IT, GST સહિતના વિભાગો માટે મોરબીનો સિરામિક ઉદ્યોગ સોફ્ટ ટાર્ગેટ

- text


મંદીના કપરા સંજોગોમાં સરકારી કનડગતને કારણે ૩૫ ટકા કારખાના બંધ થવાની અણીએ : સરકારી એજન્સીઓ સોનાના ઈંડા દેતી મરઘી સમાન સિરામિક ઉદ્યોગનું ડોકું મરડવાની તૈયારીમાં

મોરબી : મંદીના માર વચ્ચે મોરબીનો સિરામિક ઉદ્યોગ અસ્તિત્વ ટકાવી રાખવા હવાતિયાં મારી રહ્યો છે તેવા સમયે જ ઇન્કમટેક્સ વિભાગે રાજ્યભરના અધિકારીઓની ફૌજને મોરબીમાં ઉતારી ત્રણ સિરામિક જૂથ ઉપર દસેક જગ્યાએ સર્ચ સર્વે શરૂ કરતા ઉદ્યોગકારોમાં ફફડાટ વ્યાપી ગયો છે, તંત્ર પાસે લાચાર ઉદ્યોગપતિઓ નિશાસા સાથે જણાવી રહ્યા છે કે કોઈપણ સરકારી એજન્સીને પોતાનો લક્ષ્યાંક પૂરો કરવો હોય ત્યારે સિરામિક ઇન્ડસ્ટ્રીઝ ટાર્ગેટ બને છે.ઇન્કમટેક્સ, જીએસટી, આઈજીએસટી, ડીઆરઆઈ સહિતના વિભાગો સિરામિક ઇન્ડસ્ટ્રીઝને સોફ્ટ ટાર્ગેટ માને છે અને આજ કારણોસર છેલ્લા ટૂંકા ગાળામા દસથી વધુ એજન્સીઓ દ્વારા દરોડાની વ્યાપક કાર્યવાહી કરી હોવાનું બહાર આવ્યું છે.

મોરબીમાં ગુરુવારે વહેલી સવારથી ઇન્કમટેક્સ વિભાગ રાજકોટ રેન્જ દ્વારા અમદાવાદ, સુરત અને અન્ય શહેરોની ૬૦થી વધુ ટીમો દ્વારા મોરબીના કોરલ અને કૅપશન ગ્રુપની જુદી – જુદી આઠથી દસ જગ્યાઓ ઉપર દરોડાની કાર્યવાહી કરવામાં આવતા મંદીનો સામનો કરતા ઉદ્યોગપતિઓમાં ઉગ્ર રોષ વ્યાપી ગયો છે, ઉદ્યોગકારોએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે આજની કપરી સ્થિતિમાં મોરબીમાં ૩૦થી ૩૫% કારખાનાઓ બંધ થવાની અણીએ છે, હાલમાં બેંકલોનના હપ્તા ભરવા ઉદ્યોગકારો નહિ નફો નહિ નુકશાનના ધોરણે મનેકમને પ્લાન્ટ ચલાવી રહ્યા છે જેથી ટર્નઓવર ઠપ્પ થાય તે સ્વાભાવિક છે, આ પરિસ્થિતિમાં ઉદ્યોગને બચાવવાનો બદલે સરકારી એજન્સીઓ સાચી પરિસ્થિતિ સમજવાને બદલે બધા ઉદ્યોગકારોને ચોર સમજી જે રીતે કાર્યવાહી કરી રહી છે તે જરાપણ યોગ્ય નથી.

આજે મોરબીના સિરામિક ઉદ્યોગનું એક્સપોર્ટ બંધ છે, સ્થાનિક માર્કેટમાં પણ ખરીદદારી નથી પરિણામે મોટાભાગના કારખાનાઓમાં પ્રોડક્શન ઘટી ગયું છે જેથી ઇન્કમટેક્સ અને જીએસટીની આવક ઘટી છે તો એનો મતલબ એવો નથી કે ઉદ્યોગકારો કરચોરી કરી રહ્યા છે ! સરકારી એજન્સીઓ માટે સિરામિક ઇન્ડસ્ટ્રીઝ સોનાના ઈંડા દેતી મરઘી સમાન છે પરંતુ ઇન્કમટેક્સ અને જીએસટી જેવા વિભાગો માર્ચ ઢુંકડો આવતા જ આ મરઘીનું ગળું મરડી નાખવા દરોડાનો દૌર ચલાવી રહ્યા હોવાનું પણ ઉદ્યોગકારો જણાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્યમાં મોરબી જિલ્લો ઇન્કમટેક્સ અને જીએસટી ચુકવવામાં અગ્રેસર રહ્યો છે અને અન્ય જિલ્લાની તુલનાએ માત્રને માત્ર સિરામિક ઉદ્યોગના કારણે જ આયકર વિભાગને ટેક્સરૂપે અબજો રૂપિયા મળી રહ્યા છે ત્યારે સરકાર જો હાલના મંદીના કપરા સંજોગોની પરિસ્થિતિ નહિ સમજી તો મોરબીનો પડી ભાંગેલો સિરામિક ઉદ્યોગ પાયમાલ થઈ જશે તેવી દહેશત વ્યક્ત કરી સિરામિક ઉદ્યોગકારો દ્વારા સરકારી એજન્સીઓની કનડગત બંધ કરવા માંગ ઉઠાવી રહ્યા છે.

