ઘેટાંબકરાના મોત મામલે પશુપાલન વિભાગ દોડતું

- text


રાતો – રાત હળવદ પંથકમાં સર્વે ચાલુ, મૃત પશુઓના વિશેરા લેવાયા : રાજકોટની ટીમ આવશે

હળવદ : મોરબી જિલ્લામાં ઘેટાં બકરાના ભેદી રોગચાળાથી ટપો ટપ મોત થવા પ્રકરણમાં હળવદમાં સૌથી વધુ ખુવારી હોય ગઈકાલે મોરબી અપડેટમાં આવેલા અહેવાલને પડધે પશુપાલન વિભાગ દોડતો થયો હતો અને રાતોરાત હળવદ પંથકમાં સર્વે શરૂ કરી મૃત પશુઓના વિશેરા લેવાની સાથે સાથે રોગચાળો અટકાવવા રાજકોટની ટીમની મદદ લેવામાં આવી છે.

હળવદ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા વીસેક દિવસથી ઘેટા બકરામા ભયંકર રોગચાળો ફેલાતા પશુપાલકોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે અને આ રોગચાળાના કારણે દોઢસોથી વધુ ઘેટા-બકરાના મોત નિપજયાનું માલધારીઓ જણાવી રહ્યા છે, સાથે સાથે નાના – નાના અસંખ્ય ઘેંટા બકરાના મોત થયા હોવાનું પણ જણાવી પશુપાલકો દ્વારા પશુપાલન વિભાગ વહેલી તકે સર્વે હાથ ધરી વકરતો જતો રોગચાળો અટકાવવામા આવે તેવી માંગ સાથે હળવદ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

- text

બીજી તરફ ઘેટાં બકરાના ટપોટપ મોતનો અહેવાલ મોરબી અપડેટમાં પ્રસિદ્ધ થતા મોરબી જિલ્લા પંચાયત પશુપાલન વિભાગના નાયબ પશુપાલન અધિકારી ડોક્ટર ડી.એ.ભોરણીયા સહિતની ટીમ હળવદ ખાતે દોડી આવી હતી અને પશુપાલકોના પશુઓની પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી હતી.

ઘેટાં બકરામાં ફેલાયેલ રોગચાળા અંગે નાયબ પશુપાલન અધિકારી ડી.એ.ભોરણીયાએ જણાવ્યું હતું કે ccpp નામના સંભવિત રોગચાળાના લક્ષણો જણાઈ રહ્યા છે જે માટેનું સચોટ નિદાન કરવા માટે રાજકોટથી પશુરોગ નિરીક્ષકોની ટીમ બોલાવવામાં આવી છે તો સાથે જ હાલ જે મૃતક પશુ છે તેનું પીએમ કરી સચોટ રોગચાળાનું કારણ જાણવા પ્રયાસો હાથ ધરી દરેક પશુઓને આ રોગ ન થાય તેવા હેતુથી રસીકરણ કરવામાં આવશે તેમાં જ બીમાર પશુઓની સારવાર કરાશે.

હળવદના સ્થાનિક પશુપાલકો વરસાદ ખેંચાતા ટૂંક સમયમાં અન્ય વિસ્તારોમાં પશુઓના ઘાસચારા માટે વાંઢે જવા નીકળવાના હોય જેથી દસ દિવસ બાદ પણ પશુઓને સેકન્ડ રસી આપી આપવામાં આવશે ગઈકાલે જુદી-જુદી ત્રણ ટીમો તપાસ હાથ ધરી રોગચાળો અન્ય પશુઓમાં ન ફેલાય તે માટે પશુઓની સારવાર કર્યા બાદ અન્ય પશુઓને પણ રસીકરણ કરવામાં આવનાર હોવાનું પશુપાલન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું.

- text