ટંકારાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરો : ખેડૂતોની મહારેલી

સરપંચ એસોશિએશનની આગેવાની હેઠળ ટંકારામાં ખેડૂતોએ મામલતદાર કચેરી ગજાવી

ટંકારા : ટંકારા તાલુકાના તમામ ગામડાઓના વરસાદના આંકડા ધ્યાને લઈ સરકાર દ્વારા તાકીદે ટંકારા તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે આજે ખેડૂતોએ સરપંચ એસોશિએશનની આગેવાની હેઠળ મહારેલી યોજી ટંકારા મામલતદાર કચેરી ગજાવી હતી.
ઓણ સાલ અપૂરતા વરસાદ છતાં મોરબી જિલ્લાના ફક્ત ત્રણ તાલુકાઓને જ સરકારે અછતગ્રસ્ત જાહેર કરી ટંકારાને અન્યાય કરતા આજરોજ ટંકારા તાલુકાના સરપંચ એસોશિએશનની આગેવાની હેઠળ મોટીસંખ્યામાં ખેડૂતો દ્વારા રેલી યોજવામાં આવી હતી અને ટંકારાની સ્થિતિનો ચિતાર રજૂ કરી અપૂરતા તથા છુટાછવાયા વરસાદને કારણે ખેડૂતોને બી બિયારણના પૈસા પણ માથે પડ્યા હોય ટંકારા તાલુકાને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાં તમામ ગામોના વરસાદના અકળ મેળવી તાકીદે ટંકારા તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માંગ ઉઠાવવામાં આવી હતી.

હાલમાં ટંકારા તાલુકાના અનેક ગામોમાં પીવાના પાણી, પશુઓ માટે ઘાસચારાની સ્થિતિ અત્યંત ખરાબ છે અને ખેડૂતો પાયમાલ થવાને આરે છે ત્યારે ન્યાય મેળવવા આજે તાલુકાના ૪૫ ગામના ખેડૂત અગ્રણીઓ અને સરપંચો તથા હોદેદારો મળી મહારેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવી તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માંગણી દોહરાવી હતી.