ફિલ્મ રિવ્યુ : બધાઇ હો! (હિન્દી) : સિમ્પલ સિચ્યુએશનલ જેન્યુઇન કૉમેડી

- text


જે ઉંમરે છોકરાના ઘરે છોકરાં રમાડવાના હોય એ ઉંમરે દંપતિ નવા મહેમાન આવવાના સમાચાર આપે, એ વાત જ આમ તો સાંભળીને હસવું આવે એવી, કલ્પનાબહારની અને વિચિત્ર છે. આવું થવાથી પરિવારની સમાજમાં શું સ્થિતિ થાય, યારો-દોસ્તો શું કહે, આડોશપડોશમાં લોકો કેવી દૃષ્ટિથી જુવે વગેરે જેવી બાબતોને ખૂબ હળવાશ અને કાબેલિયતપૂર્વક રજૂ કરતી ફિલ્મ એટલે બધાઇ હો!

બૉલીવુડમાં જે હાલત કૉમેડી ફિલ્મોની થઈ છે, એ જોતાં આ ફિલ્મ હૈયાને ટાઢક આપે છે. કોમેડી માટે વલ્ગર જોક્સ કે મારામારી પણ આજકાલની હિન્દી (ગુજરાતી પણ) ફિલ્મોમાં આવવા લાગ્યા છે, ત્યારે આ ફિલ્મ પોતાની સિચ્યુએશન્સથી આપણને હસાવે છે. ન માત્ર હસાવે છે, ક્યાંક રડાવે પણ છે. ખૂબ જ નવા પ્રકારની વાર્તા હોવાથી ફિલ્મ પાસે અપેક્ષા પણ ખૂબ હતી, ફિલ્મ એ તમામ અપેક્ષાઓ પૂર્ણ કરે છે.

દિલ્હીમાં રહેતા કૌશિક પરિવારમાં ૫ સભ્યો છે, જીતેન્દ્ર અને પ્રિયંવદા, એમના બે સંતાનો અને એક આખાબોલા દાદી. જીતુ કૌશિક નોર્ધન રેલવેમાં ટી.ટી.ઇ. છે. મધ્યમવર્ગીય પરિવારના વડા કૌશિક સાહેબ, થોડા કંજૂસ છે. રેલવે તરફથી મળેલા ફ્લેટમાં રહે છે, વેગન આર ગાડી ધરાવે છે. સંતાનોને ટોક ટોક કર્યા કરે છે. પણ છે બહુ રોમેન્ટિક, પોતાની પત્નિ પર ઘણીવાર કવિતાઓ કરે છે. ‘કવિ વ્યાકુલ’ના નામે એમની કવિતાઓ મેગેઝીનમાંય છપાય છે. આ કૌશિક સાહેબ તેમના પત્નિની તબિયત બગડતાં તેઓને દવાખાને ડો.બગ્ગાને ત્યાં લઇ જાય છે અને ખબર પડે છે કે તેઓ રિટાયર્ડ થવાની ઉંમરે બાપ બનવાના છે! સમગ્ર કૌશિક પરિવાર માટે આ કપરી પરિસ્થિતિ હોય છે. સમાજ સામે તેઓ કેવી રીતે બાથ ભીડે છે, પરિવારના સભ્યો એકબીજાને સાથ આપે છે કે અંદરોઅંદર લડે છે, એ માટે તો ફિલ્મ જોવું રહ્યું!

ફિલ્મમાં ગજરાજ રાવએ જીતુ કૌશિક તરીકેનો રોલ કર્યો છે. શું એકપ્રેશન આપ્યાં છે! માશાલ્લાહ! પોતાના સંતાનોને પોતે બાપ બનવાના છે એ જાણ કરતો સીન તો લાજવાબ! આ ઉપરાંત દરેક સીન્સમાં હાઇડ ધ ઇમોશનથી માંડીને શરમ સાથે ડાયલોગ બોલવામાં એ મેદાન મારી જાય છે. નીના ગુપ્તા ‘મા’ના રોલમાં નેચરલ છે, બંન્ને રિઅલમાં પતિપત્ની હોય, એવી કેમેસ્ટ્રી આપણને દેખાય છે. નીના ગુપ્તાએ જેટલા ડાયલોગ્સ બોલ્યા છે, એના કરતા વધુ સ્ક્રિન મૌન રહીને એકપ્રેશન્સ સાથે શેર કરી છે.

