પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજનો જન્મજયંતી મહોત્સવ નારી ઉત્કર્ષનો અદભૂત સમન્વય બન્યો

- text


૨૦૦૦ થી વધુ બહેનો ઘરની જવાબદારી નિભાવતા – નિભાવતા આપે છે સેવા

મોરબી : પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનો જન્મજયંતી મહોત્સવ ખરા અર્થમાં નારી ઉત્કર્ષ અને બાળ ઉત્કર્ષનો અદભૂત સમન્વય બન્યો છે કારણ કે છેલ્લા બે માસથી ચાલી રહેલ મહોત્સવની તૈયારીમાં ૨૦૦૦થી વધુ બહેનો – બાલિકાઓ ઘરની જવાબદારી નિભાવતા નિભાવતા અહીં દિન – રાત સેવા કાર્ય કરી રહ્યા છે.

વિશ્વ વંદનીય સંતવિભૂતિ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનો ૯૮મો જન્મજયંતી મહોત્સવ તારીખ ૫ ડિસેમ્બર થી ૧૫ ડિસેમ્બર દરમ્યાન માધાપર-મોરબી બાયપાસ રોડ, રાજકોટ ખાતે આવેલા વિશાળ સ્વામિનારાયણ નગરમાં ભવ્યતા અને દિવ્યતાથી ઉજવાશે. આ જન્મજયંતી મહોત્સવ ઉપક્રમે પ્રમુખસ્વામી મહારાજના ઉપકારોનું ઋણ ચૂકવવા અને તેઓનો જીવનસંદેશ સમાજના અનેક લોકો સુધી પ્રસરે તે માટે મહિલા સ્વયંસેવકો જન્મજયંતી મહોત્સવને સફળ બનાવવા માટે શ્રદ્ધા અને ખંતપૂર્વક સેવાયજ્ઞમા જોડાયા છે.

યુગપુરુષ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની જન્મજયંતી ભવ્યાતીભવ્ય રીતે ઉજવવા માટે મહિલા સ્વયંસેવકો પણ થાક અને ઉંઘને ગોણ કરીને પોતાના ઘરની જવાબદારી નિભાવતા-નિભાવતા દેહની પરવા કર્યા સિવાય અનેકવિધ વિભાગોમાં સેવાઓ આપી રહ્યા છે. જેમાં રસોડા વિભાગમાં પીરસવાની સેવા, વાસણ માંજવાની સેવા, ચુલા લીપણની સેવા, બાંધકામ વિભાગમાં ગ્રાઉન્ડ સફાઈ, રેતી ચાળવાની સેવા, મરચા અને કપાસ ઉતારવાની સેવા, ઇંટો ફેરવવાની સેવા, સ્વયંસેવક ઉતારામાં સફાઈની સેવા, યજ્ઞશાળામાં ઈટો ગોઠવવાની સેવા, ડેકોરેશન વિભાગમાં મંદિરનું ડેકોરેશન, સ્ટેજનું ડેકોરેશન, લાઈટ એન્ડ સાઉન્ડ શોમાં લેન્ડ સ્કેપની સેવા, કલર કામની સેવા, ગોદડા સીવવાની સેવા જેવી અનેક પુરુષ સમોવડી સેવાઓ કરીને ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.

વિવિધસેવા વિભાગોમાં કુલ ૧૮૦૦ મહિલાઓ, ૨૭૫ યુવતીઓ અને ૧૦૦ જેટલી બાલિકા કાર્યકરો સેવામાં જોડાયેલા છે. આ મહિલા સ્વયંસેવકો સવારના ૭ થી રાતના ૧૨ વાગ્યા સુધી સેવા કરી આ રીતે દિવસના ૧૫ કલાક સેવા આપી પોતાની ગુરુભક્તિ અદા કરી રહ્યા છે તથા ઘણા બધા મહિલા સ્વયંસેવકોઓ ખુબ જ સુખી-સંપન્ન પરિવારમાંથી આવતાં હોવા છતાં પણ નાનામાં નાની સેવા ખંતથી કરી રહ્યા છે.

પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનો જન્મજયંતી મહોત્સવ એ ખરા અર્થમાં નારી ઉત્કર્ષ અને બાળ ઉત્કર્ષનો અદભૂત સમન્વય છે. સેવા દરમ્યાન અહીંથી મહિલાઓ અને ભારતની ભાવી પેઢી એવા બાળકો પારિવારિક એકતા, વડીલો પ્રત્યે આદર, દેશ માટે કંઇક કરી છૂટવાની તમન્ના, ભગવાનમાં શ્રધ્ધા જેવાં અનેક સદગુણો અને વિચારો ગ્રહણ કરી ઉન્નત જીવનની પ્રેરણા આપતા સંદેશાઓ અહીંથી પ્રાપ્ત કરી રહ્યા છે.

- text

- text