ચોખા બારોબાર વેંચી મારવાની પેરવી કરનાર ટ્રક ચાલકને રંગે હાથ ઝડપી લીધો હતો જોકે ભારે આશ્ર્વર્ય વચ્ચે એલસીબીએ આ ટ્રકને સીધો જ પુરવઠા વિભાગને સોંપી દીધો હતો.

જાણવા મળતી વિગતો મુજબ ગત તા.6ના રોજ મોરબી એલસીબી પોલીસે બાતમીને આધારે મોરબી હળવદ રોડ પરથી સસ્તા અનાજ હેઠળ ગરીબોને વિતરણ કરવાના ઘઉં અને ચોખાથી છલોછલ ભરેલ આખેઆખો ટ્રક ઝડપી લીધો હતો અને બાદમાં કોઇપણ કારણોસર ઉંડી છાનભીન કરવાને બદલે આ ટ્રકનો હવાલો મોરબી જિલ્લા પુરવઠા અધિકારીને સોંપી આપી પોતાની જવાબદારી પુર્ણ કરી હતી.

બીજી તરફ આ મામલે મોરબી જિલ્લા પુરવઠા અધિકારી પટેલનો સંપર્ક સાધતા તેઓએ શરૂઆતમાં તો અમોએ આ જથ્થો હાલ સીઝ કરી નિગમને સોંપી આપ્યો હોવાની કેસેટ વગાડી હતી પરંતુ આ જથ્થો કયાંથી આવ્યો? કયાં જતો હતો ? કયા પરવાનેદારનો હતો તે સહીતની બાબતો જાહેર કરવી મુનાસીબ સમજી ન હતી જો કે આ અંગે વધુ માહીતી માંગવામાં આવતાં અંતે તેઓએ જણાવ્યું હતુ કે પોલીસે ઝડપી લીધેલા આ ટ્રકમાંથી 164 ક્ટ્ટા ઘઉં અને 99 કટ્ટા ચોખાનો જથ્થો કિ.રૂા. 2.25 લાખનો હતો અને ડોર સ્ટેપ ડીલવરીના કોન્ટ્રાકટર કમલેશભાઇ જેષ્ઠારામભાઇ આડઠકકરના ટ્રકમાં જઇ રહ્યો હોવાનું જણાવ્યું હતું જોકે ઘઉં, ચોખા કયાંથી આવ્યા? અને કયાં જતાં હતાં ? તે અંગે તપાસ ચાલુ હોવાનું તેઓએ ઉમેર્યુ હતું.

- text

ઉલ્લેખનીય છે કે હકીકતમાં ઘઉં, ચોખાનો આ જથ્થો મોરબીના મોટા ગજાના કહેવાતા એક વેપારીનો હોવાનું અને હળવદ તરફ આવેલી ફલોરમીલમાં ઘઉં મોકલવામાં આવતાં હોવાનું અને ચોખાનો જથ્થો પણ એજ રીતે કાળાબજારમાં ધકેલવા માટે જ મોકલાઇ રહ્યાં હતાં પરંતુ એલસીબીએ આ ટ્રક ઝડપી લેતાં આ મોટા ગજાના વેપારીએ એડી ચોટીની તાકાત લગાવી એલસીબી પાસેથી આ સમગ્ર મામલાને પોતાના ઘરના ઘર જેવા પુરવઠા વિભાગ તરફ મોકલવામાં સફળતા મેળવી લીધી હતી એટલે જ તો આજે 10 દિવસ વિતવા છતાં પણ પુરવઠા તંત્ર દ્વારા કોઇપણ જાતની નકકર કામગીરી કરવાને બદલે સમગ્ર પ્રકરણને દબાવી દેવા લીપાપોતી કરવામાં આવી રહ્યું હોવાનું સ્પષ્ટ બની રહ્યું છે.

- text