ફિલ્મ રિવ્યુ : ઉરી-ધ સર્જિકલ સ્ટ્રાઈક (હિન્દી) : દેશપ્રેમ જગાડતી દિલધડક પ્રસ્તુતિ

- text


વૉરફિલ્મ એક એવી ઝોનરા(કેટેગરી) છે, જેની રાહ ભારતમાં ખૂબ જોવાય છે. મોટેભાગે 10-20 કે તેથી વધુ વર્ષ પહેલાના ઇતિહાસની ઘટનાને વૉર ફિલ્મ રજૂ કરતી હોય, પણ હજુ બે વર્ષ પહેલાં બનેલી ઘટના, જેની સત્યતા સાબિત કરવા પણ ઘણા વિવાદો થયાં હોય, એના પર ફિલ્મ બને એ જરા જુદું લાગે. આપણે આ ફિલ્મને ફિલ્મ તરીકે જોઈએ, તો વધુ નજીક જઇ શકીશું.

ફિલ્મનો વિહાન શેરગીલ (વિકી કૌશલ) એક યોદ્ધો છે, ગેરકાયદે થતી ઘુષણખોરી રોકી, આંતકવાદીઓને ચોક્કસ યોજના દ્વારા મ્હાત આપવી તેની આદત છે. સેવન સિસ્ટર્સ સ્ટેટ (પૂર્વ ભારત)માં થતા ઉગ્રવાદીઓનો ખાત્મો બોલાવવાની ઘટનાથી તેની વિશેષ કાબેલિયત આપણી સામે આવે છે. આ જવાન ‘સ્પેશ્યલ ફોર્સીસ’ બટાલિયનનો મેજર છે. પોતાની માંને અલઝાઇમર્સ હોવાથી સેનામાંથી સ્વૈચ્છીક નિવૃત્તિ લેવાનું વિચારે છે. બદલામાં ટેબલ પરના ઓફિસવર્કની નોકરી મેળવી માતાની સેવા કરે છે.

દરમિયાનમાં ઉરી પર ફિદાયીન હુમલો થાય છે અને ચાર આતંકવાદીઓ સાથેની મડાગાંઠમાં કરન શહીદ થાય છે, જે વિહાનની બેનના પતિ હોય છે. આ ઉરી હુમલાના 11 દિવસ બાદ ભારત તરફથી સર્જીકલ સ્ટ્રાઈક કરવામાં આવેલી, જેમાં pokમાંથી ઘુસી, આંતકવાદીઓના છ લૉન્ચર કેમ્પને ટાર્ગેટ કરી ઉડાડી દેવામાં આવ્યા હતાં. આમ, આ સ્ટોરી તો ઓલરેડી જ બધાને ખબર હોય, એટલે ફિલ્મની સફળતાનો મોટો આધાર સ્ક્રિનપ્લે, સિનેમેટોગ્રાફી અને ડાયલોગ્સ તથા એક્શન સિક્વન્સ પર આવી જાય.

આ ફિલ્મમાં બોર્ડર જેવી ફિલ્મોમાં જોવા મળે છે, એવો એ જાતે હુએ લમ્હો જેવો મેલોડ્રામા નથી, સોલ્જરના પર્સનલ પ્રૉબ્લેમ છે, પણ એ હમદર્દી માટે નહીં, દેશદાઝ માટે છે. ફિલ્મમાં સર્જીકલ સ્ટ્રાઈક જેટલું જ મહત્વ એ કરવા પાછળના ટેંશન અને પ્રેશરનું છે. ડોગરા રેજીમેન્ટ પર આંતકવાદી હુમલાથી ફિલ્મની શરૂઆત થાય છે. સર્જીકલ સ્ટ્રાઈકના એક વર્ષ પહેલાંથી ફિલ્મ શરૂ થાય છે. જુદા જુદા તબક્કે થયેલા હુમલાઓ અને ઉરી હુમલાનો જવાબ આપવા માટે ભારતના આ પગલાંની જરૂરિયાત બતાવવામાં આવી છે.

