વાંકાનેરમાં ફટાકડા ફોડવા મામલે થયેલા ખૂની હુમલામાં યુવાનનું મોત

વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં દિવાળીની મધ્યરાત્રીએ બનેલ બનાવ હત્યામાં પલટાયો

વાંકાનેર : વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં દિવાળીની મધ્યરાત્રીએ ત્રણ શખ્સોએ લુખ્ખાગીરી કરી ફટાકડા ફોડી રહેલા યુવાન પાસેથી ફટાકડા ફોડવા માંગતા ના પાડતા ખૂની હુમલો કરી હોન્ડા મોટરસાયકલ અને રોકડ રકમની લૂંટ કરવાની ઘટનામાં સારવાર દરમિયાન કોળી યુવાનનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના વિજયભાઇ હકાભાઇ મેટાડીયા, ઉવ.૨૩ ધંધો.મજુરી રે.ભાટીયા સોસાયટી, ભુતનાથ મંદીર પાસે, વાંકાનેર વાળા ઉપર દિવાળીની રાત્રે ફટાકડા ફોડવા આપવા મુદ્દે વાંકાનેરના ખાટકીપરામાં રહેતા ઇલુ, મીલપ્લોટમાં રહેતા હુશેન તથા કોઠી ગામના સરપંચનો દીકરા એવા મુનાફે છરી વડે ખૂની હુમલો કરી મોટરસાયકલ અને ૫૦૦ રૂપિયા રોકડની લૂંટ કરતા પોલીસે ત્રણેય શખસો વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો હતો.

બીજી તરફ પ્રથમ વાંકાનેર બાદ રાજકોટ સારવારમાં ખસેડાયેલ વિજયભાઈની તબિયત ગઈકાલે રાત્રે વધુ લથડતા ફરી રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન મોત નિપજતા લૂંટ અને ખૂની હુમલાનો મામલો હત્યામાં પરિણમતા આ મામલે પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી ત્રણેય લુખ્ખાઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

ઉલ્લેખનીય છે કે હત્યામાં સંડોવાયેલ તમામ આરોપીઓ ગુનો કરવાની ટેવવાળા હોય અગાઉ પણ પોલીસ ચોપડે ચડી ગયેલા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

મૃતક યુવાન