અંતે મોરબી જિલ્લાના હળવદ, માળીયા અને વાંકાનેર તાલુકા અછતગ્રસ્ત જાહેર

રાજ્ય સરકારે ૫૧ તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરતા ખેડૂતોને રાહત

મોરબી : ગુજરાત સરકારે આજે મહત્વપૂર્ણ નિર્ણય લઈ જે તાલુકામાં ૧રપ મીમીથી ઓછો વરસાદ થયો છે તે તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરી પ૧ તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કર્યા છે જેમાં મોરબી જિલ્લાના હળવદ, માળિયા અને વાંકાનેર સહિત સુરેન્દ્રનગર જિલ્લાના સાતેય સાત તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

રાજયના નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલએ આજે પ્રેસ કોન્ફરન્સને સંબોધતા જણાવ્યું હતું કે, ખેડૂતોની ચિંતા સરકારને સતાવી રહી છે જે ને લઈ રાજય સરકારે અછતગ્રસ્ત વિસ્તારોની પરિસ્થિતિની સમીક્ષા કરી આ નિર્ણય લેવાયો છે જેમાં રાજયના જે તાલુકામાં ૧રપ મીમી કરતા ઓછો વરસાદ પડયો હોય તેવા તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. રાજયમાં મોટા ભાગના વિસ્તારોમાં ઓછો વરસાદ પડવાને કારણે અછત જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જેમાં આજે ખાસ કરીને મોરબી જિલ્લાના હળવદ, માળીયા અને વાંકાનેરની સ્થિતિ ખરાબ હોય ત્રણેય તાલુકાને અછતગ્રસ્ત જાહેર કર્યા છે.

વધુમાં હળવદ તાલુકા વિસ્તારમાં ઘાસચારાની અછતને પહોંચી વળવા ઘાસચારો પણ પુરો પાડવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, તાલુકાને અછત ગ્રસ્ત જાહેર કરવા અગાઉ ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયા, તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા, માર્કેટ યાર્ડ ચેરમેન રણછોડભાઈ પટેલ સહિત તાલુકાના જુદીજુદી ગ્રામ પંચાયતોના સરપંચો દ્વારા રજુઆતો કરાઈ હતી આખરે આ રજુઆતો રાજય સરકારે સાંભળી તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવતા ખેડૂતોમાં રાહતની લાગણી પ્રસરી છે.