 

28 સપ્ટેમ્બર 2016ના રોજ થયેલા આ સિક્રેટ ઓપરેશનને ભારતના સુરક્ષા સલાહકાર અજિત દોવાલ અને સંરક્ષણ મંત્રાલય તથા આઈ.બી.ના ચુનંદા ઓફિસરોએ અંજામ આપ્યો હતો. પરેશ રાવલ, અજિત દોવાલના રોલમાં પરફેક્ટ કાસ્ટિંગ છે. નરેન્દ્ર મોદીના રોલમાં રજીત કપૂરે પ્રયત્ન સારો કર્યો છે, પણ એ ધીરગંભીર અવાજ અને ચેહરા પરનું તેજ અહીં મિસિંગ છે. કીર્તિ કુલ્હારીના ભાગે બોર્ડરના જેકી શ્રોફ જેવું સંકટ મોચનનું પાત્ર આવ્યું છે. યામી ગૌતમનો રોલ ફિલ્મમાં ખૂબ નાનો છે. માતા તરીકેના રોલમાં સ્વરૂપ સંપટ (મિસિસ પરેશ રાવલ), ઇમોશનલ લાગે છે. શહીદ થનાર કેપટન કરનના રોલમાં મોહિત રૈના જામે છે. એનો રોલ થોડો વધુ હોત તો ખૂબ ગમત.

- text

પણ, દિલજીત રોલ કર્યો છે, વિકી કૌશલએ. મેજરના રોલમાં આ ભાઇ એકદમ પેસી જાય છે. સોલ્જરનું સ્વેગ, ટશન અને પર્સનાલિટીમાં વિકી ખૂબ નિખર્યો છે. સંજુમાં સંજુ કરતા કમલી આપણને વધુ યાદ છે. એવું જ રાઝીમાં રાઇવલ ટીમના સોલ્જરના રોલમાં એ યાદગાર હતો. એમ આ ફિલ્મમાં તો રીતસર એ આપણને સિટીઓ પડાવવા મજબૂર કરે એવા રોલમાં છે.

ફિલ્મમાં સિનેમેટોગ્રાફી કાબિલે દાદ છે, એક્શન સીન્સમાં vfx પણ ભરપૂર છે. રાત્રીના સમય દરમિયાન યુદ્ધના સીન્સમાં લાઈટનો ક્રિએટીવ ઉપયોગ કરીને એક્શનસ બતાવ્યા છે. જંગલમાંના કેટલાક સીન દિવસે શૂટ કરીને રાત્રે હોય એમ બતાવ્યા હોય એવું લાગે છે. મૂળકથાથી થોડી ક્રિએટિવ લિબર્ટી લઈને પણ ફિલ્મને જોવા લાયક બનાવી છે. સેકન્ડ હાફમાં હોલીવુડની વૉર મુવી જેવું થ્રિલ આપણને ફીલ થાય છે. આ જો થોડું વધુ હોત તો, આપણને વધુ મજા આવત. ફિલ્મમાં એક નવો સવો યુવાન એક ડિવાઇસ બનાવે છે, જે સ્પેશ્યલ ડ્રોન તરીકે ફિલ્મમાં ઓપરેશનના એક દિવસ અગાઉ જ ઉપયોગમાં લેવાનું નક્કી થાય છે, એ જરા વધુ પડતું છે. ફિલ્મમાં બીજા સબપ્લોટને બદલે વૉરડ્રામા થોડો વધારાની જરૂર હતી. ફિલ્મમાં એક સીનમાં શહીદ થયેલા એક સૈનિકની છોકરી વૉરક્રાય બોલે છે, અને સૈનિકો રડતા રડતા એ ઝીલે છે, એ સીનમાં તો આફરીન થઈ જવાય છે.

જોવાય કે નહીં?
ઘણા સમયે, અંતિમ સીન પછી સ્ટેન્ડિંગ ઓવેશન મળે એવી ફિલ્મ આવી છે. મારફાડ એક્શન જોવી હોય તો KGF ચાલુ જ હશે. આ ફિલ્મમાં આપણી સેનાને જોઈને વધુ પ્રાઉડ ફીલ કરી શકશો. સર્જીકલ સ્ટ્રાઈક જેવી ઐતિહાસિક ઘટનાઓ પર આવી ફિલ્મો બને, તો ઇતિહાસ ભણાવવો ન પડે. આવનારી પેઢીને ચોક્કસ બતાવાય જ.

ફિલ્મમાં વિકી કૌશલ જવાનોને સતત પૂછ્યા કરે છે, હાઉ ઇઝ ધ જોશ? જવાનો કહે છે, હાઈ (High) સર! ફિલ્મમાં દેશપ્રેમનો જોશ સતત હાઇપર જ રહે છે. જે.પી.દત્તા પછી આપણને (એના ડેબ્યુમાં જ) વોરડાયરેક્ટર આદિત્ય ધાર મળી ગયો…

રેટિંગ : 7.50/10

આલેખન : મનન બુધ્ધદેવ
વ્હોટએપ : 9879873873
FB : Master Manan

- text