સિરામિક ટાઈલ્સના ભાવમાં 10 થી 15 ટકાનો ભાવ વધારો

- text


ગેસના ભાવમાં વધારો થતા સિરામિકના ચારેય એસોશિએશનના હોદેદારોની મિટિંગમાં લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય : 15 ઓક્ટોબરથી ભાવવધારો અમલી

મોરબી : સિરામિક રો-મટીરીયલ અને ગેસના ભાવમાં સતત થઇ રહેલા ભાવ વધારાને પગલે મોરબી સિરામિક એસોશિએશન દ્વારા ચારેય એસોશિએશનની મહત્વપૂર્ણ મિટિંગ યોજી સર્વાનુમતે વિટ્રીફાઇડ, વોલ, ફલોર ટાઇલ્સ અને સેનેટરીવેર્સની તમામ પ્રોડકટમાં 10 થી 15 ટકા ભાવ વધારો કરવા નિર્ણ્ય લેવામાં આવ્યો છે અને આગામી તા.15 ઓક્ટોબરથી ભાવ વધારો અમલી બનાવવામાં આવશે.

પ્રાપ્ત વિગતો મુજબ સીરામીક હબ મોરબીના ઉદ્યોગકારો રો-મટિરિયલના ભાવમાં થયેલા ભાવ વધારા ઉપરાંત નેચરલ ગેસના ભાવમાં સતત થઇ રહેલા ભાવવધારાને કારણે ચિંતિત બન્યા છે અને આ મામલે આજે મોરબી સીરામીક એસોશિએશનની ચારેય પાંખના હોદેદારો અને સભ્યોની તાકીદની બેઠક યોજાઈ હતી જેમાં સર્વાનુમતે તમામ સીરામીક પ્રોડક્ટના ભાવમાં 10 થી 15 ટકા ભાવવધારો કરવા નિર્ણ્ય કરવામાં આવ્યો હતો.

- text

મોરબી સીરામીક એસોસીએશનના પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું હતું સિરામિક રો મટીરિયલમાં ભાવવધારો થવા છતાં છેલ્લા ચાર  વર્ષ જેટલા સમયથી ઉદ્યોગ દ્વારા પોતાની પ્રોડક્ટમાં કોઈ જ ભાવ વધારો કર્યો નથી પરંતુ હવે નેચરલ ગેસના ભાવમાં પણ વધારો થતા સીરામીક ઉદ્યોગને બચાવવા માટે ભાવ વધારો કરવો જરૂરી જણાતા 10 થી 15 ટકા ભાવવધારો કરવામાં આવ્યો છે.

દરમિયાન વિટ્રિફાઇડ ટાઇલ્સ સિરામિક એસોશિએશનના પ્રમુખ મુકેશભાઈ ઉઘરેજાએ ઉમેર્યું હતું કે છેલ્લા ઘણા સમયથી સીરામીક રો-મટિરિયલથી લઈ પેકેજીંગ મટીરીયલ્સ,ગેસ સહિતના ભાવોમાં થી રહેલ વધારા છતાં સીરામીક પ્રોડક્ટના ભાવમાં વધારો ન થતા ઉદ્યોગકારો નહિ નફો નહિ નુકશાનના ધોરણે બિઝનેશ કરવો પડે તેવી સ્થિતિ નિર્માણ થતા એસોસીએશનના તમામ સભ્યોની માંગને ધ્યાને લઈ વોલટાઈલ્સ, વિટ્રિફાઇડ ટાઇલ્સ, સેનેટરીવેર્સ સહિતની તમામ પ્રોડક્ટમાં 10 થી 15 ટકા ભાવવધારો કરવા નક્કી કરાયું છે અને આગામી 15 ઓક્ટોબરથી આ ભાવવધારો લાગુ કરવામાં આવશે જેની તમામ ડિસ્ટ્રીબ્યુટર ડીલર્સને જાણ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

- text