મોરબી જિલ્લામાં ઘેટાં બકરામાં ભેદી રોગચાળો : ટપો – ટપ મોત

- text


હળવદ પંથકમાં દોઢસો જેટલા ઘેટાં બકરાના મોત નિપજતા માલધારીઓ ચિંતિત : પશુપાલન વિભાગ કોમામાં !

મોરબી : મોરબી જિલ્લાના અનેક ગામડાઓમાં ઘેટાં બકરામાં ભેદી રોગચાળો ફાટી નીકળતા છેલ્લા અઠવાડિયામાં અબોલ જીવોનો સોથ વળી ગયો છે. તો, માઠા વરસમાં પશુપાલકોને પડ્યા ઉપર પાટુ જેવો ઘાટ સર્જાયો હોવા છતાં પશુપાલન વિભાગ કોમામાં સરી પડ્યો છે ખાસ કરીને હળવદ પંથકમાં તો દોઢસોથી વધુ ઘેટાં બકરા મોતને ભેટતા માલધારી સમાજ રોષે ભરાયો ચજે અને જો રોગચાળો નિયંત્રણમાં લાવવા પગલાં નહિ ભરાય તો મોરબી જિલ્લા કલેકટર અને જિલ્લા પંચાયતમાં માલઢોર સાથે ધામ નાખવા ચીમકી ઉચ્ચારી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ચાલુ વર્ષે અપૂરતા વરસાદને કારણે દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં પશુપાલકોની કસોટી થઈ રહી છે તેવા સમયે જ છેલ્લા અઠવાડિયામાં ઘેટાં બકરામાં ભેદી રોગચાળો ફાટી નીકળતા અબોલ જીવો ટપો – ટપ મોતને ભેટી રહ્યા છે.

- text

ખાસ કરીને હળવદ પંથકમાં છેલ્લા અઠવાડિયામાં ૧૫૦ થી પણ વધુ ઘેટાં બકરાના મોત નિપજતા રોજે રોજનું કમાઈ ખાતા માલધારી સમાજ માથે આફત ઉતરી આવી છે.

બીજી તરફ પશુપાલન વિભાગ હાલ કોમામા સરી પડ્યુ છે અને આ ભેદી રોગચાળાનો કોઈ ઈલાજ ન હોવાનું જણાવી હાથ અધ્ધર કરી દીધા છે અને કામગીરી કરવા માટે બે દિવસ બાદ રસીકરણ ઝુંબેશ શરૂ કરવાના ગાણા ગાઇ રહ્યું છે.

દરમિયાન હળવદ પંથકમાં ઘેટાં બકરાના ટપો – ટપ મોત નિપજતા માલધારીઓ ચિંતિત બનવાની સાથે સરકારી તંત્ર પ્રત્યે ક્રોધિત જોવા મળ્યા છે અને આજે હળવદ મામલતદારને આવેદન પાઠવી જો પાંચ દિવસમાં રોગચાળો નિયંત્રણ કરવા તંત્ર પગલાં ન ભરે તો મોરબી જિલ્લા કલેક્ટર કચેરી અને જિલ્લા પંચાયત કચેરીમાં ડેરા તંબુ તાણી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

- text