સાચા ઉદ્યોગકારો દંડાવા ન જોઈએ અને ખોટી કનડગત બંધ કરો : ચેમ્બર ઓફ કોમર્સ

- text

મોરબી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બેચર ભાઈ હોથીએ જણાવ્યું હતી કે આઇટી સહીત કોઈ પણ એજન્સી હોય તો એ માત્ર મોરબી સીરામીક ઉદ્યોગ ને સોફ્ટ ટાર્ગેટ બનાવે છે અમુક ઉદ્યોગકારો કરચોરી કરતા હોય છે પરંતુ એના વાંકે નિર્દોષ ઝપટે ચડે છે. અને સાચા અને સાચા ઉદ્યોગકારો દાંડાવા ન જોઈએ ઉદ્યોગ કરો ને આ રીતે વારંવાર દરોડા પાડીને ખોટી રીતે કરાતી કનડગત બંધ થવી જોઈએ એકબાજુ આ ઉદ્યોગ સૌથી વધુ ટેક્સ કમાઈ આપે છે. જેમાં ત્રુટિ કાઢીને સીરામીક ઉદ્યોગ ને નિશાન બનાવે છે તે કોઈ કાળે યોગ્ય નથી. આઈ ટી સહીત ની તમામ એજન્સીઓને આ રીતે હેરાન ગતિ બંધ કરવાની સાથે સરકારે જુના સી ફોર્મ અંગે પણ યોગ્ય નિર્ણય લેવો જોઈએ.

વિવિધ વિભાગો ટાર્ગેટ પૂરો કરવા દરોડા પાડે છે : અગ્રણી ઉદ્યોગપતિ

ખરેખર તો મોરબી સીરામીક ઉદ્યોગ પર વારંવાર દરોડા પાડવા પાછળનું કારણ એ છે કે ઈન્ક્મટેક્સની આવક થતી નથી અને ટાર્ગેટ પૂરો કરવા માટે સીરામીક ઉદ્યોગને ઝપટે ચડાવે છે ખરેખર તો અત્યારે સીરામીક ઉદ્યોગ ભયંકર મંદીનો સમય ચાલી રહ્યો છે. એટલે વેચાણ ઓછું થાય છે અને ટેક્સ પણ ઓછો ભરાય છે. આના કારણે દરોડા પાડવાએ વ્યાજબી નથી. ખરેખર તો સરકારે આ ઉદ્યોગ ને મંદીમાંથી ઉગારવા યોગ્ય પ્રોત્સાહન આપવા જોઈએ

ઉદ્યોગકારોને આત્મહત્યા કરવી પડે તેવી કપરી સ્થિતિ : ઉદ્યોગપતિ આગેવાન

અત્યારે સીરામીક ઉદ્યોગ માં એટલી બધી ભયંકર મંદી ચાલી રહી છે કે જી એસ ટી અને બેંક ની લોન ભરવામાં પણ સાસા પડે છે અને ગેસ એગ્રીમેન્ટ હોવાને કારણે ઉદ્યોગકારો ને પરાણે કારખાના ચાલુ રાખવા પડે છે ત્યારે આવા સમયગાળા માં આઈ ટી સહીત ની એજન્સીઓ દરોડા પડે છે અને આવું ને આવું ચાલ્યું તો ઉદ્યોગકારોને આત્મહત્યા કરવાની નોબત આવશે

મંદી માંથી ઉગારવા ઉદ્યોગ સ્થિર થાય તેવી પોલિસી લાવો : અગ્રણી ઉધોગકાર

ઉદ્યોગકારોએ જણાવ્યું હતું કે સીરામીક ઉદ્યોગ માં હાલ કેટલાક સમયથી ચાલી રહેલી ભયંકર મંદી ને કારણે ઉદ્યોગ બંધ થવાના આરે પોહચી ગયા છે. ત્યારે આઈ ટી વિભાગ દરોડા પાડતા હવે આ ઉદ્યોગ બંધ થાય તેવી ભીતિ છે. મંડી ના કારણે ઉત્પાદન ઓછું થાય છે. પરંતુ જીએસટી ઓછા વેચાણથી ખોટી માહિતીના ગેરમાર્ગે દોરાઇને દરોડા પાડે છે. તે કોઈ કાળે યોગ્ય નથી. અને વારંવાર દરોડા પડતા રહશે તો 30 થી 35 ટકા કારખાના બંધ કરવા પડશે અને લાખો લોકો બેરોજગાર થશે. તેથી સરકારને પણ આવકમાં મોટો ફટકો પડશે. અત્યારે મંદીમાં સપડાયેલ આ ઉદ્યોગ સ્થિર થાય તેવી પોલિસી લાવવા માટે સરકાર સમક્ષ માંગ કરાઈ છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text