પાણી માટે જંગ : માળિયાના ખેડૂતોની આરપારની લડાઈનો બીજો દિવસ

નર્મદા કેનાલના પાણી મુદ્દે ચાલતી લડતમાં સરકારી બાબુઓએ ઉપવાસી છાવણીની મુલાકાત ન લેતા ખેડૂતોમાં રોષ

મોરબી : માળીયા બ્રાન્ચ કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે ગઈકાલે ખાખરેચી ગામેથી મહારેલી યોજી ત્રણ દિવસના ઉપવાસ આંદોલનના મંડાણ છતાં ખેડૂત આંદોલન અંગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નોંધ લેવામાં ન આવતા હવે ખેડૂતો દ્વારા આરપારની લડાઈ લડવા રણનીતિ ઘડી કાઢી છે.

માળીયા બ્રાન્ચ ખેડુત હીત રક્ષક સમીતી દ્વારા નર્મદા કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે ચાલતું ઉપવાસ આંદોલન આજે બીજા દીવસમાં પ્રવેશ્યું હોવા છતાં પણ રવી પાક માટે પાણી ન મળતા અને સાચી હક ની માંગણી સંતોષાણી ન હોય ખેડુતો માં અતિશય રોષ છે ખેડુતોના ઉપવાસના બીજા દીવસે પણ કોઈ પણ સરકારી તત્ર દ્વારા ઉપવાસ છાવણીની પણ મુલાકાત લેવામાં ન આવતા હવે ખેડૂતો લડાયક મિજાજમાં આવ્યા છે.

વધુમાં ખેડુત હીત રક્ષક સમીતીના મીડિયા પ્રભારી પ્રભાતભાઈ ડાંગરે જણાવ્યું હતું કે માળીયા બ્રાન્ચ કેનાલમાં માળીયા મીયાણા તાલુકાના ખીરઈ ગામ સુધી પાણી નહીં પહોંચે ત્યા સુધી ખેડુત લડતા રહેશે અને હવે આ લડતને વધુ તેજ બનાવવામાં આવનાર હોવાનું તેઓએ અંતે જણાવ્યું હતું.