ટંકારાના હડમતિયામાં નર્મદાના નીરને બદલે તળાવ કૌભાંડનો રેલો પહોંચ્યો

- text


નાની સિંચાઈ યોજનામાં અધિકારીઅોની સ્થળ તપાસમાં ભોપાળું છતું : તળાવ રીનોવેશન કર્યા વગર જ 9.18 લાખ હજમ

ટંકારા : મોરબી જિલ્લામાં નાની યોજના તળાવ કૌભાંડમાં વધુ એક ભોપાળું છતું થયું છે ટંકારા તાલુકાના હડમતીયા ગામે તળાવનું રીનોવેશન કર્યા વગર જ રૂપિયા 9.18 લાખ હજમ કરી લેવામાં આવતા આજે અધિકારીઓની ટિમ દ્વારા સ્થળ તપાસ કરી તળાવ આજુબાજુના ખેડુતોના નિવેદનો લેતા ચકચાર જાગી છે. અને લોકોમાં એવી ચર્ચા ઉઠી છે કે હડમતિયામાં નર્મદાના નીર તો ન પહોંચ્યા પણ તળાવ કૌભાંડનો રેલો જરૂરથી આવ્યો છે.

- text

પ્રાપ્ત વિગતો મુજબ આજરોજ ટંકારા તાલુકાના હડમતિયા ગામે નાની સિંચાઈ યોજનાનો મસમોટો રેલો જરુર પહોચ્યો હોય તેમ અધિકારીઅો તપાસ અર્થે પહોચતા ખેડુતો તેમજ પંચાયત સતાધિસોને પુછતાછ કરી સ્થળ પર માટીકામ, ઝાડકટીંગ, સમારકામ, પાળાકામ થયું છે કે કેમ તેની જાણકારી મેળવી હતી, જો કે ફક્ત કાગળ પર તળાવો થઈ ગયાનુ બહાર આવ્યું છે. આ બાબતનુ સ્થળ પર પંચનામુ કરતા અધિકારીઅો પાસેથી ખેડુતોઅે પંચરોજકામની નકલ આપશો તો જ સહી કરવા જણાવ્યું પણ અધિકારીઅે જણાવ્યુ કે નકલ નહી આપીઅે ત્યારે મામલો થોડીવાર ગરમ થતા આવેલ અધિકારીઅે પોતાના ઉચ્ચ અધિકારીને જણાવતા પંચાયતને નકલ આપતા મામલો શાંત થયો હતો.
ઉલ્લેખનીય છે કે, સાંસદ મોહનભાઇ કુંડારીયા દ્વારા ગ્રામ પંચાયતના સરપંચને પત્ર પાઠવી તમારા ગામમાં તળાવનું રીનોવેશન થયું છે કે કેમ તે અંગે જાણકારી માંગી હતી પરંતુ પાલણપીર જગ્યા નજીક આવેલ આ તળાવ અંગે પંચાયત જવાબ આપે તે પૂર્વે જ અધિકારીઓની ટિમ તપાસ માટે દોડી આવતા હવે ભ્રષ્ટાચારનો રેલો કયા સુંધી પહોચે છે તે આગામી દિવસોમા ખબર પડશે.

- text