મોરબી : એસપી નહીં આવે ત્યાં સુધી મૃતદેહ અહીં જ રાખશું

- text


બોરીચા યુવાનની હત્યાના બનાવમાં પોલીસ કર્મીઓ વિરુદ્ધ પણ ફરિયાદ નોંધવા માંગણી : સીટી એ-ડિવિઝન પોલીસ મથકે મૃતદેહ સાથે ધામા

મોરબી : મોરબીના લીલાપર રોડ ઉપર ગરબી સ્થળ નજીક ગઈકાલે ગાળો બોલવા મુદ્દે થયેલી માથાકુટ બાદ થયેલી મારામારીના બનાવમાં બોરીચા યુવાનનું સારવાર દરમિયાન અમદાવાદ ખાતે મૃત્યુ નિપજતા આ મામલે આજે સાંજે મૃતદેહને મોરબી લાવવામાં આવ્યો હતો અને મૃતકના પરિવારજનો દ્વારા જ્યાં સુધી એસપી ન આવે અને આ હત્યામાં સંડોવાયેલ પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ગુન્હો ન નોંધાય ત્યાં સુધી એ-ડિવિઝન પોલીસ મથકથી મૃતદેહ ઉપાડવા નનૈયો ભણી દેતા ચકચાર જાગી છે.

ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ ગત તા. ૧૩ ને શનિવારના રોજ રાત્રીના સમયે મોરબી લીલાપર રોડ પર મેલડી માતાજીના મંદિર પાસે યોજાતી ગરબીમાં જયદીપ, જયરાજ અને જીગો જીલુ ગોગરા નામના ત્રણેય ભાઈઓએ જાહેરમાં ગાળો બોલવા મુદ્દે માથાકૂટ થઇ હતી બાદમાં જયદીપ જીલુભાઈ ગોગરા, રે.બોરીચાવાસ મોરબી વાળાએ ગરબીમાં માથાકૂટ મામલે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં તા. ૧૩ ના રોજ આરોપી હરપાલસિંહ, હરદેવસિંહ, દિલીપસિંહ, પલ્લવ રાવલ, મહિપાલસિંહ ભાણું, દીપકસિંહ અને અન્ય છ અજાણ્યા શખ્સોએ ધોકા, પાઇપ, અને છરી વડે હુમલો કરતા તેને તથા તેના ભાઈ જયરાજને અને જીગરને ઇજાઓ પહોંચતા સારવાર માટે મોરબી સિવિલમાં ખસેડી અને તેના ભાઈ જયરાજને વધુ ગંભીર ઇજા થતાં રાજકોટ અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

- text

દરમિયાન આજે અમદાવાદ સારવારમાં રહેલ જયરાજનું મૃત્યુ નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો અને મૃતકના ભાઈ જીગર જીલુભાઈ ગોગરાએ આ મામલે માનવ અધિકારપંચ અને ગૃહવિભાગને લેખિત રજૂઆત કરી આ હત્યાના બનાવમાં એ ડિવિઝન પોલીસ મથકના 100 નંબરના ડ્રાઇવર અને ડી-સ્ટાફના માણસોની સંડોવણી હોવાનું તેમજ પોલીસ દ્વારા પણ ઢોર માર મારવામાં આવ્યો હોવાનું જણાવી દોષિતો સામે ગુન્હો નોંધવા માંગ કરી હતી.

બીજી તરફ સોમવારે સાંજે અમદાવાદથી મૃતદેહ મોરબી લાવવામાં આવ્યો હતો અને મૃતદેહને સીધો જ એ -ડિવિઝન પોલીસ મથકે લઈ જય દોષિત પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી જ્યાં સુધી જિલ્લા પોલીસવડા અહીં ન આવે ત્યાં સુધી મૃતદેહ નહીં ઉપાડી રામધૂન બોલાવવાનું શરૂ કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, આ માથાકૂટ મામલે નારણભાઇ માધાભાઈ લાંબારીયા નામના ગરબી આયોજકને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોય જયદીપ, જયરાજ અને જીગો જીલુ ગોગરા વિરુદ્ધ પણ એ ડિવિઝન પોલીસે મથકે ત્રણેય વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.

- text