નવરાત્રી વેકેશનના શાળા ચાલુ રાખનાર મોરબીની ૯ શાળાઓને નોટિસ

જિલ્લા શિક્ષણાધિકારીએ શાળાની માન્યતા રદ્દ કરવા શોકોઝ ફટકારતા ફફડાટ

મોરબી : રાજ્ય સરકાર દ્વારા નવરાત્રી પર્વે શાળાઓમા નવરાત્રી વેકેશન પાડવાની સુચના આપવા છતાં મોરબી જિલ્લામાં અનેકશાળાઓ ચાલુ રહેતા આ મામલે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ૯ શાળાઓને નોટિસ ફટકારવામાં આવતા ચકચાર જાગી છે.

નવરાત્રી મહોત્સવ દરમિયાન તમામ શાળાઓમાં રજાઓ રાખવા સરકાર દ્વારા આદેશો જારી કર્યા હતા તેમ છતા રાજય સરકારના આ આદેશનો ઉલાળીયો કરીને નવરાત્રી વેકેશન દરમિયાન મોરબી જિલ્લાની અનેક ખાનગી શાળાઓ ચાલુ રહી હતી.

નવરાત્રી વેકેશનમાં શૈક્ષણિક કાર્ય ચાલુ રાખી નિયમભંગ અંગે જિલ્લા શિક્ષણાધિકારી બી. એન. દવેએ જણાવ્યુ હતુ કે, જિલ્લામાં ૯ ખાનગી શાળાઓને નવરાત્રી વેકેશનમાં શિક્ષણ કાર્ય ચાલુ રાખવા મામલે નોટીસ ઈશ્યુ કરવામાં આવી છે અને રાજય સરકારના આદેશનુ ઉલ્લંઘન કરવા મામલે આ તમામ શાળાઓની માન્યતા રદ કેમ ન કરવી તે અંગે ખુલાસો માંગ્યો છે.