- text

આયુષમાન ખુરાના તો અંધાધૂન પછી આ રોલમાં જોવો ખૂબ ગમે છે. મોટા સંતાન નકુલ તરીકે તેનું કેરેક્ટર ખૂબ બધા લેયર્સમાંથી પસાર થાય છે. શરમ, મુંઝવણ અને આત્મવિશ્વાસ ત્રણેય તબક્કામાં નકુલ ખીલે છે. આ કૌશિક પરિવાર જાણે આપણી આસપાસ જ રહેતો હોય, એવી રીતે દરેક કેરેક્ટરને એસ્ટેબલિશ કરવામાં આવ્યું છે. ફિલ્મ નકુલની પ્રેમિકા રીનીનો રોલ કરતી સાનિયા મલ્હોત્રા ‘પટાખા’ના તીખાં તમતમતા રોલ પછી મધમીઠાં લવસ્ટોરીના રોલમાં જોવી ગમે છે. તેણી દિલ્હીના મોર્ડન ફેમીલીના સંતાનના રોલમાં છે. રીની નકુલની સાથે ઓફિસમાં કામ કરે છે. બન્નેના પરિવાર વચ્ચે ઘણું અંતર છે. તેણી પોતાની મા સાથે બંગલોમાં રહે છે, કાર ચલાવે છે, મા સાથે બેસી વાઇન પીવે છે, પાર્ટીઓ કરે છે. નકુલને ખૂબ જ ચાહે છે.
પણ શૉ સ્ટોપ્પર છે, દાદીનો રોલ કરતા સુરેખા સિક્રી. દરેક વાતમાં વહુને જ જવાબદાર ઠેરવી સાસુપણું કર્યા કરતી દાદીના રોલમાં એમના મોઢે બોલાયેલાં સામાન્ય ડાયલોગ્સ પણ વનલાઈનર્સ લાગે છે. નાકચઢી દાદીનો રોલ એમણે મસ્ત રીતે કર્યો છે. તેઓને જ્યારે ખબર પડે છે કે તેમની વહુ આવડી ઉંમરે મા બનવાની છે, જે રિસ્પોન્સ આપ્યો છે, એ એક સીન માટે પણ આખી ફિલ્મ જોવી પડે તો જોવાય.

દાદી ફર્સ્ટ હાફમાં આપણને જુનવાણી લાગે છે. ડાયરેક્ટર અને રાઇટર્સએ આ કેરેક્ટર કોઇ જીવંત પાત્ર પરથી બનાવ્યું હોય એવું ઝીંદાદીલ છે. સેકન્ડ હાફમાં જ્યારે નીના ગુપ્તાને તેની નણંદ અને જેઠાણી ટોણા મારે છે, ત્યારે દાદી જ હોય છે, જે આ સંતાન એ બંનેના પ્રેમનું પ્રતિક છે એમ જણાવે છે. એ સીનમાં દાદીનું પરફોર્મન્સ જોવા જેવું છે.

ફિલ્મના દરેક કેરેક્ટરે ડાયલોગ્સ કરતાં એકપ્રેશન ઉપર કામ વધુ કર્યું છે. ડૉ.બગ્ગા જ્યારે જીતેન્દ્ર કૌશિકને જણાવે છે, કે તેઓની પત્ની પ્રેગ્નેન્ટ છે, ત્યારે કેમેરો ડોકટર સાહેબના ફેઈસ પર જાય છે, એક પણ શબ્દ બોલ્યા વિના એ જે રીતે જોવે છે. ગોસિપ કરવા માટેનું મટિરિયલ મળ્યાની ખુશી અને જીતેન્દ્ર કૌશિકની ઈર્ષ્યા બંને એમના ચહેરા પર આપણને દેખાઈ આવે છે.

ફિલ્મ ડાયરેક્ટરએ દિલ્હીને પ્યોર દિલ્હી જ બતાવ્યું છે. એક ફિલ્મમાં આપણને ગઢવાલી, પંજાબી અને ભોજપુરી ટોનવાળી ભાષા સાંભળવા મળે છે. મેરઠ અને દિલ્હીની સુગંધ ફિલ્મમાં સતત પથરાયેલી જોવા મળે છે. આયુષમાન ખુરાના જેવા સ્ટાર્સ ફિલ્મમાં મૌજુદ હોવા છતાં તમામ કેરેક્ટર્સને પૂરો ન્યાય કર્યો છે. કહેવાતાં મોર્ડન લોકોની વાસ્તવિકતા પણ તેઓએ બતાવી છે. નવા વિચારોને સામાન્ય લોકો જ સ્વીકારે છે, આપણે જેને સુધરેલા કહીએ છીએ એ તો અંદરથી કેવા હોય છે એ એમણે બતાવ્યું છે. ફિલ્મનું મ્યુઝિક ઠીકઠાક છે. બેકગ્રાઉન્ડ સ્કોર સારો છે. સેકન્ડ હાફમાં થોડીક વાર માટે ફિલ્મ પકડ ગુમાવે છે, પણ તુરંત જ પ્રિ-ક્લાઈમેક્સ અને કલાઈમેક્સમાં ફિલ્મ અત્યંત સુંદર લાગે છે.

જોવાય કે નહીં?
ફિલ્મ એક જેન્યુઇન કોમેડી છે. બાવીસ પચ્ચીસ વર્ષના યુવાનની માતા માં બનવાની હોય એવી સ્ટોરી હોવા છતાં ફિલ્મ દાદા-દાદી,નાના-નાની ફૂલ ફેમીલી સાથે જોઈ શકો, એવી ‘પ્યોર’ છે. ફિલ્મમાં કોઇપણ જાતનું લેકચર આપ્યા વગર સરસ મજાનો મેસેજ પણ કહેવાયો છે. આયુષમાન ખુરાનાને ‘બધાઇ’ આપવા તો જાવું જોઈએને!

ફિલ્મમાં એકવાર અનુપ જલોટાનો પણ નામોલ્લેખ થાય છે. (અલબત્ત, એક ભજનિક તરીકે જ હોં! ☺)

રેટિંગ : 7.50/10

આલેખન : મનન બુધ્ધદેવ
વ્હોટએપ : 9879873873
FB : Master Manan

- text